Editorial
” હું તો બસ આ પતિથી તો કંટાળી ગઈ છું. આખો દિવસ બસ બૂમ બરાડા પાડવા અને પપ્પાની વસીયત..વસીયત….ની જ વાત…!
* પોઝિટિવ રિપોર્ટ *
” હું તો બસ આ પતિથી તો કંટાળી ગઈ છું. આખો દિવસ બસ બૂમ બરાડા પાડવા અને પપ્પાની વસીયત..વસીયત….ની જ વાત…! કોઈ વાતની જાણે શાંતિ જ ના હોય ! હું તો હવે આમનાથી ત્રાસી ગઈ છું…હે ભગવાન ! ”
આરતી પોતાનો બળાપો ઠાલવતી બોલી. રસોડામાં જાણે વઘારની સાથે તેના અશાંત મનનો પણ તડકો ચારેય બાજુ ઉડ્યો ! આરતીનો પતિ નિરવ નાની નાની વાતોમાં કચ કચ અને ઝઘડાળું સ્વભાવનો હતો. પોતે એક કંપનીમાં પ્રમાણસરના પગાર પર નોકરી કરતો હતો. માં તો ઘણા સમય પહેલાં જ સ્વર્ગે સિધાવી ગઇ હતી. એક મોટી બહેન હતી એ પણ પરણી સાસરે હતી.એના પિતાજી ફતેહસિંહ નિવૃત ફૌજી હતાં. નિવૃત થયા એ વખતે સરકાર તરફથી આર્થિક સહાય પેટે કેટલીક જમીન મળી હતી અને પિતાજી કેટલીક જમીન વારસામાં આપતા ગયા હતા. અત્યારે ફતેહસિંહ પાસે પચાસેક વિઘા જમીન, એક ગાડી અને આલીશાન બંગલો હતો. નિરવ ધંધાની બાબતમાં સાવ કામચોર હતો એટલે કોઈ પણ જગ્યાએ તે નોકરીમાં બે કે ત્રણ મહિના માંડ માંડ ટકતો. તેના આવા વલણથી કંટાળી ફતેહસિંહજીએ એને અલગ મૂક્યો હતો. પિતાજી પાસે આટલી મિલકત હોવા છતાં પોતાને આવી નાની નાની નોકરી કરવી પડે છે એ વિચારે તેનું લોહી ઉકળી ઉઠતું અને એનો બધો ગુસ્સો પોતાની પત્ની પર ઉતારતો હતો. હવે તો તે દારૂના રવાડે પણ ચડી ગયો હતો. નાની નાની વાતોમાં ઝઘડાં કરવા, પિતાની વારસાઇ વિષે પણ અપશબ્દો બોલવા એનો જાણે સ્વભાવ બની ગયો હતો. ટૂંકા પગારને કારણે તે ઘર ચલાવવામાં અગવડ અનુભવતો હતો પણ એના પિતાજી તરફથી વારંવાર મદદ મળી રહેતી. ફતેહસિંહ પણ એ વખતે તેને ટોકતાં, ‘ નિરવ તું તો સાવ બેજવાબદાર અને કામચોર નિકળ્યો. આપણી જમીન છે, એ પણ જો પુરા ખંતથી સંભાળે ને તો તારે આવી મામૂલી નોકરી કરવી જ ના પડે ! તારી આ અનિતિથી કંટાળી મેં મારી સઘળી મિલકત તારી મોટી બહેનના નામે કરવાનો વિચાર કર્યો છે.”
પિતાજીના મુખે ત્રણ ચાર વખત આ વાત સાંભળતાં હવે તો પોતાને પણ ખાતરી થઈ ચૂકી હતી કે પિતાજી બધી મિલકત જરૂર મોટી બહેનના નામે કરી જ દેવાના ! બસ ત્યારથી તો તે જાણે તાંબા જેવો તપેલો જ રહેતો. કોઈ સહેજ કંઈક કહે તો ઝેરી નાગની જેમ છંછેડાઈ જાય ! ફતેહસિંહ નિરવ બાબતે સતત મનમાંને મનમાં ડંખાયા કરતાં હતાં. હવે તો તેઓ સાજાં માંદા જેવા રહેતા હતા પરંતુ ફૌજી સ્વભાવ અને કસાયેલ કાયાના કારણે બિમારીને પણ ફાવવા નહોતાં દેતાં.
