Panchmahal
હાલોલ:SOG પોલીસે ખોડીયાર નગર ખાતેથી શંકાસ્પદ પાવડર નો જથ્થો ઝડપી પાડયો
હાલોલ શહેરમાંથી પંચમહાલ એસઓજી ટીમે એક યુવક પાસેથી અંદાજિત ૪૫૦ ગ્રામ શંકાસ્પદ પાવડરનો જથ્થો કબજે લઈ વધુ તપાસ માટે એફએસએલમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે.મળી આવેલો જથ્થો કોઈ ડ્રગ્સનો છે કે કેમ જે અંગેની ખરાઈ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ સાથે યુવક સામે કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવશે.જોકે હાલોલ શહેરમાં પોલીસ ટીમોની હિલચાલને લઈ આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો હતો.પંચમહાલ એસઓજી પીઆઇ આર.એ.પટેલને હાલોલ શહેરમાં એક યુવક પાસે શંકાસ્પદ પાવડરનો જથ્થો હોવાની બાતમી મળી હતી.
સાથે જ આ જથ્થો કેફી પદાર્થમાં ઉપયોગ લેવામાં આવતો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ હતી.જે આધારે એસઓજી પી.આઈ અને ટીમે હાલોલ શહેરના વડોદરા રોડ પર આવેલ ખોડીયાર નગર વિસ્તારમાં બાતમી વાળા સ્થળે પહોંચી જઈ યુવકને સાથે રાખી જથ્થા અંગે તપાસ કરી હતી.દરમિયાન તપાસ કરતાં યુવકના તાબા માંથી અંદાજિત ૪૫૦ ગ્રામ જેટલો પાવડરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.જે અંગે એસઓજીએ યુવકની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ મળી આવેલા પાવડરના શંકાસ્પદ જથ્થાનો સેમ્પલ લઇ પૃથ્થકરણ માટે એફએસએલની મદદ લેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરા માંથી પોલીસ દ્વારા ડ્રગ્સ નો જથ્થો પકડવામાં આવ્યો હતો. દરમિયાન ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં પણ હાલોલ કનેક્શન બહાર આવ્યું હતું જે આધારે પંચમહાલ એસઓજી એક્શન મોડ માં આવી હતી અને એ દિશા માં તપાસ હાથ ધરી હતી.જોકે એફએસએલના રિપોર્ટ બાદ તમામ હકીકત સામે આવી શકે એમ છે પરંતુ હાલોલ શહેર પોલીસ મથકે મળી આવેલા શંકાસ્પદ પાવડરના જથ્થા મુદ્દે જાણવાજોગ ફરિયાદ નોંધાવવાની કામગીરી કરવામાં આવી હોવાનું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.