Surat
ઉધનામાં વર્ક ફ્રોમ હોમના નામે ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ આપીને લોકો સાથે ઠગાઈ આચરતા 5 ગઠીયા ઝડપાયા
(સુનિલ ગાંજાવાલા સુરત)
ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાઈબર ક્રાઈમના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. OTP પૂછીને, ફિસિંગ લિન્ક મોકલીને, ક્રેડિટ કાર્ડ અને લૉનની લિમિટ વધારવાના નામે, લોટરીની લાલચ આપીને તેમજ પાર્ટટાઈમ વર્ક ફ્રોમ હોમની ઓફર કરીને ઠગાઈના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. એવામાં સુરત શહેર PCB અને SOGની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં પોલીસે ઉધના વિસ્તારમાંથી ઓનલાઈન ડેટાએન્ટ્રીનું કામ કરીને કમાણી કરવાની લાલચ આપીને ઠગાઈ આચરતા 5 ગઠીયાઓને ઝડપી પાડ્યાં છે.
હકીકતમાં સુરત PCB અને SOGને બાતમી મળી હતી કે, ઉધના બ્રિજની બાજુમાં આવેલા નાથુભાઈ ટાવર્સમાં ઈન્ફોસિસ સોલ્યુશન નામની બોગસ કંપની ઉભી કરીને કેટલાક શખ્સો નોકરી વાંચ્છુક લોકોને છેતરી રહ્યાં છે.આ બાતમીના આધારે PCB અને SOGની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાથુભાઈ ટાવર્સની 602 નંબરની ઓફિસમાં દરોડો પાડીને 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની ઓળખ, કમલેશ ચૌહાણ, પ્રશાંત પાટીલ, વિશાલ મહિરાડે, અરબાઝ ખાન અને સાગર મોરે તરીકે થઈ છે.પ્રાથમિક તપાસમાં આ ઠગ ટોળકી દ્વારા કંપનીનો સંપર્ક સાધનારા નોકરી વાંચ્છુકોને વર્ક ફ્રોમ હોમ ડેટા એન્ટ્રીનું કામ કરીને મહિને 15 થી 20 હજાર કમાવવાની લાલચ આપવામાં આવતી હતી.આ ઠગ ટોળકી દ્વારા ઘર બેઠા મહિને 15થી 20 હજાર રૂપિયા કમાવાની લાલચમાં કંપનીનો સંપર્ક સાધનારાઓને ડેટા એન્ટ્રીનું કામ આપવામાં આવતું હતું. જો ડેટા એન્ટ્રી કરનારના કામમાં 90 ટકા ચોક્સાઈ આવે, તો જ તેને પેમેન્ટની ચૂકવણી કરવામાં આવતી હતી. જો ચોકસાઈ ના આવે તો તેમને જુદા-જુદા બહાના હેઠળ પોલીસ કેસ કરવાની ધમકી આપીને તેમની પાસેથી બળજબરી પૂર્વક ઓનલાઈન રૂપિયા પડાવવામાં આવતા હતા.