Chhota Udepur
ગુંદીયા મહુડા ગ્રામજનોએ લીઝ માફિયાઓ સામે આવેદનપત્ર આપ્યુ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ છોટાઉદેપુર તાલુકાના વચલીભીત ગામે ગુંદીયા મહુડા ફળિયામાં લગાતાર રાત અને આખો દિવસ રેતી માફિયાઓ કોઈપણ ડર વગર વસવા નદીમાંથી છેલ્લા ૨ વર્ષથી રેતીનું બેફામ ખોદકામ અને વેચાણ કરે છે. તેને તંત્ર દ્વારા તાત્કાલિક વેચાણ અટકાવવામાં આવે તેવી ગામ લોકો એ માંગ સાથે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ને ઉદ્દેશીને છોટાઉદેપુર તાલુકાના ઝોઝ પોલીસ મથકે લેખિત અરજી કરી હતી.
ઝોઝ પોલીસ મથકે આપેલ લેખિત અરજીમાં ગામ લોકોએ જણાવ્યું છે કે ટ્રેક્ટર મારફતે સતત રેતીનું ગેરકાયદેસર વેચાણ થાય છે. અને આજરોજ ગુંદીયા મહુડામા વસવા કોતરમાં માત્ર ૨૫% જ રેતી બચેલી છે જે બચેલી રેતીને તંત્ર દ્વારા અટકાવવામાં નહિ આવેતો ગામ લોકો દ્વારા જનતા રેડ પાડીશું. રેડ દરમિયાન કોઈ પણ જાતનું નુકસાન થશે તે સમયે નુકસાન ની જવાબદારી તંત્રની રહેશે આમ આમાં અમારી કોઈપણ જાતની જવાબદારી રહેશે નહીં અને ૧૦ દિવસ ની અંદર આ રેતી નો ધંધો અટકાવવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું તેમ આપેલ લેખિત અરજીમાં જણાવ્યું છે.