Chhota Udepur
હૌસલા બુલંદ હૈ તો જીવનમે ઉમંગ હૈ દિવ્યાંગ ચંપકભાઈ મજબૂત મનોબળથી આર્થિક રીતે પગભર
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)
“કદમ અસ્થિર હો એને માર્ગ જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય નડતો નથી” આ પંક્તિને સાર્થક કરે એવા ઉદાહરણો શોધવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. આપણી આસપાસ રહેલા કેટલાક મજબૂત મનોબળના વ્યક્તિઓ પોતાની શારીરિક અને માનસિક અશક્તતાને નેવે મૂકી બીજાથી અલગ રીતે ચીલો ચિતર્યો હોય એવું ઘણી વાર આપણી નજર સમક્ષ બનતું હોય છે.
વાત અહીં એવા જ એક દિવ્યાંગ વ્યક્તિની કરવી છે જેણે એક અકસ્માતમાં પોતાનો ડાબો હાથ ગુમાવ્યા બાદ પણ હિંમત હાર્યા વગર પોતાના આગવા મનોબળથી જીવનને માણી રહ્યા છે. છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ખેરકા ગામના ચંપકભાઈ રાઠવા કે જેઓની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે લાઇટના થાંભલા પર ચડી ગયા હતા અને કરંટ લાગવાને કારણે એમણે પોતાનો ડાબો હાથ ગુમાવી દીધો હતો. ત્યારબાદ તેમના પિતાનું પણ અવસાન થયું હતું અને ઘરમાં આવક બંધ થઈ ગઈ હતી.
પોતે લખવામાં ડાબોડી હોવાથી ડાબો હાથ જ અકસ્માતને કારણે કપાઈ જતા તેઓ નાસીપાસ થઈ ગયા હતા. પરંતુ ધીરે ધીરે કળ વળતા તેઓએ જમણા હાથે લખવાનું શીખી લીધું તેમ જ અન્ય કામ કરવાનું શીખી લીધું હતું. જે સમયે તેમને અકસ્માત નડ્યો એ જ આરસામાં તેમના લગ્નની પણ વાત ચાલતી હતી. સ્વસ્થ થતાં તેમણે લગ્ન કરી લીધા હતા અને તેમને દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત રૂપિયા ૫૦ હજારની સહાય મળી હતી. આ સહાયથી તેમણે અનાજ કરિયાણા અને જનરલ સ્ટોરનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ ધોરણ ૧૨ પાસ હોવાને કારણે જમણા હાથથી લખવાની તેમને ફાવટ આવી જતા ધંધાનો હિસાબ કિતાબ પણ જાતે લખે છે.
ચંપકભાઈની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મને એક જગ્યાએ વધુ સમય બેસી રહેવું ગમતું નથી મને હાથલારીની સહાય સમાજ સુરક્ષા કચેરી દ્વારા આપવામાં આવી છે એનાથી હું કટલરી આઈટમો વેચવાનો નવો વ્યવસાય શરૂ કરીશ એવું એમણે કીધુ હતું.
વધુ વાત કરતા તેઓ જણાવે છે કે, જનરલ સ્ટોરનુ કામકાજ મારા પત્ની કરશે અને હું કટલરીનો નવો ધંધો કરીશ જેનાથી અમારી આવક વધશે અને આત્મનિર્ભર બનીશું એમ તેમણે જણાવ્યું હતું.
એકલા હાથે અને એક જ હાથે મક્કમ મનોબળથી જિંદગીની દોડમાં સફળતાપૂર્વક આગળ ધપી રહેલા ચંપકભાઈ રાઠવાને જોઈને કહેવાનું મન થાય છે કે હોસલા બુલંદ હે તો જીવન મેં ઉમંગ હૈ બાકી સબ બેરંગ હૈ.