Chhota Udepur
સ્થાનિક વિસ્તારમાં બેકારી ના ખપ્પર માં હોમાતુ યુવાધન
પ્રતિનિધિ, કાજર બારીયા
*છોટાઉદેપુર પંથકમાં બેરોજગારી નો વિકટ પ્રશ્ન
રોજીરોટી મેળવવા માટે લોકો અન્ય જિલ્લાઓ માં હિજરત*
છોટાઉદેપુર એ ૯૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જ્યારે અતિ પછાત જિલ્લો છે જ્યારે શિક્ષણ ક્ષેત્રે પણ પાછળ છે. જ્યારે છોટાઉદેપુર પંથકમાં ડોલોમાઈટ પાઉડર બનાવવાનો ઉદ્યોગ અને ખેતી સિવાય અન્ય કોઈ રોજગારી મેળવવાનું માધ્યમ નથી. જેના પરિણામ સ્વરૂપે જિલ્લામાં રોજગારી એ જટિલ પ્રશ્ન બન્યો છે. ઘરનું ગુજરાન ચલાવવા મજૂરી અર્થે આદિવાસીઓ એ પર રાજ્ય અને મોટા શહેરોમાં હિજરત કરવી આવશ્યક બની જાય છે. હાલ એસ ટી ડેપો અને ખાનગી લકઝરીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસી પ્રજાને હિજરત કરવાનો વારો આવ્યો છે.
હાલમાં છેલ્લા ૨ મહિના આદિવાસી પંથકમાં લગ્નની સિઝન ફૂલ બહારમાં ચાલી પરંતુ હવે પૂર્ણ થવાને આરે છે. જ્યારે લગ્નો પૂર્ણ થતાં હવે ફરી માથે ટોપલે ટોપલા ઉંચકીને પર પ્રાંત અને પર રાજ્યોમાં મજૂરી કરવા જઇ રહ્યા છે. આકરા તાપમાં પરિવાર જનો મજૂરી અર્થે ટોપલે ટોપલા માથે મૂકી મજૂરી અર્થે જતા હોય જે દ્રશ્ય જોઈ ભારે દયનિય લાગે છે. પરંતુ પેટિયું રળવા કરે પણ શું રોજગારીનું કોઈ માધ્યમ ન હોય જેના કારણે ભારે હાલ બેહાલ છે. છોટાઉદેપુર જિલ્લો વડોદરાથી અલગ થયે વર્ષો વીતી ગયા છતાં હજુ જી.આઈ.ડી.સી ની સ્થાપના થઇ નથી. હાલ મંજુર થઈ પરંતુ હજુ પ્રજા ખાત મુહૂર્તની રાહ જોઈ રહી છે. એ ક્યારે થશે તેનું કોઈ નક્કી સમય જણાતો નથી. જેથી રોજગારી મેળવવી હોય તો સેંકડો કિલોમીટર દૂર પરિવાર માતાપિતા ને એકલા મૂકી યુવાનો હિજરત કરી રહ્યા છે. જ્યારે સ્થાનિક કક્ષાએ મજૂરી કરવી અને રોજગારી મેળવવી તેમાં કઈ પોષાય તેમ નથી. જ્યારે ગરીબી ના ભરડાંમાં પિસાતો આદિવાસી વિદ્યાર્થી મજૂરી કરવા ઉપર મજબુર બને છે અને શિક્ષણથી વંચિત રહે છે.
છોટાઉદેપુર પંથકમાં રોજગારીનો પ્રશ્ન વર્ષોથી પ્રજાને સતાવી રહ્યો છે. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારની અબોધ પ્રજા માત્ર ચોમાસુ ખેતી ઉપર નિર્ભર રહે છે. રોજગારીના અન્ય માધ્યમ ન હોય ઘણા વિસ્તારોમાં સિંચાઈનું પાણી ન આવતા અને પથરાળ કોરી જમીનને કારણે ચોમાસુ ખેતી કરી પરત પર પ્રાંત અને પર રાજ્યમાં જવું પડતું હોય છે. કારણકે માત્ર ચોમાસુ ખેતીથી તો ઘરનું ભરણ પોષણ થાય નહિ. સરકારની વિવિધ યોજનાઓમાં ખેતી અર્થે ની સુવિધા, નર્મદા કેનાલનું પાણી જો પાણીથી વંચિત વિસ્તારોને મળે તો સમૃદ્ધ થઈ શકે તેમ છે. જ્યારે ઘણી સરકારી યોજના નો લાભ આદિવાસી યુવાનોને મળે સ્થાનિક કક્ષાએ રોજગારી પુરી પડી રહે તો સારું અન્ય જગ્યાએ જવું પડે નહીં અને ઘર આંગણે પોતાના પરિવારનું ભરણ પોષણ થઈ શકે.પરંતુ હાલ બેરોજગારીના ખપ્પરમાં છોટાઉદેપુર જિલ્લાનો યુવાન ધકેલાતો જાય છે. આદિવાસીઓ પાસે જમીન છે પણ પાણી નથી જ્યારે જ્યાં પાણી છે. ત્યાં જમીનનો અભાવ પડવા માંડ્યો છે તેવો ઘાટ છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઝડપથી રોજગારીના માધ્યમો સ્થપાય તે અંગે રાજકીય નેતાઓ અને આગેવાનો પ્રયત્નો કરે તેવી માંગ પ્રજામાં ઉઠી છે.
બોક્સ (1)
રાજ્ય તથા પર રાજ્યમાં મોટા મોટા શહેરોમાં કન્સ્ટ્રકશન ના કામોમાં તથા ખેતીના કામોમાં મજૂરી કરવા જતો છોટાઉદેપુર જિલ્લાનો યુવાન યુવતીઓ પોતાનું ઘર પરિવાર છોડીને પેટિયું રળવા બહાર જતા હોય છે. જ્યારે ઘણીવાર લોકો મજબૂરીનો પણ લાભ ઉઠાવતા હોય છે. અને મહેનતાણું આપવામાં તથા વળતર આપવામાં પણ અનીતિ થતી હોય તેવી ફરિયાદો પણ ઘણા આદિવાસી મજૂરો કરી રહ્યા છે. પરંતુ કરે તો કરે શુ. જો જય નહિ તો કમાય શુ જેથી પર રાજ્ય અને પર પ્રાંતમાં મજૂરી કરવું પણ આકરું બન્યું છે.
બોક્સ (2)
છોટાઉદેપુર જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ ભારે પછાત છે. જેમાં છોટાઉદેપુર, કવાંટ તથા નસવાડી તાલુકામાં અતિ પછાત વિસ્તારો છે. જેમાં અંતરિયાળ વિસ્તારોમાં વસતા આદિવાસી સમુદાય માં બાળકો અભ્યાસ કરે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલના નેટવર્ક આવતા નથી. હાલના તબક્કે દુનિયા માં ઓનલાઈન શિક્ષણ અતિ મહત્વનું બન્યું છે. જ્યારે ઘણા વિસ્તારોમાં ટાવર ન આવતા ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી શકતા નથી. જ્યારે રોજગારીના અને ગરીબી ના ભરડાંમાં પિસાતો આદિવાસી વિદ્યાર્થી મજૂરી કરવા ઉપર મજબુર બને છે અને શિક્ષણથી વંચિત રહે છે.