એવામાં જાણે કુદરત પણ નિરવ પર રૂઠયો હોય એમ એ પણ બિમાર પડ્યો. ફતેહસિંહ તો બિમાર થતાં પણ હરતાં ફરતાં રહેતાં જ્યારે નિરવ તો બિમાર પડ્યો તે સીધો ખાટલા પર ! આવું મહિનામાં બે ત્રણ વખત થયું. ઘરે કોઈને કહ્યું નહોતું પણ ફતેહસિંહ આ વિષે દવાખાને જઈ માહિતી લઈ આવ્યા હતાં એટલે તેઓ નિશ્ચિત હતાં.
એકવાર તે આવી જ રીતે બિમાર પડ્યો એટલે તેણે ડોક્ટરને બિમારી વિષે જાણવા વિનંતી કરી. ડોક્ટરે તેની વાત રાખી બધા જ રિપોર્ટ કરી જોયાં અને બે દિવસ પછી તારણ આપ્યું કે, ” નિરવ ! તને તો બહુ ગંભીર બિમારી છે, બ્લડ કેન્સર ! એ પણ છેલ્લા તબક્કામાં ! તારી પાસે હવે ફક્ત આઠેક મહિના જ જીવવાનાં બચ્યા છે ! આની બીજી કોઈ દવા કે ઉપચાર પણ નથી. બસ હવે તો જેટલું જીવે એ આનંદથી અને શાંતિથી જીવી લે ભાઈ ! ” ડોક્ટરના એક એક શબ્દે જાણે તેનું જીવન પરિવર્તન કરી રહ્યા હતા. તેને હડધુતાઈથી પોતાના જીવેલા જીવન પર પારાવાર અફસોસ થવા લાગ્યો. તેને મનમાં થયું કે,” મેં આખી જિંદગી મારા પિતાજી, પત્નીને હેરાનપરેશાન જ કયૉ છે.તેમને દુઃખો જ આપ્યા છે પણ હવે જીંદગીના બચેલા આઠ મહિના મારે પરિવાર માટે જીવવું છે. જતાં જતાં તેમને અપાય એટલી ખુશી આપવી છે.”
બસ એ દિવસે ડોક્ટરે આપેલા બ્લડ કેન્સરના પોઝિટિવ રિપોર્ટે તો જાણે નિરવની જીંદગી જ બદલી નાખી ! પોતે બંધુ છોડી પિતાજીની ઇચ્છા પ્રમાણે ખેતીમાં લાગી ગયો. પિતાજી અને પત્ની સાથે તે આનંદ અને વિનમ્રતાથી રહેવા લાગ્યો હતો. તેના આવા નખશિખ પરિવર્તનને જોઈ પત્ની પણ અચંબિત હતી. આજુબાજુના લોકો પણ નિરવને જોઈ માથું ખંજવાળતા હતાં. કોઈ પુછે તો નિરવ કહેતો, ” મને સાચા જીવન વિશે હવે સમજાઈ ગયું છે. ભગવાને એકવાર જીવન આપ્યું છે તો શું કામ લડાઈ ઝઘડાં કે ખારા-ખેદ કરવા ? બધાથી હળીમળીને ભાઈચારાથી કેમ ના રહીએ !” સાંભળનાર પણ ખૂશ થતાં. એ બધાને ક્યાં ખબર હતી કે પોતે આડકતરી રીતે પોતાની જ હાલત રજૂ કરે છે !
ધીમે ધીમે સમય પાણી વહે એમ વહેતો ગયો. સમયના વહેણની સાથે નિરવ નું જીવન પણ જાણે સરતું જતું હતું. હવે તો તે બિલકુલ નિરોગી અને તંદુરસ્ત હતો. ન કોઈ બિમારી કે અશક્તિ ! છતાં પણ મનમાં ઊંડે ઊંડે પેલી બિમારીની બીકે તેનુ શરીર જેમ ઉધઈ ખાય એમ ખવાતું જતું હતું.બીજી બાજુ તેના પિતાજી પણ વધારેને વધારે બિમાર રહેવા લાગ્યા હતા. નિરવને તો પોતાની સાથે સાથે પિતાજીની પણ ચિંતા થયા કરતી હતી.સમયના વહેણમાં આઠ મહિના પણ હાથમાંથી રેતી સરકે એમ સરી ગયાં.
