Gujarat
ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી; નદીઓમાં ઉછાળો અને રસ્તાઓ ડૂબી, હાઈ એલર્ટ જારી

ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે સતત બીજા દિવસે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક રસ્તાઓ અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજ્યની નદીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેને જોતા 37 ડેમને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં સોમવાર સવારથી 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર તેની કુલ સંગ્રહ ક્ષમતાના 58 ટકા પર પહોંચી ગયું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રસ્તાઓ અને બજારો ડૂબી ગયા હતા, જેના કારણે શહેરી વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બની હતી. ગ્રામીણ વિસ્તારોમાં, નદીઓ અને ડેમોમાં પાણીના સ્તરમાં વધારો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ભારે વરસાદને કારણે કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. SEOC મુજબ, સાબરકાંઠા જિલ્લામાં તલોદ (138 મીમી) અને ઇડર (134 મીમી), મહીસાગર જિલ્લામાં લુણાવાડા (127 મીમી) અને મહીસાગર (127 મીમી), અરવલ્લી જિલ્લામાં ધનસુરા (104 મીમી) અને મહેસાણામાં વિસનગર (100 મીમી) જિલ્લામાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પહેલા રવિવારે પાટણ, રાજકોટ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારના ડેટા અનુસાર, ગુજરાતના 206 ડેમમાંથી 26 ભરાઈ ગયા છે, જ્યારે 40 ડેમમાં પાણીની સપાટી તેમની કુલ પાણીની ક્ષમતાના 70 થી 100 ટકા સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, 30 ડેમોમાં પાણીની સપાટી તેમની કુલ ક્ષમતાના 50 થી 70 ટકા સુધી પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા 37 ડેમને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે 13 ડેમને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.