Editorial

” અરે બેટી ! જો ને આ લોકો જેમની સેવા કરી રહ્યા છે એ બધા કોઈ પણ ઓળખીતા તો નથી, છતાં કેવી સેવા કરી રહ્યા છે !

Published

on

– વિજય વડનાથાણી.

અંબાજીના પુત્રનો સેવા કેમ્પ

Advertisement

” અરે વાહ મામા ! કેટલું સુંદર દ્રશ્ય છે ! જુઓ ને આ લોકો પદયાત્રીઓની કેવી નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે ? ”
મામાએ વહાલથી કહ્યું,” હા હા બેટા નિસ્વાર્થ ભાવે મને તો જાણે માણસાઈ ઉજવાઈ રહી હોય એવું લાગે છે.”

અંબાજી પગપાળા યાત્રાળુઓ અને સેવા કેમ્પ માણવા મામાના ઘરે આવેલી દસ વર્ષની ભાણી સંસ્કૃતિને સહજ જિજ્ઞાસા જાગી,” માણસાઈ ઉજવાઈ રહી છે એટલે…?”

Advertisement

” અરે બેટી ! જો ને આ લોકો જેમની સેવા કરી રહ્યા છે એ બધા કોઈ પણ ઓળખીતા તો નથી, છતાં કેવી સેવા કરી રહ્યા છે ! માણસાઈ જોઈ ને જ ને ! બીજું કંઈ સગપણ ખરું ?” મામા ભાણીને વિગતવાર સમજ આપતા બોલ્યા.
” આવી માણસાઈ આખું જીવન બસ આમ જ ટકી રહે તો કેવું સારું નઈ મામા ?” નાની કુમળી સંસ્કૃતિ મહાન શબ્દો બોલી ગઈ.

મામાને પણ મનમાં વર્ષો પહેલાં બનેલ એક ઘટના આળસ મરડીને જાણે બેઠી થઈ ! તેમના બાજુના ગામમાં જ એક માનવતાનો દાખલો હજુ પણ તાદૃશ છે એ યાદ આવી ગયો. તેમણે ભાણીને વહાલથી માથે હાથ ફેરવી અને કહ્યું,” સંસ્કૃતિ બેટા આવો જ એક માણસાઈ અને માનવતાનો દાખલો ચાલ હું તને બતાવું છું. ચાલ બેસી જા બાઇક પાછળ !” મામા એને બાઈક ઉપર બેસાડી ત્યાંથી ચાર કિલોમીટર આગળ બીજા એક સેવા કેમ્પ આગળ લઈ ગયા. સેવા કેમ્પનું નામ લખેલું હતું,” અંબાજીના પુત્રનો સેવા કેમ્પ” પણ એ કેમ્પની અંદર જે સેવા કરતા હતા એ મુસ્લિમ પહેરવેશ પહેરેલા દેખાતા હતા. સંસ્કૃતિને તાજુબ થયું તેને તરત જ બાઈક ઉપર બેઠા બેઠા જ મામાની સમક્ષ એક પ્રશ્ન ધરી દીધો કે,” હે મામા ! આ સેવા કેમ્પનું નામ પણ ‘અંબાજીના પુત્રનો કેમ્પ ‘ એવું અજીબ છે અને એનાથી પણ અજીબની વાત એ છે કે સેવા કરનાર લોકો મોટાભાગના મુસલમાન છે. આવો કેમ્પ તો મેં પહેલી વાર જોયો !”

Advertisement

મામા મલકાતા હોય એ રીતે બાઈકને સ્ટેન્ડ કરતાં બોલ્યા,”એ જ બતાવવા તો તને અહી લઈ આવ્યો છું. ચાલ પહેલા આ સેવા કેમ્પનો લાભ લઇ નાસ્તો કરી લઈએ.” મામા સંસ્કૃતિને નાસ્તાની ડીશ સાથે લઈ અને બાજુમાં ખુલ્લી જગ્યા હતી ત્યાં ખુરશી ઉપર જઈને બેઠા. નાસ્તો પત્યો નથી ત્યાં તો સંસ્કૃતિએ એનો એ જ સવાલ ફરીથી કરી દીધો,”મામા તમે આ કેમ્પ વિશે જણાવો ને ! હવે મારાથી રહેવાતું નથી !”
“કહું છું… કહું છું બેટા” હકારમાં માથું હલાવી મામાએ વાત શરૂ કરી.

