Chhota Udepur
જિલ્લામાં ગુનાઓ નિવારવા જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા ફરજીયાત ગોઠવવા જાહેનામું બહાર પાડી હુકમ કર્યો

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર: તા. 22:
છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલ્કત સંબંધી ગુનાઓ જેવા કે વાહન ચોરી, ઘરફોડ ચોરી, લુંટ ધાડ જેવા ગુના બનતા હોય છે. જેથી જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા, તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડી બને છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ તેમને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લાની નીચે મુજબની જગ્યાએ સીસીટીવી ગોઠવવા જાહેનામું બહાર પાડી હુકમ કર્યો છે.
જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો, સરકારી તથા ખાનગી બેન્કો, એ.ટી.એમ, ખાનગી હોસ્પિટલો, આંગડિયા પેઢી, શોપિંગ કોમ્પ્લેક્ષ/થિયેટર્સ/કોમર્શિયલ સેન્ટર ઉપર સિકયુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી. તેમજ જગ્યાઓના પાર્કિંગ, ભોંયરૂં, તમામ માળ પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી. જેમાં ઇમેજ-કલર, ઇમેજ સેન્સર ૧/૩ મિનિમમ, સપોર્ટ TCP/IP And remote monitoring, resolution-600 TVL Minimum compression-H.264/MJPEG, System data storage-15 days minimum, with back light compensation and night vision capability વાળા સીસીટીવી કેમેરા ગોઠવવા.
૧૦ થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતા રેસ્ટોરન્ટ/ગેસ્ટ હાઉસ/લોજીંગ બોર્ડીંગ/ધર્મશાળા/અતિથિગૃહ /વિશ્રમગૃહ/પેટ્રોલપંપ/ બહુમાળી બિલ્ડીંગ/ પાવરહાઉસ વિગેરે સ્થળો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવા તથા ઉપર દર્શાવેલ જગ્યામાં પ્રવેશ થતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તથા ગાડીઓના નંબર પણ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સીસીટીવી કેમેરેાની ગોઠવણી કરવાની રહેશે. સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગની જાળવણી દિન-૩૦ સુધી સંગ્રહ કરવી. હોટલ/ધર્મશાળા/ ગેસ્ટહાઉસ વિગેરે જગ્યાએ મુસાફરોની જરૂરી આઇ.ડી, એડ્રેસ, મુલાકાતનું કારણ તથા ખાનગી વાહનના રજીસ્ટ્રેશન નંબરોની રજીસ્ટરમાં નોંધ કરી મુસાફરોને ઉતારો આપવો.
આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદપુરના હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારને તા. 21/12/2022 થી તા.20/01/2023 સુધી (બંને દિવસ સુધી) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ઇસમ ભારતના ફોજદારી અધિનિયમ -૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.