Vadodara
ડેસર ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું
- વડોદરા માટે મેડિસીટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, મધ્ય ગુજરાતના લોકોને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ મળશે: ઋષિકેશભાઈ પટેલ
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ડેસરની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેર જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સ્વતંત્રતા ની લડાઈમાં માં ભારતીની મુક્તિ માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી. દેશ માટે કંઇક કરી છૂટવાની મક્કમ ભાવના સાથે ભારતને સર્વોત્તમ અને વિશ્વની મહાસત્તા બનાવવા માટે યથોચિત યોગદાન આપવાનું આહવાન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનો રોડમેપ તૈયાર છે. આજે દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે, ત્યારે દરરોજ નાના નાના સંકલ્પ લઈને તેને પૂર્ણ કરીને રાષ્ટ્રભક્તિ વ્યકત કરવાની નવી રીતો અપનાવવા હિમાયત કરી હતી. નિર્ધાર કરી તેના અમલીકરણ થકી રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાની હાકલ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
તેમણે પ્રધાનમંત્રીના અનુરોધને ઉમળકાથી વધાવી લઈને ‘મારી માટી, મારો દેશ‘ અને ‘હર ઘર તિરંગા ૨.૦‘ અભિયાન અંતર્ગત હાથમાં માટી લઈને પંચ પ્રણ લેનાર તેમજ ઘેર ઘેર તિરંગો લહેરાવનારા સૌને અભિનંદન આપ્યા હતા.
મંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભારતીયોને દિન-પ્રતિદિન ગૌરવ અપાવવા માટે સંકલ્પબદ્ધ છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાત રાષ્ટ્ર વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે. આજે વિકાસની હરણફાળ ભરતું ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર હોવાનું તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. આરોગ્ય, પ્રવાસન, કૃષિ, ઉદ્યોગ, પર્યાવરણ, મહિલા અને બાળ વિકાસ, સુરક્ષા, શિક્ષણ, રોડ-રસ્તા, આવાસ, ઊર્જા સહિતના વિવિધ ક્ષેત્રે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પરિણામલક્ષી માર્ગદર્શનમાં ગુજરાતે કરેલા અપ્રતિમ વિકાસની મંત્રીએ આછેરી ઝલક આપી હતી.
અમદાવાદ સિવિલ મેડિસીટીના મોડેલ પર જ વડોદરાની એસ. એસ. જી. હોસ્પિટલમાં મેડિસીટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમ કહી પટેલે મધ્ય ગુજરાતના લોકોને હવે ઉચ્ચ કક્ષાની આરોગ્ય સંભાળ અને જરૂરિયાતો માટે અમદાવાદ ન આવવું પડે તેવું આરોગ્ય વિભાગે સુચારુ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે અનસુયા લેપ્રસી કેમ્પસ ખાતે હ્રદય રોગની સારવાર માટે કાર્ડિયોલોજી ઈન્સ્ટીટ્યૂટ તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, રૂ. ૨૦૦ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામનારી ૬૦૦ પથારીની નવીન મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ સહિત એસ. એસ. જી. હોસ્પિટલમાં પ્રગતિ હેઠળના પ્રકલ્પોને વર્ણવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા વડોદરા મેડીકલ કોલેજની એમ.બી.બી.એસ.ના અભ્યાસ બાબતે ૧૮૦ વિદ્યાર્થીઓની ક્ષમતા વધારીને ૨૫૦ વિદ્યાર્થીઓની કરવા નિર્ણય થયો હોવાનું પણ મંત્રીએ હર્ષભેર જણાવ્યું હતું.
પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે તેવા નિર્ધાર સાથે કામ કરતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળતી રૂ. 5 લાખની વીમા સહાયને વધારીને રૂ. 10 લાખ કરીને વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન પૂર્ણ કર્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં આયુષ્યમાન કાર્ડધારક લાભાર્થીઓની સંખ્યા આજે 1.77 કરોડ થઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતીની જાળવણી માટે પોલીસ કર્મયોગીઓને હૃદયથી બિરદાવ્યા હતા. અને સલામત ગુજરાત, શાંત ગુજરાત હવે ગુજરાતની ઓળખ બની ગઈ હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં જળ સંચય માટે અમૃત સરોવરોનું નિર્માણ તેમજ ઘેર ઘેર ૧૦૦ ટકા નળ જોડાણ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.
ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનું કલ્યાણ છે. ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર ગુજરાતમાં સૌથી વધારે મૂડીરોકાણ થઈ રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ, અનુસૂચિત જાતિ કલ્યાણ, કૌશલ્ય અને રોજગારી, ખેડૂત કલ્યાણ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિકાસ આયોજનોની વિગતવાર જાણકારી આપી હતી.
- તેમણે વડોદરાને રાજ્યના સાંસ્કૃતિક પાટનગર તરીકે સંબોધી સંસ્કારી નગરીના અમૂલ્ય સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનો સગર્વ ઉલ્લેખ કર્યો હતો.
- તેમણે ઉત્તમ કામગીરી માટે વિવિધ સરકારી વિભાગોના કર્મયોગીઓને પ્રમાણપત્ર પ્રદાન કરીને સન્માન્યા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરનાર વિદ્યાર્થી કલા જૂથો સાથે મંત્રી સહિતના મહાનુભાવોએ ફોટો પડાવ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સૌ મહાનુભાવોએ કોલેજ પ્રાંગણમાં છોડવા રોપ્યા હતા.
- આ પ્રસંગે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી કલા જૂથોએ ઊર્જાસભર કરતબો અને દેશભક્તિ પ્રેરક સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી વાતાવરણને દેશપ્રેમની ભાવનાથી ભરી દીધું હતું.
- પરેડના નિરીક્ષણમાં જિલ્લા કલેકટર અતુલ ગોર અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદ જોડાયા હતા.
- સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, પદાધિકારીઓ, તાલુકા પંચાયત સદસ્યો, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મયોગીઓ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.