Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરાયું

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંગના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી ભગતના નેતૃત્વમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૩”ની થીમ ગાર્બેજ ફ્રી ઇન્ડિયા છે, જેમાં દેખીતી રીતે સ્વચ્છતા અને સફાઈ મિત્રોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે, સ્વચ્છતા હી સેવા નો હેતુ સ્વૈચ્છિકતા/શ્રમદાન છે. જેમાં છોટાઉદેપુર જીલ્લાના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જેવા કે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલય, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ તેમજ નાળા વગેરે જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા થાય તે મુજબની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
“સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોના અતિસંવેદનશીલ સ્થળો તેમજ જાહેર સાફ સફાઈ, પી.એચ.સી.સેન્ટર પર હેલ્થ ચેકઅપ, શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધા, જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો સ્વચ્છતાનું મહત્વ સમજાવી, પોતાની આસપાસ સ્વચ્છતા રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો. “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ ગ્રામજનો તેમજ બાળકોએ વિવિધ પ્રવૃતિઓમાં પોતાની સર્જનાત્મકતા દાખવી સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણના પ્રયત્નોને સફળ બનાવી રહ્યા છે.
સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ અભિયાન હેઠળ ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ પર સામુદાયિક નેતૃત્વ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેમાં ગામ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને તે માટે આ અભિયાનમાં લોકભાગીદારી માટે આહવાન કરવામાં આવ્યું છે.