Panchmahal
હાલોલ:કલરવ સ્કૂલ દ્વારા અન્નપૂર્ણા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

હાલોલ ખાતે આવેલ કલરવ સ્કૂલમાં શાળાના આચાર્ય શિક્ષક ગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અન્નદાન એજ મહાદાનનો ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતુ.આ તારીખે શાળા દર વર્ષે અન્નપૂર્ણા દિવસ તરીકે ઉજવે છે. આ ઉમદા કાર્ય કરવાની પ્રેરણા આપનાર શાળાના આચાર્ય ડૉ. કલ્પના જોષીપુરા તેમજ શાળાના ટ્રસ્ટી હાર્દિક જોશીપુરા ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થી ગણ દ્વારા આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.
આજના સમયમાં દરેક માનવી પોતાના જ કાર્યમાં વ્યસ્ત રહેતો હોય છે અને બીજાના માટે સમય હોતો જ નથી માત્ર મનોરંજન ની ખાતર ઉત્સવ કરતા હોય છે.તો આવા સમયે વિદ્યાર્થીઓ બીજાના દુઃખોને સમજે અને વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવના કેળવાય તેમજ જરૂરિયાતમંદ બાળકોને અન્નની તૃપ્તિ થાય, તે માટે શાળાના શિક્ષક ગણ, વાલીગણ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને થેપલા, શાક, બુંદી અને ફૂલવડી બનાવીને ગામડાના બાળકો સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યમાં અસ્તિત્વ ગૃપ અને વાલીઓનો સાથ સહકાર મહત્વનો બની રહ્યો.હાલોલ તાલુકાના કંજરી ગામના આજુબાજુના જરૂરિયાતવાળા વિસ્તારો જેવા કે પાણીયા,નાયક વાસ, પ્રાથમિક શાળા, મધુવન આશ્રમશાળા,ગોપીપુરા અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 500 જેટલા બાળકોને અન્નપૂર્ણા ના દિવસે ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં સેવાની ભાવના વિકસાવવામાં આવી અને આ ઉમદા કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ વાલીઓનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.