બરાબર આઠ મહિના વિત્યા એટલે ફરીવાર તે પેલાં ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને મળી પોતાના શેષ જીવન વિશે પૂછવા લાગ્યો. ડોક્ટર કશું જ બોલ્યાં નહીં. નિરુત્તર ડોક્ટર ને જોઈ નિરવને હવે પાક્કી ખાતરી થઈ ગઈ કે હવે તે માંડ એકાદ બે દિવસનો મહેમાન છે. તેના મનો મસ્તિષ્ક માં હથોડા જેવા કારમાં પ્રહારો થવા લાગ્યાં અને એ સાથે તે ડોક્ટરને બાથ ભરી ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુડે રડવા લાગ્યો. આંખો શ્રાવણ ભાદરવો થઈ, આંસુઓમાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં ! બરાબર એ જ વખતે તેના પિતા ફતેહસિંહ પણ આવી ગયા જેઓ ક્યારનાયે બારણાં પાછળ ઉભા રહી બધું સાંભળી રહ્યા હતા. પાછળથી આવી તેઓ નિરવને બાથ ભરી રડવા લાગ્યા. રડતાં રડતાં તેઓ બબડ્યાં, ” બેટા મેં તારી બધી વાતો સાંભળી લીધી છે. તું ચિંતા ના કર મારા જીવતેજીવ તને કંઈ જ નહીં થાય બેટા ! લે આ તારી અમાનત સંભાળ ! ” એમ કહેતા એક કાગળ હાથમાં ધરતાં તો ફતેહસિંહ રીતસરના ઢળી જ પડ્યાં ! ઘડીકમાં મડદાં જેવુ મડદું ! નિરવને કશું જ ના સમજાયું. તે પિતાની હાલત જોઈ વધું ગભરાયો, ડોક્ટરને કંઈક ઈલાજ કરવા તે આજીજી કરવા લાગ્યો. ડોક્ટર સાહેબે તેને બાથમાં લઇ અને આશ્વાસન આપી શાંત પાડતાં કહ્યું, ” નિરવ તું શાંત થા બેટા ! બ્લડ કેન્સરનો પોઝિટિવ રિપોર્ટે તારો નહોતો પણ તારા પિતાજીનો હતો.તને તો ફક્ત ખોરાકની કમીના કારણે તકલીફ થતી હતી બીજી કોઈ ગંભીર બિમારી તને નથી.” નિરવ તો વધું વિમાસણમાં મુકાયો તેને કશું સમજમાં નહોતું આવતું. તે અવાક્ બની ડોક્ટર સામે જ જોઈ રહ્યો. તેને ડોક્ટર સાહેબે ટેબલ પર બેસાડી ખુલાશો કરતાં કહ્યું કે, ” હા નિરવ બ્લડ કેન્સર તારા પિતાજીને હતું તને નહીં. આ પોઝિટિવ રિપોર્ટ પણ એમનો જ છે. આતો તારા પિતાજી તને સુધારવા અને જીવનની વાસ્તવિકતા સમજાવવા આમ કરવા મને જણાવ્યું હતું. મને માફ કરજે દિકરા ! ” એમ કહી થોડાક આગળ વધી ફતેહસિંહના હાથમાં રહીં ગયેલ પેલો કાગળ નિરવના હાથમાં મુક્યો. નિરવ એ કાગળ હાથમાં લઈને જોયું તો ખબર પડી કે એ વસીયતનામું હતું. પિતાજીએ તમામ મિલકત દિકરાના નામે કરી દીધી હતી. તેના અંતર મનમાંથી અવાજ આવ્યો, ” પિતાજી મને સુધારવાની આ તે કેવી રીત ? મને જીવનનું સાચું મુલ્ય સમજાવવા પોતે મોતને પણ મુઠ્ઠીમાં રાખી ફૌજીની માફક લડતા લડતા જીવ્યા ? કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ તમારો આવ્યો અને પોઝિટિવ મને કરતા ગયા…. ?
નિરવની આંખોમાંથી વહેતાં આંસુડે પેલો કાગળ ભીંજાઈ રહ્યો હતો….
:- વિજય વડનાથાણી….
મો. ૯૫૮૬૫૧૭૩૬૫