Surat
બિહારના પહાડી વિસ્તારમાં પોલીસે ફેરિયા બની ચોર દંપત્તિને પકડી પાડયું
સુનિલ ગાંજાવાલા
બિહારના ભાગલપુરના પહાડી વિસ્તારમાં બે દિવસ ધામા નાંખી સ્થાનિક ફેરિયાનો વેશ ધારણ કરી ખટોદરા પોલીસની ટીમે ચોર દંપત્તિને પકડી પાડયું હતુ.વેસુ અને ખટોદરાના મકાનોમાં ઘરઘાટી તરીકે કામ કરી લાખોની ચોરીને અંજામ આપી દંપત્તિ નાસી છૂટયું હતુ. ચોરીની સૂત્રધાર સાસુ હજુ ફરાર છે.
મળતી વિગતો પ્રમાણે ખોટોદરા પોલીસ મથકની હદમાં આવેલા એક મકાનમાં રૂ.5.47 લાખની ચોરીની ઘટના બની હતી. જે અંગે ખટોદરા પોલીસમાં ગુનો નોંધાયો હતો. ઘરકામના બહાને ઘરમાં રેકી કરી ચોરી કરતું દંપત્તિ વતન બિહાર ભાગી ગયું હોવાના ઇનપુટ મળતા પીઆઇ આર.કે.ધુળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટીમ બિહારના ભાગલપુર જિલ્લામાં મોકલી અપાઇ હતી.
ટેકનિકલ સર્વેલન્સના આધારે અરોપીઓ કહલગાવ શિવકુમારી પહાડી વિસ્તારમાં હોવાના લોકેશન મળ્યા હતા. આરોપીઓ પહાડ પર રહેતા હોય અને ભનક આવી જાય તો પહાડના પાછળના ભાગેથી ભાગી જવાની પણ શક્યતા હતી. બે દિવસ પોલીસે અહીં ધામા નાંખ્યા હતા. દરમિયાન આરોપીઓને પકડવા પોલીસે માથે ગમછો અને લૂંગી પહેરી ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો અને બાદમાં રેકી કરી ઘર લોકેટ કરી ફેરિયાના વેશમાં પોલીસ કર્મીઓએ આરોપીના ઘરમાં ઘૂસી ઓપરેશન પાર પાડયું હતુ.
ખટોદરા પોલીસે ૨૩ વર્ષીય સુનિલ રામજી શાહુ અને તેની 20 વર્ષીય પત્ની પુજા (બંને રહે- શિવકુમારી પહાડ, કહલગાવ, ભાગલપુરા, બિહાર)ની ધરપકડ કરી હતી. ખટોદરાના 5.47 લાખ સાથે વેસુમાં પણ થયેલી રૂા.9.20 લાખની ચોરીનો ભેદ ઉકેલાય ગયો હતો. ઘરોમાં નોકર તરીકે કામ કરી ઘરના સભ્યોનો વિશ્વાસ કેળવી લાખોનો હાથફેરો કરવામાં દંપત્તિ માહેર છે. સાસુ સુંદરીદેવી રામજી શાહુ મુખ્ય સૂત્રધાર હોય તેને વોન્ટેડ જાહેર કરાઇ હતી.