Chhota Udepur
પાની ગામે બાવળનું તૂટી ગયેલું મોટું ડાળ ઝાડ ઉપર ઝીલવાઈ રહ્યું છે :રાહદારીઓના માથે જોખમ
પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એકસપ્રેસ)
પાવીજેતપુર તાલુકાના કદવાલ થી પાવીજેતપુર જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલા પાની ગામે બિપરજોય વાવાઝોડા દરમિયાન બાવળનું એક મસ મોટું ડાળ તૂટીને બાવળની ઉપર ઝોલા ખાઈ રહ્યું છે. અધર લટકેલું ડાળ ક્યારે પડે અને કોના ઉપર પડે તે કહી શકાય નહીં આ રસ્તા ઉપર થી રોજના અસંખ્ય વાહનો જેવા કે બાઇક, કાર, પેસેન્જર ભરેલા છકડા સેંકડોની સંખ્યામાં પસાર થાય છે. જ્યારે આ જગ્યા આવે ત્યારે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઇ જાય છે અને ડર ના માર્યા આ રસ્તો પસાર કરે છે. આ અંગે રાહદારીઓ તેમજ ગ્રામજનોએ સ્થાનિક વનકર્મીઓને આ જોખમી ડાળ વિશે અને આ ડાળ પડવાથી કેવી હોનારત થશે તે બાબતે વિગતવાર સમજાવી આ ડાળ પાડવા માટે વિનંતી કરી હતી પરંતુ સ્થાનિક મહિલા વનકર્મી કૈલાસબેને આ બાબતે એવો જવાબ આપ્યો કે આ ડાળ પાડવુ અમારા માટે મુશ્કેલ છે ઉપર ચડીને કોઈ ડાળ પાડે તેઓ અમારી પાસે કોઈ માણસ નથી અકસ્માત થાય તો એમો અમે શું કરીએ એવો ઉડાવ જવાબ આપી પોતાની જવાબદારી માંથી છટકી ગયા હતા.
મહિલા કર્મચારીના આવા ઉડાવ અને બિન જવાબદારી પૂર્વકના જવાબથી લોકોને આઘાત જેવો લાગ્યો હતો. જ્યારે પાની વિસ્તારમાં ગેર કાયદેસર લાકડા વહન થાય છે. તેમજ અહીં મોટા પાયે મોટા મોટા પ્રતિબંધિત વૃક્ષો પણ આડેધડ કાપી ગોધરા સુધી લઈ જવામાં આવે છે. ત્યારે વનકર્મીઓને એક મજૂર નથી મળતો જે આ ડાળ કાપી શકે જો લાકડા ચોરો આખાને આખા વૃક્ષો કાપીને લઈ જતા હોય તો વન રક્ષકો એક ડાળ કાપી શકતા નથી ?
વન વિભાગના અધિકારીઓ વિવિધ પ્રોગ્રામો તેમજ વિશ્વવન દિવસની ઉજવણીઓ કરવા આ વિસ્તારમાં આવ્યા છે અને ડાળ નીચેથી પસાર થયા છે. છતાં પણ કોઈ ઉપલા અધિકારીઓએ આ વાતને ગંભીરતાથી લીધી નથી જો ચોમાસા દરમિયાન રોડની સાઈડમાં ઉગેલા વૃક્ષો જો પડી જાય તો ખાનગી વેપારીઓને સોંપી બારોબાર તે ઝાડને લાકડાના બેંચામાં રવાના કરી દેવામાં આવે છે. ઝાડમાં વન કર્મીઓ સારી એવી કમાણી કરતા હોય એટલે તેમને મોટા પડી ગયેલા કે નમી ગયેલા વૃક્ષો કાપવામાં રસ છે પરંતુ લોકો માટે જોખમી અને સાક્ષાત યમરાજ જેવી આ ડાળ તંત્રને કાપવામાં રસ જ નથી જો આ ડાળ પડવાથી કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ ? વારંવાર ની રજૂઆત છતાં સ્થાનિક વન કર્મી કે જવાબદારો આ મુદ્દે ભેદી મૌન ધારણ કરીને બેઠા છે. જો આ ડાળ થી કોઈ સ્થાનિકોનું મૃત્યુ થશે તો આ બાબતેની ફરિયાદ સ્થાનિક જવાબદાર અધિકારી સામે નોંધાવવાની ગ્રામજનોએ સર્વાનુમતે સંમતિ સાધી છે.