” જો સાંભળ બેટા સંસ્કૃતિ ! આજથી 20 વર્ષ પહેલાંની આ વાત છે.” સંસ્કૃતિ તો હાથના ટેકે પોતાનો નિર્દોષ ચહેરો ગોઠવી તલ્લીન થઈ ગઈ.મામાએ આગળ ચલાવ્યું.

Advertisement

“અંબાજીથી 20 કિલોમીટર દૂર એક ગામ છે. એ ગામમાં આબિદ ખાન જાગીરદાર નામે એક મુસલમાન સમાજના આગેવાન રહેતા હતા. પોતે ધન સંપત્તિની બાબતમાં સુખી હતા. તેમના જોડે 100 વીઘા જેટલી જમીન હતી. પશુપાલન અને સાથે સાથે અંબાજી ખાતે એમની પાંચ દુકાનો હતી. ત્યાં વાહન રીપેરીંગની ગેરેજો પણ ચાલતી હતી એટલે આબિદખાન સારા એવા ધન સંપતવાળા કહેવાતા હતા. ખુદાની ખુદાઈ મહેરબાન હતી.તેઓ આટલા ધનવાન હોવા છતાં પણ પરોપકારી, મહેનતુ તેમજ હંમેશા પરગજુ અને વિનમ્ર સ્વભાવના હતા. કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓ તેને બેશક મદદ કરતા. આટલી મોટી જાગીરદાર ધરાવતા હોવા છતાં પણ ખુદાએ એમના ઘરમાં એક શેર માટેની ખોટ રાખી હતી. આ વાત એમને કાયમ ડંખતી હતી અને તેથી તેઓ મનોમન ઘણીવાર વ્યથિત રહેતા હતા. સમય પોતાના સ્વભાવ પ્રમાણે વીતતો ગયો.હવે તો આબિદખાનની ઉંમર 45 પાર કરી ગઈ એટલે તેમને પણ ખુદાની મરજી માની પુત્ર પ્રાપ્તિની આશા મૂકી દીધી હતી. એકવાર એવું બન્યું કે તેમને પોતાની ગેરેજ માટે કંઈક કામ અર્થે અંબાજી જવાનું થયું. તેઓ જ્યારે અંબાજી ગયા ત્યારે જ ભાદરવી પૂનમ પણ ચાલતી હતી એટલે લોકોના મહેરામણથી આખું અંબાજી ઉભરાતું હતું.તેઓ જતા હતા ત્યા જ અંબાજીમાં પ્રવેશતા જ એક સેવા કેમ્પ આવેલો હતો જે એમના એક હિંદુ મિત્રનો હતો. એ મિત્ર આબિદ ખાનને જોઈ જતા બૂમ પાડી તેમને બોલાવ્યા. પોતે અહીંયા કેમ્પ સેવા કેમ્પ બનાવ્યો છે અને લોકોની સેવા કરે છે એ બાબતે થોડી માહિતી આપી અને આબિદ ખાનને ચા નાસ્તો કરાવ્યો.

એટલામાં જ આબિદખાને જોયું કે એમની બાજુમાં જ એક પોલીસ સાહેબ ત્રણ વર્ષના છોકરાને લઈ અને જાણે કંઈક શોધી રહ્યા હતા. એ બાળક જોર જોરથી રડી રહ્યું હતું. તેનો ચહેરો લાલગુમ થઈ ગયો હતો. આંખો પણ રડી રડીને બેહાલ હતી.આબિદખાનથી ન રહેવાતા તેમને એ પોલીસ સાહેબને બોલાવ્યા અને પૂછ્યું,”કેમ સાહેબ શું થયું ? આ બાળક કેમ રડે છે ?” પોલીસ સાહેબ બોલ્યા,” ભાઈ આ બાળક બે કલાકથી એકલું પડી ગયું છે અને રડે છે. મને લાગે છે આ એના મા-બાપથી વિખૂટું પડી ગયું છે. મેં ઘણો બધો પ્રયાસ કરી જોયો. જાહેરાત પોઈન્ટ ઉપર જઈને જાહેરાત પણ કરાવી છતાં, હજુ સુધી એને લેવાવાળું કોઈ આવ્યું નથી અને આ બાળક છે તે બસ રડયા જ કરે છે. મારે શું કરવું એ કશું સમજ પડતી નથી.” આબિદખાન નિઃસંતાન હતા એટલે એમને શરૂઆતથી જ બાળકો પર ખૂબ પ્રેમ હતો. એમને તરત જ ઊભા થઈ એ બાળકને પોતાની કાખમાં લઈ લીધો અને બાજુની દુકાનમાંથી જ બે ચોકલેટ લઈ આપી. એક હવા ભરેલો ફુગ્ગો પણ લઈ આપ્યો અને ગમે તેમ કરી એને શાંત પાડ્યો. બાળકતો શાંત થઈ ગયો હતો પરંતુ હજુ સુધી તેની આંખો ચકળવકળ નજરે ચારે બાજુ ફરી રહી હતી. કદાચ એ પોતાના મા બાપની ભાળમાં જ નજર દોડાવી રહ્યું હશે ! એની નજરોમાં રહેલો ભાવ આબિદખાન જોઈ શકતા હતા એટલે એમની આંખો પણ નમ થઈ ગઈ હતી. તેઓએ પોલીસ સાહેબને લઈ અને વળી પાછા જાહેરાત પોઇન્ટ હતો ત્યાં આવ્યા. ફરીથી આ બાળક વિશેની જાહેરાત કરાવી કે એના માબાપ આ બાળકને લઈ જાય. બે કલાક થયા.કોઈ સમાચાર ના આવતા આબિદખાન ફરી ત્યાં જઈ અને જાહેરાત કરાવી. ફરી કલાક વીતી ગયો. હજુ સુધી કોઈ સમાચાર ન મળ્યા. ત્રીજી વાર પણ એમને જાહેરાત કરાવી. છેવટે કોઈ જ પ્રત્યુતર ના મળ્યો. બાળક પણ હવે તો પોતાનો વિયોગ ભુલી ધીરે ધીરે શાંત પડી જઈ પેલા ફુગ્ગા સાથે ખેલવા લાગ્યું હતું. ચાર પાંચ કલાકના સમય ગાળામાં જ આબિદખાનને તો જાણે આ બાળક સાથે માયા બંધાઈ ગઈ. અંતર જાણે એના માટે ધબકવા લાગ્યું હતું. પેલા પોલીસ સાહેબ પણ હવે નિરાશ થઈ ગયા હતા. આબિદ ખાનને કઈ રસ્તો સૂઝતો નહોતો.તેમને તરત જ પૂછ્યું કે,”સાહેબ આટલો સમય વીતવા આવ્યો છતાં પણ આ બાળકનું કોઈ લેવાલ નથી તો હવે આનું શું કરું? સાહેબ આમેય આ ભીડથી કંટાળી ગયા હતા અને એક બાજુ આ બાળકનો ત્રાસ ગળે પડ્યો હતો એટલે તરત જ તેમને ફેંસલો સુણાવતા હોય એ રીતે કહી દીધું,” જુઓ જાગીરદાર ! આટલો સમય થવા આવ્યો છતાં પણ આ બાળકનું કોઈ રણી ધણી દેખાતું નથી એટલે એક કામ કરો, તમારું ગામ આમેય નજીકમાં જ છે. એટલે આ બાળકને તમારા ઘરે લઈ જાવ અને જ્યારે