Uncategorized
વડોદરાના આરોગ્યકર્મીએ ૩૦ હજાર જેટલા મૃતદેહો પર કર્યું શલ્યકામ
(વડોદરા, તા.૦૨)
વિરાટ કોહલીએ ક્રિકેટમાં હજારો રનના ઢગલા ખડક્યા છે. સરખામણી થોડી વિચિત્ર ભલે લાગે. પરંતુ સયાજી હોસ્પિટલમાં ૨૩ કરતા વધુ વર્ષોથી, જેને અઘરામાં અઘરી અને કઠણ કાળજાની જરૂર પડે એવી શબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે એવા જગદીશભાઈ વૈષ્ણવે ૩૦ હજારથી વધુ મૃતદેહોને, તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટ મોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અને અનોખી સેવા કરી છે.
સહુને સહુથી વધુ ડર મોતનો લાગે છે. પરંતુ જગદીશભાઈ એ શબઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરતા રહીને સિદ્ધ સંત કે મહાત્મા જેવી, મૃત્યુંના ડર ને પરાજય આપવાની સિદ્ધિ મેળવી છે. જો કે, રાતદિવસ મૃતદેહો સાથે પનારો પડવા છતાં એમની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ નથી.
જ્યારે એકવાર બે વર્ષની બાળકીના શબ પર શલ્યકામ કરવાનું થયું ત્યારે, એમને પોતાના માસૂમ બાળકો યાદ આવી ગયા અને એમના હાથ ધ્રુજી ઉઠ્યા હતા. તેમણે રડતી આંખે અને ભારે હૃદયે એ કામ કર્યું હતું.
પોસ્ટ મોર્ટમનું કામ ભલે કોઈને ના ગમે પણ એની અગત્યતા ઘણી છે. ઘણી કુદરતી મરણ જેવી લાગતી ઘટનાઓમાં પોસ્ટ મોર્ટમથી કરપીણ હત્યાઓનું પગેરું નીકળે છે. અકસ્માત મરણના કિસ્સામાં વીમા અને અદાલતી કાર્યવાહીમાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટની ખૂબ જરૂર પડે છે. ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુના શોધન વિજ્ઞાનના વિકાસમાં તે ઉપયોગી બને છે અને હત્યા કરનારા ગુનેગારોની વિશિષ્ઠ કાર્ય પદ્ધતિનો ખુલાસો પોસ્ટ મોર્ટમ કરે છે.
પરંતુ આ એવી નોકરી છે કે ભાગ્યેજ કોઈ પસંદ કરે અને જગદીશભાઈનું નસીબ તો જુવો, એમને નોકરીની શરૂઆત સયાજી હોસ્પિટલમાં સ્વિપર તરીકે કરી અને હથેળીની રેખાઓએ કુશળ શલ્યકર્મી બનાવી દીધા ! જો કે, એમણે વિધાતાએ રોજગારી રૂપે આપેલું આ કામ પૂરી કર્મનિષ્ઠાથી કર્યું અને નિવૃત્તિ પછી પણ તેમની સેવાઓ લેવામાં આવી રહી છે.
વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીમાં સયાજી હોસ્પિટલના આ વિભાગમાં ૪૪ હજારથી વધુ પોસ્ટ મોર્ટમ થયાં છે અને મોતના ડરને અભેરાઈએ ચઢાવીને આ કામ કરનારા જગદીશભાઈ અને તેમના સાથીદારો અને આ વિભાગના તબીબોની સેવાઓ સલામને પાત્ર તો છે. જગદીશભાઈ આટલેથી અટક્યા નથી, એમણે લગભગ ૩૫ લોકોને તાલીમ આપીને આ લોક નજરે અણગમતા પરંતુ ખૂબ અગત્યના કામ માટે તૈયાર કર્યા છે.
સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગમાં એક મહિલા તબીબે વર્ષો સુધી મરણોત્તર તપાસનું કામ કર્યું. તેઓ કહેતા કે અહીં આવતા પ્રત્યેક મૃતદેહને કશુંક કહેવું હોય છે. એમને વાચા આપવાનું આ પુણ્ય કાર્ય છે. જગદીશભાઈ એ આ કામ કર્યું. શરૂઆતમાં પરિવારજનોને આ કામ પસંદ નહિ જ આવ્યું હોય. પરંતુ ધીમે ધીમે બધાએ તેમના કામને સ્વીકારી લીધુ. પહેલા દિવસે અને ખાસ કરીને રાત્રે એકલા કામ કરવાનું આવ્યું ત્યારે ભારે બીક લાગી. પરંતુ પછી તો સહજ આદત પડી ગઈ. એક રીતે એમણે તેમના આ કર્મયોગને લીધે મોતના ડર પર વિજય મેળવ્યો છે.
કોરોના કાળમાં લોકો કોરોનાના જીવતા રોગીને અડકવા તૈયાર ન હતા. ત્યારે તેમણે રોગીઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે જરૂરી શલ્યકામ કરીને તૈયાર કરવાનું, સાચા અર્થમાં વીરતાનું કામ કર્યું. તે સમયે એમના પરિવારના લોકો ખૂબ ડરી ગયા હતા કે, એમના આ કામને લીધે કોરોનાનો ચેપ ઘરમાં પેસી જશે. પરંતુ દયાળુ ઈશ્વરે આ કર્મયોગી લાજ રાખી. તેઓ જાતે અને પરિવારના લોકો કોરોનાથી મુક્ત રહ્યા, એને એ ભગવાનની કૃપા ગણે છે.
તેમના સાથી તબીબો તેમની શલ્યકામની કુશળતા જોઈને તબીબી ભણતર અને ડિગ્રી વગરના તબીબ તરીકે તેમને બિરદાવતા. મૂળ બોડેલીના જગદીશભાઇ હાલમાં શહેર નજીક ઊંડેરામાં પરિવાર સાથે વસી ગયા છે. પત્ની, બે દીકરીઓ અને દીકરાના પરિવારે શરૂઆતમાં તેમને આ નોકરી છોડી દેવા ખૂબ આગ્રહ કર્યો હતો. પરંતુ પછીથી નસીબમાં લખેલી આ સેવાને સ્વીકારી લીધી હતી. જગદીશભાઈને આજે તેમના કામનો કોઈ વસવસો નથી બલ્કે સેવા કર્યાનું ગૌરવ છે.