Vadodara
કમાટી બાગની પક્ષીશાળામાં હવે ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી થકી પક્ષીઓ વિશે જાણકારી મેળવી શકાશે

* પ્રાણી સંગ્રહાલયમાં ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી શો દેશભરમાં પ્રથમ વખત વડોદરા શહેરમાં ખુલ્લો મુકવામાં આવ્યો
વડોદરા શહેરના મધ્યમાં આવેલા કમાટી બાગમાં હવે મુલાકાતીઓને નવું નજરાણું જોવા મળશે. લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી એ કમાટી બાગ સ્થિત પક્ષીશાળામાં ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી શો શરૂ કરવામાં આવ્યો છે. થ્રીડી પ્રકારના આ રિયાલિટી શોથી મુલાકાતીઓ હવે જે તે પક્ષીઓ વિશે માહિતી મેળવી શકશે અને તેની સાથે સેલ્ફી, તસવીરો ખેંચાવી શકશે. આ નજરાણાથી કમાટી બાગની મુલાકાત આનંદ બમણો કરશે. પ્રાણી સંગ્રહાલયમાં આ પ્રકારનો ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી શો દેશભરમાં પ્રથમ વખત વડોદરા શહેરમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે.
વડોદરા મહાપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આવેલી આઇવરીમાં આ થ્રીડી ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી ટ્રિયમ ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે. તેનાથી મુલાકાતીઓ અને ખાસ કરીને બાળકો માટે આનંદ ઉપરાંત પક્ષીજગત વિશેની જ્ઞાન વૃદ્ધિ કરવામાં ઉદ્દીપક નીવડશે.
ચારેક મહિનાની મહેનત પછી અંકિત પટેલ, સંકેત કાલે અને તેમની ટીમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન મુલાકાતીઓને નવો અનુભવ આપવા માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ સાથે આ 3D AR પાર્કનું અનાવરણ કર્યુ હતું. સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયના ક્યુરેટર પ્રથુષ પાટણકર અને અન્ય અધિકારીઓએ તેમને પક્ષીઓની વાસ્તવિક 3D છબીઓ ડિઝાઇન કરવામાં મદદ કરી તે બખૂબી રીતે જોઇ શકાય છે. આ શોથી મુલાકાતીઓ જે તે પક્ષીના રહેઠાણ, ખોરાક ઉપરાંત વર્તન અને તેના અવાજો વિશે માહિતી વર્ચ્યુઅલ વિશ્વમાં જઇને મેળવી શકશે.
આ માટે મુલાકાતીઓ હવે VueXR એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના સ્માર્ટફોન દ્વારા વિવિધ પક્ષીઓની પ્રજાતિઓની વર્ચ્યુઅલ રજૂઆતો શોધીને અસાધારણ પ્રવાસ પર જઈ શકે છે. લુપ્ત થઈ ગયેલા પક્ષીઓથી લઈને દુર્લભ અને વિદેશી પ્રજાતિઓ સુધી, AR પાર્ક 3D મોડલ્સનું મનમોહક સંગ્રહ દર્શાવશે., જેમાં સ્પૂનબિલ, ગ્રેટ કોર્મોરન્ટ, વ્હાઇટ સ્ટોર્ક, બાર્નેકલ ગૂસ, રોઝેટ સ્પૂનબિલ, ટોકો ટુકન, પેટેરાનોડોન (ડાયનોસોર પક્ષી), કેસોવરી, મકાઉનો સમાવેશ થાય છે. મુલાકાતીઓએ ફક્ત એવિઅરીમાં નિયત સ્થળે મૂકવામાં આવેલા ક્યુઆર કોડ્સને સ્કેન કરવાના રહેશે. કોડ સ્કેન કર્યા પછી મુલાકાતી માહિતી મેળવી શકશે.
“3D AR પાર્કનું અનાવરણ એ આપણા પ્રાકૃતિક વારસાની સુંદરતા અને નવીનતાની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જે મુલાકાતીઓને પ્રકૃતિના અભિન્ન અંગ એવી પક્ષીઓની માહિતી આપવાની સાથે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રેરણા આપશે. તેમ સંકેત કાલે, સહ-સ્થાપક અને સીઇઓ અને ટ્રિયમ ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક અને સીઓઓ અંકિત પટેલે જણાવ્યું હતું.
ઝૂ ક્યુરેટર, ડૉ. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, અમે મુલાકાતીઓ માટે પ્રાણી સંગ્રહાલયની અંદર નવી વસ્તુઓનો સમાવેશ કરી રહ્યા છીએ અને આ 3D AR પાર્ક સૌથી નવો ઉમેરો છે. તે વાસ્તવિક અને વર્ચ્યુઅલ વિશ્વનું એક સુંદર સંયોજન છે જ્યાં મુલાકાતીઓ પક્ષીઓને અનુભવી શકે છે જે અહીં પ્રાણી સંગ્રહાલયમાં નથી અને લુપ્ત થઈ ગયા છે. વિગતો સાથેની 3D ઈમેજ મુલાકાતીઓને નવો અનુભવ આપે છે અને તેઓ વર્ચ્યુઅલ પક્ષીઓની માહિતી મેળવી શકશે.