પણ આ બાળકના માતા પિતા વિશેની કોઈપણ જાણકારી મેળશે તો હું તમને જણાવીશ એટલે તમે બાળકને લઈને આવી જજો.” આબિદખાન જાગીરદારને તો આ નિર્ણય જાણે ભાવતું હતું અને વૈદે કીધું એવો થઈ ગયો. તેમણે તો કોઈ જ આનાકાની કયૉ વિના તરત જ એ બાળકને પોતાના હૈયા સરસો ચોંપી દીધો. જાણે પોતાનું બાળક હોય એમ ! ભલે પારકું સંતાન હતું છતાં પણ જાણે પોતાનો સગો પુત્ર હોય એવી રીતે પિતૃત્વ એમના અંગે અંગમાં જાણે ઉભરાઈ રહ્યું હતું ! માં અંબાજી અને અલ્લાનો શુક્રિયા કરી તેઓ ઘરે આવ્યા. ઘરે આવતા જ તેમના બેગમ પણ શોહરની વાત સાંભળી આ પુત્રને જોઈ ખુબ ખુશ થઈ ગયા. પહેરવેશ અને એના હાથે બાંધેલ દોરા ધાગા ઉપરથી લાગતું હતું કે તે કોઈ હિન્દુ પુત્ર હતો. છતાં પણ માતૃત્વ અને પિતૃત્વને ક્યાં કોઈ ધર્મના સિમાડા નડે છે ? એ તો જ્યારે અંતરમાંથી પ્રેમ ઉભરાય ત્યારે ગમે તેના ઉપર વર્ષે જ પડે છે ! આ બાળક ઉપર પણ આબિદ ખાન અને એમની બેગમનો પ્રેમ અત્યારથી જ વરસવા લાગ્યો હતો. પેલો બાળક પણ બધું જ ભૂલી જઈ અને જાણે આબિદખાન માટે જ આવ્યો હોય એ રીતે ખુશખુશાલ રહેવા લાગ્યો. ધીરે ધીરે કરતાં સમયે વીત્યો .મહિનો થયો, બે મહિના થયા, છ મહિના થયા. ખાને પેલા પોલીસ સાહેબ જોડે સંપર્ક સાધી આ બાળક વિશે, એના મા-બાપ વિશે પૂછી જોયું પણ કંઈ પણ સમાચાર મળ્યા નહીં. પોલીસ સાહેબે જ કહી દીધું કે,”હવે એ પુત્ર તમારો છે એને તમે જ રાખો. કાલે આવી કેટલીક કાયદાકીય કાર્યવાહી કરી એને દત્તક લઈ લો.બસ પછી તો પૂછું જ શું ? આબિદખાન એ બાળક પ્રત્યે ઉભરાતી લાગણીઓ અને અપ્રતિમ વ્હાલ સાથે એનું જતન કરવામાં લાગી ગયા. ખુદાએ બાળક આપી તેમના ઉપર રહેમ કરી હતી એટલે આબિદખાનને આ બાળકનું નામ જ “રહેમત” રાખી દીધું હતું છતાં પણ ગામમાં તો લોકો એને અંબાજીના મેળામાંથી મળેલો, અંબાજીના મેળામાંથી મળેલો, એવું જ કહે રાખતા. એટલે ધીરે ધીરે કરતા એનું નામ જ “અંબાજી” પડી ગયું. જોકે આબિદખાને પણ એ નામ મંજૂર રાખી દીધું. અંબાજી તો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. હવે આબિદખાન અને બેગમનું જીવન ખુશહાલ ભર્યું બની ગયું હતું. સુંદર જાહોજલાલી વાળુ જીવન ચાલતું હતું. અંબાજી ભણવા જતો હતો. ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. અંબાજીએ બારમું પાસ કર્યું ત્યારે એને સારા માર્કસ અને ટકા મેળવ્યા એટલે આબિદખાન ખૂબ ખુશ થઈ ગયા અને તેને કંઈક માગવા કહ્યું. અંબાજી અબ્બાજાનના પગમાં પડી અને એક જ વાત કરી હતી કે,” અબ્બાજાન આપ જો રજા આપો તો મારી એક ઈચ્છા છે.”

