Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સાણંદમાં સોમવતી અમાસે “શ્રી અબજી બાપાશ્રીની વાતો” ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ…
સાંપ્રત સમયમાં ચાતુર્માસ ચાલે છે, તેમાં પણ અતિ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સર્વત્ર ભગવાનની ભક્તિ, ધ્યાન ભજન, ભગવાનની કથા વાર્તા ભજન આદિ વિશેષ થાય છે. સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખે સર્વજીવહિતાવહ એવી
આચારસંહિતા – શિક્ષાપત્રીના શ્લોક ૭૬ માં આજ્ઞા કરી છે કે, અમારા સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. આજે શ્રાવણ વદ અમાસ અને તે પણ સોમવારે હતી. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે પવિત્ર નદી કે પવિત્ર સંગમે સ્નાનનું ખૂબ જ મહત્વ રહેલું છે.સોમવતી અમાસ એ ભક્તો માટે ખૂબ જ મોટી અમાસ કહેવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર બંને એક સ્થાનમાં એક સાથે બેસે છે ત્યારે આવો સંયોગ બને છે. આ દિવસે જો સોમવાર હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. અમાસ તો દર મહિને આવે છે. પરંતુ સોમવારે અમાસ આવતી હોય તો તેનો મહિમા અલગ જ પ્રકારનો હોય છે. વળી, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશમાં વસતા સંતો અને હરિભકતો માટે આજનો દિવસ એટલે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ગુરુદેવ નીડર સિદ્ધાંતવાદી
શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા તથા જ્ઞાનાચાર્ય સદ્ગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની પરમ સ્મૃત્યર્થે પ્રારંભ કરેલ અવિસ્મરણીય શુભ દિન.મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સાણંદમાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શ્રી અબજી બાપાશ્રીની વાતો ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભકિતભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. “શ્રી અબજી બાપાશ્રીની વાતો ” ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા – શ્રાવણ માસની કથા, જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરા તેમજ મુકતોનાં અનેકવિધ દિવ્ય ચરિત્રો સહ તત્વજ્ઞાન છે. મૂર્તિ સુખની લ્હાણી એવી અબજી બાપાશ્રીની વાતોની કથાનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું.
આ પ્રસંગે સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ ગ્રંથનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, “શ્રી અબજી બાપાશ્રીની વાતો ” ગ્રંથની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાએ કરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી, સાર્વભૌમ નાદવંશીય પરંપરા તથા મુક્તોના અનેકવિધ લીલા ચરિત્રોથી યુક્ત કારણ સત્સંગ શાસ્ત્ર ગ્રંથ રત્નનું જે દર્શન, શ્રવણ, પૂજન – અર્ચન કરશે તે નિશ્ચે આત્યંતિક કલ્યાણને પામશે જ. શ્રીજીબાપા સ્વામીબાપાની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે.
“શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ મહંત સંત શિરોમણી શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામી, શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી મુનીશ્વરદાસજી સ્વામી, શ્રી અનાદિપુરુષદાસજી સ્વામી, શ્રી હરિકૃષ્ણવલ્લભદાસજી સ્વામી, શ્રી ત્યાગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગ્રંથ, કથાકાર વક્તાનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. ત્યારબાદ સૌએ ભકિતભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો.