Gujarat
પંચમહાલ જિલ્લામાં વાહક જન્ય રોગના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરાઈ

૬ હજારથી વધારે સર્વેલન્સ ટીમોએ ૨.૯૨ લાખથી વધારે ઘરોની મુલાકાત લીધી, ૧૬ લાખથી વધારે વસ્તીને આવરી લીધી
વર્ષ-૨૦૩૦ સુધીમાં ગુજરાતને મેલેરિયા મુક્ત બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે, ત્યારે આ અભિયાન અંતર્ગત પંચમહાલમાં વાહક જન્ય રોગ નિયંત્રણ માટે ઝૂંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી.
તા.૨૦/૦૫/૨૦૨૪ થી તા. ૩૦/૦૫/૨૦૨૪ સુધી ચાલેલી આ ઝૂંબેશમાં ૬૦૨૯ ટીમ મારફતે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૨,૯૨,૭૪૩ ઘરોની મુલાકાત લઈને ૧૬.૨૭ લાખથી વધારે વસ્તીને સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવી હતી.
જિલ્લાના તાલુકાવાર વાત કરીએ તો, મોરવા (હ) તાલુકામાં કુલ ૩૦,૮૪૯ ઘરોમાં ૧,૮૭,૧૦૮ ની વસ્તી ને સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આવી જ રીતે શહેરા તાલુકામાં કુલ ૪૬,૮૬૩ ઘરોમાં ૨,૬૦,૩૧૭ લોકો; ગોધરા તાલુકામાં કુલ ૮૯,૧૧૧ ઘરોમાં ૪,૭૯,૩૩૩ લોકો; ઘોઘંબા તાલુકામાં ૩૮,૬૯૪ ઘરોમાં ૨,૨૬,૧૩૧ લોકો; કાલોલ તાલુકામાં કુલ ૪૧,૭૩૫ ઘરોમાં ૨,૧૮,૭૬૦ લોકો; હાલોલ તાલુકામાં કુલ ૩૬,૯૧૧ ઘરોમાં ૨,૧૪,૪૭૯ લોકો; જાંબુઘોડા તાલુકામાં કુલ ૮૫૮૦ ઘરોમાંથી ૪૧,૩૦૩ લોકો સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આ સર્વેલન્સની કામગીરી દરમિયાન જિલ્લામાંથી કુલ ૮૦૮૦ તાવના કેસો મળી આવ્યા હતા, જેના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ છે. તથા સમગ્ર જિલ્લામાં ૨,૯૨,૭૪૩ ઘરો પૈકી ૪૫૨પ ઘરોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. તદુપરાંત ૧૦,૮૯,૧૧૬ મચ્છર ઉત્પત્તિ સ્થાનોને તપાસવામાં આવ્યા હતા, જે પૈકી ૪૯૩૦ પાત્રોમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યા હતા, જ્યાં ટેમિફોસ દવા મારફતે પોરનાશક કામગીરી કરવામાં આવી છે. ૧૨,૩૬૧ મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું જિલ્લા મેલેરિયા અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.