Advertisement

” અરે બોલ બેટા એમાં કંઈ પૂછવાનું ના હોય ? તું તો મારા ઘરનો ચિરાગ છો.” ખાન લાગણી સાથે બોલ્યા.

અંબાજીએ થોડુંક અચકાતા અને સંકોચ સાથે કહ્યું,” અબ્બા મારી ઈચ્છા છે કે આપણી આટલી બધી જાગીર અને સંપત્તિ છે તો એમાંથી કેટલોક ભાગ અંબાજી ભાદરવી પૂનમના મેળા વખતે જે લોકો પદયાત્રાળુ જાય છે એમની સેવા માટે વાપરીએ તો ? હું ઈચ્છું છું કે આપણે એક સેવા કેમ્પ ફક્ત પાંચ દિવસ પૂરતો રાખીએ. એ સેવા કેમ્પમાં ચા-પાણી અને નાસ્તો જ આપવા ઇચ્છું છું.” જો તમે રાજી હોય અને મંજૂરી આપતા હોય તો હું ઇનામમાં આટલું કરવા માગું છું. પિતાજી આજુબાજુ જોઈ અને મૂછોમાં ને મૂછોમાં મલકવા લાગ્યા.તેમને અંબાજીના ખભે બંને હાથ મૂકી અને ગર્વ સાથે કહ્યું,” અરે વાહ ! તું તો સેવાભાવી નીકળ્યો બેટા. મને ખૂબ આનંદ થયો તારા આ વિચારથી ! ચાલ આ વર્ષે જ આપણે મેળાની શરૂઆત થાય ત્યારે આપણો સેવા કેમ્પ રાખી દેઈએ.” અંબાજીને આબિદખાન તરફથી ભરપૂર પ્રેમ મળ્યો હતો પણ તે અંબાજીના મેળામાંથી મળ્યો હતો એટલે પોતે પણ અંબાજી માંનો પુત્ર છે એવું માની અને સેવા કેમ્પનું નામ પણ “અંબાજીના પુત્રનો સેવા કેમ્પ “એવું રાખ્યું હતું. ત્યારથી લઇ અને આજ સુધી બસ આ સેવા કેમ્પ આમ જ ચાલે છે. આયોજન બધું અંબાજી કરે છે પણ સાથ સહકાર અંબાજીના એટલે કે રહેમતના ફળિયાના લોકો પણ આપે છે. બીજા લોકો પણ જેમ સમય મળે એમ આ સેવા કેમ્પમાં સેવા આપવા માટે આવે છે. અત્યારે અંબાજી ઉર્ફે રહેમત અમદાવાદની એક મોટી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર છે અને ખૂબ સારો પગાર ધરાવે છે. આખું વર્ષ વ્યસ્ત રહે છે છતાં પણ ભાદરવા મહિનાની અગિયારસથી પૂનમ સુધીના દિવસે પોતાના ગામમાં આવીને આ સેવા કેમ્પનું આયોજન કરે છે અને લોકોની તેમજ યાત્રાળુઓની તહેદિલથી સેવા કરે છે. આ કેમ્પનો બીજો ફાયદો એ પણ થયો છે કે મુસલમાન સમાજ દ્વારા થતા આ સેવા કેમ્પનના બદલામાં હિન્દુ લોકો પણ જ્યારે રમજાન હોય કે મહોરમ હોય ત્યારે પોતાના સ્વખર્ચે મુસ્લિમ બિરાદરોને સેવા કરવાનું ભૂલતા નથી. એક નાની શરૂઆતે આજે આખા ગામને કોમી એકતાના દર્શન કરાવ્યા એનું તાદૃશ ઉદાહરણ આ એક સેવા કેમ્પ છે.” મામા શબ્દે શબ્દ વિગતે વર્ણવી રહ્યા હતા. સામે ધ્યાનમગ્ન બઠેલી દસ વર્ષની સંસ્કૃતિ સાંભળી રહી હતી અને એકીટશે સામે પેલા સેવા કેમ્પમાં સેવા કરતા સ્વયંસેવકોને નિહાળી રહી હતી.

Advertisement

Trending

Exit mobile version