Gujarat
સુરત મનપાનો નવતર પ્રયોગ, વોર્ડ ઓફિસમાં જુના ફોટો અને ખંડિત થયેલી મૂર્તિઓ સ્વીકારવામાં આવશે
સુરતમાં મનપાની વોર્ડ ઓફિસમાં ભગવાનના જુના ક્ષતીગ્રસ્ત ફોટો અને ખંડિત થયેલી મૂર્તિઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. લોકોની લાગણી દુભાઈ નહીં તે મુજબ વિસર્જન પણ કરવામાં આવશે. સુરતની તમામ વોર્ડ ઓફિસમાં જુના ફોટો અને ખંડિત મૂર્તિ સ્વીકારવાનું શરૂ કરાયું છે.
દિવાળીના તહેવાર દરમિયાન લોકો ઘર અને ઓફિસની સાફ સફાઈ કરતા હોય છે, ત્યારે ભગવાનની ખંડિત મૂર્તિઓ તેમજ ક્ષતિગ્રસ્ત ફોટા ક્યાં મુકવા તે અંગે લોકોને ખ્યાલ હોતો નથી.ત્યારે મનપા દ્વારા હવે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ભગવાનની ખંડિત મૂર્તિઓ તેમજ ક્ષતિગ્રસ્ત ફોટા હવે મનપાની વોર્ડ ઓફિસમાં સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત લોકોની લાગણી ન દુભાઈ તે રીતે વિસર્જન પણ કરવામાં આવશેય. આ અંગે મનપાની વોર્ડ ઓફિસ બહાર બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે. વોર્ડ ઓફિસ પર સવારે 9 થી 11 અને બપોરે 2.30 થી 5.30 સુધી આવા ફોટો સ્વીકારવામાં આવશે.મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, દિવાળી આવતી હોય ત્યારે ઘર અને ઓફિસોમાં સાફ સફાઈ કરતા હોય છે.
ત્યારે ઘરમાં જુના ફોટો, ખંડિત થયેલી મૂર્તિ કે ફ્રેમ હોય તેને વડલો, ચાર રસ્તા જેવી અયોગ્ય જગ્યાએ મૂકી દેવાતી હોય છે, જેને લઈને હવે મનપા દ્વારા એક નિર્ણય કરાયો છે. જે મુજબ આ પ્રકારના જુના ફોટો કે ખંડિત થયેલી મૂર્તિઓ વોર્ડ ઓફિસમાં એકત્ર કરવામાં આવશે. જે ફ્રેમ હશે તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત મૂર્તિઓનું લોકોની ધાર્મિક લાગણી ન દુભાઈ તે રીતે વિસર્જન કરવામાં આવશે.
રીપોટૅર
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત