International
ગ્રીસમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક અથડામણ, 26 લોકોના મોત; 85 ઘાયલ

ગ્રીસમાં મંગળવારે રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 85 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. ઘાયલોમાં 25 લોકોની હાલત અત્યંત ગંભીર છે.
ટક્કર બાદ ટ્રેનમાં આગ લાગી
થેસાલી પ્રદેશના ગવર્નરે અકસ્માત અંગે વધુ વિગતો આપી છે. તેઓએ કહ્યું કે એક પેસેન્જર ટ્રેન ઉત્તરી એથેન્સથી થેસ્સાલોનિકી જઈ રહી હતી. તે જ સમયે, એક માલગાડી થેસ્સાલોનિકીથી લારિસા શહેર તરફ આવી રહી હતી. બે ટ્રોન્સ લારિસા નજીક સામસામે અથડાયા હતા. ગવર્નરે કહ્યું, “ટક્કર બાદ પેસેન્જર ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટક્કર બાદ ટ્રેનમાં પણ આગ લાગી હતી. ચાર ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા.”
250 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા
સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે ટ્રેનમાં લગભગ 350 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે જ સમયે, દુર્ઘટના બાદ લગભગ 250 મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એક મુસાફરે જણાવ્યું કે તે પોતાની સૂટકેસ વડે ટ્રેનની બારી તોડીને ભાગવામાં સફળ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત બાદ અરાજકતાનો માહોલ હતો અને લોકો બૂમો પાડી રહ્યા હતા. એક મુસાફરે જણાવ્યું કે તે ભૂકંપ જેવું હતું.
અકસ્માત બાદ તસ્વીરોમાં પાટા પરથી ઉતરી ગયેલા કોચ, તૂટેલી બારીઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બચાવ કાર્યકર્તાઓ વાહનોમાં મશાલો લઈને ફસાયેલા મુસાફરોની શોધ કરતા જોવા મળ્યા હતા. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે મુશ્કેલ સંજોગોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.