Connect with us

Gujarat

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ : ૨૦૨૩

Published

on

gujarati-film-award-distribution-ceremony-2023
  • રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને તા.૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે
  • શ્રેષ્ઠ નિર્માતા,શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ ચલચિત્ર,તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એનાયત થશે

ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને આવતી કાલે તા.૨૭ જુનના રોજ ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવશે. આ સમારંભમાં નાણામંત્રીના હસ્તે વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. ગુજરાતી ચલચિત્રો તેમજ તેની સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે.

gujarati-film-award-distribution-ceremony-2023

 

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વર્ષ ૨૦૧૬-૧૭, વર્ષ ૨૦૧૭-૧૮, વર્ષ-૨૦૧૮ અને વર્ષ-૨૦૧૯ મળી ચાર વર્ષ દરમિયાનની ચલચિત્રોને સમાવવામાં આવી છે. નવા સચિવાલય,સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે દ્વારકા હૉલમાં સવારે ૯.૩૦ કલાકે યોજાનાર આ સમારોહમાં શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ વેશભૂષા,શ્રેષ્ઠ સંગીત નિદર્શન તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની અલગ અલગ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. જેમાં રોંગ સાઇડ રાજુ, હેલ્લારો, કેરી ઓન કેસર, લવની ભવાઇ, ગુજ્જુભાઇ:મોસ્ટ વૉન્ટેડ, કરસનદાસ પે એન્ડ યુઝ, રેવા તેમજ બેસ્ટ ઓફ લક લાલુ સહિતની મુખ્ય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂ.૨૧ હજારથી લઈને રૂ.૨.૫૦ લાખની મર્યાદામાં અલગ અલગ શ્રેણીમાં પારિતોષિકની રકમનું ચૂકવણું અગાઉથી જ આ કલાકારોને કરી દેવામાં આવ્યું છે.

Advertisement

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, રાહુલ ભોલે, અભિષેક જૈન, અભિષેક શાહ, કિર્તીદાન ગઢવી, વિપુલ મહેતા, મલ્હાર ઠાકર, આરોહી પટેલ, સાધના સરગમ, સુપ્રિયા પાઠક તેમજ સિધ્ધાર્થ રાંદેરિયા સહિતના ખ્યાતિપ્રાપ્ત કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહેશે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ તેમજ માહિતી નિયામક ડી.કે.પારેખ ઉપસ્થિત રહેશે.

Advertisement
error: Content is protected !!