Editorial

ગુજરાત મોરી મોરી રે

Published

on

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી
સમંદરનાં મોતીની છોળે નવરાવતી
ગુજરાત મોરી મોરી રે

Advertisement

ગિરનારી ટૂંકો ને ગઢ રે ઈડરિયા
પાવાને ટોડલે મા’કાળી મૈયા
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં
ગુજરાત મોરી મોરી રે

આંખની અમીમીટ ઊમટે ચરોતરે
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે
ગુજરાત મોરી મોરી રે

Advertisement

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે
નમણી પનિહારીને ભીને અંબોડલે
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે
ગુજરાત મોરી મોરી રે

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી
ગાંધીની ગુજરાત કપરી જીરવવી
એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી
ગુજરાત મોરી મોરી રે

Advertisement

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે

~ ઉમાશંકર જોશી

Advertisement

ગુજરાત મોરી મોરી રે કાવ્યની સરળ સમજૂતી

(મારો જન્મ સદ્ નસીબે ગુજરાતમાં થયો એટલે મને) મળતાં મળી – ગઈ ખૂબ જ મોંધી, અમૂલ્ય આ ગુજરાત, ગુજરાત ભારતનાં અન્ય રાજય કરતાં સૌથી આગળ, સૌથી મોખરાનું છે. ભારતની કુલ જમીનમાં ખાસ્સો એવો હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતનું પ્રદાન સાંસ્કૃતિક, આર્થિક એમ દરેક રીતે મહત્ત્વનું છે.)

Advertisement

અમે એવી જગ્યાએ ઊછર્યા છીએ, જયાં સાબરમતીએ મર્દાનગીભરી વાતો એમને સંભળાવી છે, રેવાએ (નર્મદા નદી) (પાણીરૂપી) અમૃતથી અમારું સિંચન કર્યું છે અને સમુદ્ર મોતીરૂપી મોજાંની છાલકોથી અમને નવડાવ્યા છે. પ્રેમ આપ્યો છે.) એવું આ ગુજરાત સૌથી આગળ, મોખરાનું છે.

ગિરનારનાં ઊંચાં શિખરો, ઈડરિયો ગઢ અને જયાં મહાકાળી માતા બિરાજમાન છે તે પાવાગઢ જેવા ડગલે ને પગલે આવતા ડુંગરોથી આપણું થયું આનંદથી ભરાઈ જાય છે, મારી આંખની સામે ચરોતર, ચોરવાડનો સુંદર પ્રદેશ ઊભરી આવે છે, જેને હૈયાનાં નીરથી સિંચ્યો છે. એટલે જ આ પ્રદેશો આટલા ફળદ્રુપ છે.)

Advertisement

કોયલ, મોર જેવાં પક્ષીઓ જયાં મધુર ટહુકા કરે છે, નમણીનાજુક પનિહારીઓ જયાં પાણી ભરે છે, સારસ (કદાપિ વિખૂટી ન પડે તેવી જોડી) પક્ષીની જેમ સુખી સ્ત્રી-પુરુષો રહે છે, એવો ગુજરાતનો આ પ્રદેશ છે. નર્મદની ગુજરાત સામાજિક રીતે પછાત હોવાથી જીવવી અઘરી હતી, જયારે ગાંધીજીના સમયમાં અંગ્રેજોનું રાજય હતું, તેથી એ ગુલામી જીરવવી કપરી હતી. પરંતુ આજે તે પરિસ્થિતિ નાબૂદ થયેલી છે તેથી એની સુગંધ, એનાં ગીતો ભૂલવાં અઘરાં છે, ગુજરાત પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે અહીં પડતી મુક્લીઓ પણ સ્વીકાર્ય છે.) આવું આ ગુજરાત સૌથી આગળ છે.

Advertisement

Trending

Exit mobile version