Panchmahal
ફરોડમાં ઈંટોના ભઠ્ઠા માલિકોએ ગામનો રસ્તો તોડી નાખ્યો ગ્રામજનો વિરોધ કરે તો દાદાગીરી

ફરોડ ગામે આવેલ ઈંટોના ભઠ્ઠામાં બેફામ પણે ચાલતી ગાડીઓને કારણે આરસીસી રસ્તો બે જ વર્ષમાં નામશેષ થઈ ગયો છે. રોડ ઉપર ઊંડા ઊંડા ખાડા અને કાદવ કીચડના કારણે રોજના અકસ્માતો સર્જાય છે તંત્રને મૌખિક રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ભઠ્ઠા માલિકને આ બાબતે કહેવામાં આવે તો તેઓ દાદાગીરી કરી ગ્રામજનોને જોઈ લેવાની ધમકી આપે છે.
ઘોઘંબા તાલુકામાં ઈંટોના ભઠ્ઠાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. સરકારી નીતિનિયમો ને નેવેમૂકી ફળદ્રુપ જમીનમાં જ્યાં ત્યાં ભઠ્ઠા ઉભા કરી દીધા છે જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ફરોડ થી પરોલી જવા માટે ખેતરાળુ રસ્તો આવેલો છે “રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના” હેઠળ લાખો રૂપિયા ખર્ચી આ રસ્તાને આરસીસી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ ઉપર આવેલા ઈંટોના ભઠ્ઠા ના કારણે બે જ વર્ષમાં આ રસ્તો તૂટી ગયો છે કોલસી તેમજ ઈંટો ભરીને અવર જવર કરતાં મોટા વાહનોના કારણે રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે. આરસીસી રોડનું નામો નિશાન રહ્યું નથી રોડ ઉપર કિચડનું સામ્રાજ્ય છે જેના કારણે આ રસ્તેથી પસાર થતા બાઈક ચાલકો રોજેરોજ અકસ્માતોનો ભોગ બને છે આજરોજ એક ઈંટો ભરેલુ ટ્રેક્ટર આ રસ્તા ઉપર ફસાઈ જતા અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો હતો. ફરોડના જાગૃત નાગરિક બાબુભાઈ દ્વારા આ બાબતે લાગતા વળગતા અધિકારીઓને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનો આ રસ્તા બાબતે ભઠ્ઠા માલિકને કહેતો માથાભારે ભઠ્ઠા માલિકો ગ્રામજનો સામે લુખ્ખી દાદાગીરી કરી જોઈ લેવાની ધમકી આપે છે જેથી એકલ દોકલ ગ્રામજનો ભઠ્ઠા માલિકોને કહેતા ડરે છે સરકારી તંત્ર પણ ગ્રામજનોની ફરિયાદ ધ્યાને લેતું નથી ત્યારે ગ્રામજનોની હાલત જાયે તો જાયે કહા જેવી થઈ જવા પામી છે