Chhota Udepur
છોટાઉદેપુરમાં કેટલાક દિવસોથી ઉનાળાની અસર વર્તાવા લાગી
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો હોઇ અને બપોરના સમયે સૂર્ય નારાયણ તપવા લાગતા આકાશમાંથી આગ ઝરતી ગરમી વરસવા લાગતા લોકો ગરમીના પ્રકોપ થી બચવા માટે બપોરના સમયે બહાર નીકળવા નું ટાળી રહ્યા છે. અને ઘરમાં એસી, કુલર, પંખા જેવા વિજ ઉપકરણોના સહારો મેળવી રહ્યા હોઇ બપોરના સમયે બજારો અને રોડ- રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે.
રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળો આકરો તપવા લાગતા દિનપ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં જેતપુરપાવી, બોડેલી, કવાંટ, કદવાલ, ભીખાપુરા ગામ સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેથી બપોરના સમયે આકાશ માં આગ ઝરતી ગરમી વરસતા લોકો ગરમીથી બચવા અવનવા અખતરા અજમાવતા થયા છે. જેમાં મોટાભાગ ના લોકો ગરમી થી રાહત મેળવવા બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યા છે. જેના કારણે બજારો અને જાહેર રસ્તા પર જાણે કરફ્યુ લાગ્યો હોય તેવો સૂમસામ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ લોકો ગરમીના પ્રકોપ થી બચવા માટે વિજ ઉપકરણો, ઠંડા પીણા, ફ્રૂટનો સહારો લઇ રહ્યા છે. સાથે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ બજારમાં આવતા લોકોને ગરમીના સમયે ઠડું પાણી અને છાશ મળી રહે છે માટે ઠેર ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવી છે.