Gujarat
ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનારા પ્રથમ મનોદિવ્યાંગ વિદ્યાર્થિની તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરતી હેત્વી ખીમસુરિયા

આજે વાત કરવી છે માતા પિતાના હકારાત્મક અભિગમની…!!! જેને કારણે જન્મથી જ મનોદિવ્યાંગ દીકરીએ પોતાની આગવી સૂઝબૂઝ અને કળાથી માતા પિતાનું નામ રોશન કર્યું છે. અંગ્રેજીમાં જેને આપણે “પોઝિટિવ એટીટ્યુડ” કહીએ છીએ. જિંદગીમાં આ હકારાત્મક અભિગમથી કેવી રીતે કોઈનું જીવન બદલી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આ મનોદિવ્યાંગ દીકરીના માતાપિતાએ સમાજને પૂરું પાડ્યું છે. આ દીકરીના માતાપિતાએ દીકરીના જીવનને સહજતાથી સ્વીકારી હતાશા કે નિરાશા વગર દીકરી જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં સ્વીકારી કઈ રીતે આગળ વધે તેનો માત્ર ને માત્ર વિચાર કર્યો અને એનું પરિણામ આજે સૌની સમક્ષ છે.
હવે વાત એમ છે કે મૂળ ભાવનગરના અને હાલ વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ ખીમસરિયાના પરિવારમાં ૧૨ વર્ષ પૂર્વે દીકરી હેતવીનું અવતરણ થયું. હેતવી જન્મજાત સેરેબ્રલ પાલ્સી નામના રોગથી પીડાતી હતી. શરૂઆતમાં સાત વર્ષ સુધી હેતવી પથારીમાં જ રહી. આ રોગથી પીડાતા દરદી બોલી કે ચાલી શકતા નથી, એવું ડોક્ટરોનું કહેવું છે. હેતવીના માતા પિતા અગાઉ અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. દીકરીની સારવાર માટે વર્ષ ૨૦૧૮ માં બદલી કરાવીને વડોદરામાં આવ્યા હતા. તે દરમ્યાન દીકરીના લાલન પાલન માટે માતા લીલાબેન નોકરીમાંથી રાજીનામું આપ્યું અને પોતાનું સંપૂર્ણ ધ્યાન દીકરીના સર્વાંગી વિકાસ તરફ કેન્દ્રિત કર્યું.
કુદરતે આપેલા પડકારને માતા પિતાએ ઝીલી લીધો અને સંકલ્પ કર્યો કે ભલે દીકરી મનો દિવ્યાંગ છે. પરંતુ તેને પ્રતિભાશાળી બનાવીશું. અને હા, હેતવીના માતા પિતાનો સંકલ્પ આજે સાચા અર્થમાં સાકાર થયો છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધો. ૭ માં અભ્યાસ કરતી મનોદિવ્યાંગ હેત્વી કાંતિભાઈ ખીમસુરિયાએ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનારા પ્રથમ મનો દિવ્યાંગ વિદ્યાર્થિની તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. હેત્વી પોતાની ક્રાફટ, ચિત્ર અને પઝલથી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
મનો દિવ્યાંગ હેતવીએ ગુજરાત બુક ઓફ રેકર્ડમાં ૨૫૦ જેટલા ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને ૪૦ જેટલી પઝલ દ્વારા પોતાનું નામ અંકિત કર્યું છે.
હેતવીએ આર્ટ ગલેરીમાં ભાગ લઈ ૨૦ જેટલા મેડલ અને ૧૭ ટ્રોફી અને ૫૫ જેટલા પ્રમાણપત્રો મેળવ્યા છે. તે હેતવી પોતાની યુટ્યુબ ચેનલ હેતવી ખીમસુરિયા ચલાવી મનોદિવ્યાંગ બાળકો માટે કામ કરી રહી છે.
હેતવીના માતાપિતાએ કહે છે કે તેને પ્રથમ તો ફ્રી હેન્ડ પેઇન્ટિંગ તરફ વાળી એટલુ જ નહિ તેને પેન પકડવાનું શીખવાડી પઝલ, ક્રાફટ અને ચિત્ર દોરવાનું શીખવાડ્યું.
જેને પરિણામે આજે તેની આંતરિક શક્તિ વધી છે. અંગ્રેજીમાં ૧ થી ૧૦૦૦, એ.બી.સી.ડી ઉપરાંત ફળ ફૂલ અને પ્રાણીઓના નામ પણ બોલવાનો મહાવરો પણ કેળવાયો છે. હવે તેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવા માટેની માતા પિતા તૈયારી કરાવી રહ્યા છે.
હેતવીના પિતા કાંતિભાઈ મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યા છે.તેઓને પણ રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષક રત્નના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
રાજયના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે હેત્વિને ગુજરાત બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર, મેડલ, ટ્રોફી, રેકોર્ડ કીટ એનાયત કરવામાં આવી હતી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓએ પણ સમિતિનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
જન્મ જાત મનો દિવ્યાંગ દીકરીના માતાપિતાએ હિંમત હાર્યા વગર પોતાની દીકરીને પ્રતિભાશાળી બનાવવા સાથે તેને સતત હૂફ અને સધિયારો આપી અન્ય દિવ્યાંગ બાળકોના વાલીઓ માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો બીજી તરફ હેતવી પણ માતા પિતાનું નામ રોશન કરી
મનો દિવ્યાંગ બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.સો સો સલામ છે હેતવીના માતા પિતાને