Uncategorized
આદિવાસી વિસ્તારોમાં હજી પણ પાયંન્ટ જોતરી ને મહળવામા આવે છે ધાન્ય પેદાશો
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૧૭
છોટાઉદેપુર જિલ્લામાં તેમજ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં ધાન્ય પાકો ની લણણી બાદ જ્યારે ડાંગર, બંટી, રાળો, શામેલ, ભેદી,કોદરા,બાજરા ને કટી માંથી તથા જુવાર ને કહળા માંથી દાણા છુટા પાડવા માટે ની જૂની-પુરાણી પધ્ધતિ આજે પણ લોકો અપનાવી રહ્યા છે.
અહીં છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી સમાજ નાં વાલસિંગભાઈ રાઠવા જણાવે છે કે આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યારે સરળતાથી અને ઝડપથી અનાજ ને પીલવવા માટે ના વિવિધ પ્રકારના થ્રેશરો ઉપલબ્ધ હોવા છતાં જૂની પુરાણી બળદો જોતરી ને પાયંન્ત( ખળાં માં બળદો જોતરી ને ફેરવવા) ની જૂની પુરાણી પધ્ધતિથી અનાજ મસળતા હોય છે.
પહેલાં નાં સમયમાં જ્યારે પાયંન્ત દ્વારા અનાજ મસળવા નું હોય એટલે ફળીયામાં એક ખળું હોય ત્યાં આખા ફળીયા નાં લોકો ખળા ની ફરતે ડાંગર,ભેદી, બંટી,રાળો શામેલ,અડદ તથા જુવાર તેમજ અન્ય પ્રકારના ધાન્ય પાકો ની લણણી બાદ ઉડવીઓ કરી દેવામાં આવતી, જ્યારે જેનો વારો આવે ત્યારે સામુહિક રીતે એકત્ર થઇ બે થી લઇને અગીયાર બળદ સુધી જેવી જરૂરિયાત પ્રમાણે ની પોઇન્ત જોડી ને અનાજ મસળતા તેમને વધુ માહિતી આપતા જણાવે છે કે ખાસ કરીને રાત્રિના સમયે પોઇન્ત ચડાવવા માં આવતી ત્યારે પોઇન્ત ની ફરતે નાના બાળકો ગુલાંટીઓ ખાતા..! વચ્ચે-વચ્ચે સમયાંતરે ધાન્ય પાકો ને ચાળવવા માં આવે ફરી પાછા પોઇન્ત ફેરવતા રહેવા નું આમ સંપૂર્ણ રીતે દાણાં ખળાં માં પડી ગયા બાદ વહેલી સવારે ગજ્યા દ્વારા એક જણ ફળસ્યું હાંકે જ્યારે બે જણ છેડા પકડતા જ્યારે એક જણ ધોતી ની ગળાગાત્રી વાળીને સૂપડા વડે ઉપણતા, જ્યારે પવન ની દિશા જાણવા માટે હાથમાં ચપટી રાખોડી લઇને ઉડાડવામાં આવતી, અનાજ ભેગું થાય પછી ખળાં માંથી ઘર સુધી પહોંચાડવા વગેરે સંપૂર્ણ રીતે સામુહિકતાથી કામ પુરુ કરવા માં આવતું, જો પહેલીવાર પાયંન્ત ચડાવવા ની થતી ત્યારે વિધિવત રીતે ખળું પૂજવામાં આવતું, જ્યારે અનાજ ને ખળાં માં થી બહાર કાઢવા માટે પણ ખાસ પૂજન કર્યા પછી જ ઘરે લઈ જઇ શકાય તેવી પ્રણાલી હતી,આ રીતે પાયંન્ત પધ્ધતિથી અનાજ મહળવા માં આવતુ આ રીતે અનાજ મસળવા થી અનાજ ગુણતત્વો સભર રહે છે તેમજ લાંબા સમય સુધી અનાજ માં સળો લાગતો નથી, આમ જૂની પુરાણી પધ્ધતિથી અનાજ મસળવા માટે થોડો સમય વધુ લાગે પરંતુ તેના ફાયદા અનેક છે તેમ જણાવ્યું હતું.