Surat
હે.. ભગવાન.. મહિધરપુરામાં મંદિરમાંથી મૂગટ, છત્તર અને દાનપેટીની ચોરી
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરત શહેરમાં શાકભાજીની ચોરીની ઘટના બાદ હવે મંદિરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે. મહિધરપુરા કુંભાર શેરીમાં મંદિરમાં ચોરીની ઘટના બનતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.સુરતના મહિધરપુરા હીરા બજાર પાસે આવેલી કુંભાર શેરીના નાકે વર્ષો જુનું શ્રી સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર આવેલું છે.આ મંદિરમાં વહેલી સવારે ચોરીની ઘટના બની હતી. તસ્કરો મંદિરનો દરવાજો તોડીને મૂગટ, છત્તર અને દાન પેટીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે દર્શન કરવા આવતા લોકોને મંદિરમાં ચોરી થયાની જાણ થતા સ્થાનિકો પણ એકઠા થઇ ગયા હતા.
સ્થાનિકોએ મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ પોલીસને પણ કરી હતી.સ્થાનિક રહેવાસી રાજુભાઈએ જણાવ્યું હતું કે અમે મંદિરમાં સવારે દર્શન કરવા આવ્યા ત્યારે 7 થી 7.30ની વચ્ચે દરવાજો તૂટેલો હતો. અને મંદિરમાં તપાસ કરતા દાનપેટી, તેમજ ચાંદીના મૂગટની ચોરી થઇ છે. અમે પોલીસ પાસે આશા રાખીએ છીએ કે તસ્કરોને પકડીને મંદિરમાંથી ચોરી થયેલી વસ્તુઓ પરત મળે.તેજસભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે વહેલી સવારે 7થી 8ની વચ્ચે મંદિરમાં ચોરી થઇ છે. મંદિરનું બારણું તોડીને મંદિરમાંથી ભગવાનના મૂગટ, છતર અને દાન પેટી સહીતની ચોરી થઇ છે. મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ થતા અમે ઘટના સ્થળે આવ્યા હતા અમે બનાવની જાણ પોલીસને પણ કરી છે. આ મહિધરપુરા હીરાબજાર જતો રોડ છે. અહી મોટી સંખ્યામાં વેપારીઓ અને લોકો સંકટ મોચન હનુમાન દાદાને શીશ ઝુકાવીને અહીથી પસાર થાય છે. ત્યારે વહેલી સવારે મંદિરમાં ચોરી થઈ છે.