Sports
આયર્લેન્ડ સિરીઝમાં હાર્દિક પંડ્યા અપાયો રેસ્ટ, ટીમ ઈન્ડિયાને મળશે વધુ એક નવો કેપ્ટન

ટીમ ઈન્ડિયા ઓગસ્ટ મહિનામાં ટી-20 સિરીઝ માટે આયર્લેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતના મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. છેલ્લી વખતે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં યુવા ટીમ આયર્લેન્ડની ધરતી પર રમવા ગઈ હતી. આ વખતે પણ એવી જ અપેક્ષા હતી. પરંતુ હવે એક નવું અપડેટ સામે આવ્યું છે કે હાર્દિક આ સિરીઝમાં આરામ પર હશે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને વધુ એક નવો કેપ્ટન મળી શકે છે.
હાર્દિક અને ગિલને આરામ મળશે
ભારતના T20 કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને આગામી એશિયા કપ અને ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આયર્લેન્ડ સામે 18 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ મેચની T20I શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. બીસીસીઆઈના સૂત્રએ આ જાણકારી આપી. પંડ્યા ભારતની ODI ટીમનો અભિન્ન ભાગ છે અને ઓલરાઉન્ડર હોવાને કારણે તે ટીમને સંતુલન પ્રદાન કરે છે. ટીમ મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ તેની સાથે કોઈ જોખમ લેવા માંગતી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા નવા કેપ્ટન સાથે આયર્લેન્ડ શ્રેણીમાં ઉતરી શકે છે અને બની શકે છે કે એશિયન ગેમ્સ પહેલા આ શ્રેણીમાં રુતુરાજ ગાયકવાડને તક આપવામાં આવે.
હાર્દિક વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન પણ રહેશે
બોર્ડના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે હજુ સુધી કંઈ નક્કી નથી અને તે ODI અને T20 પછી હાર્દિક કેવું અનુભવે છે તેના પર પણ નિર્ભર રહેશે. આમાં તેઓએ ઘણી મુસાફરી કરવી પડશે અને ફ્લોરિડાથી ડબલિનની મુસાફરી પહેલા માત્ર ત્રણ દિવસનો સમય હશે. તેણે કહ્યું કે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી છે. તે વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન પણ છે.
ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે
ભારતીય ટીમ 27 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે. ભારતે પાંચ દિવસમાં આયર્લેન્ડમાં ત્રણ T20 મેચ (18, 20 અને 23 ઓગસ્ટ) રમવાની છે. વર્લ્ડ કપ પહેલા ભારતે એશિયા કપ પણ રમવાનો છે.