Ahmedabad
સ્વામિનારાયણ મંદિર નાઈરોબી દ્વારા જિતેન્દ્રિયપ્રિયદાસજી અને નૈરોબીના ડેપ્યુટી ગવર્નરની ઉપસ્થિતિમાં પદાર્પણ અમૃત મહોત્સવ અને પંયદિનોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવસુધારણાનું કેન્દ્ર સ્થાન છે.સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ, વડતાલ, ગઢડા, જેતલપુર, મુળી, ભુજ, માંગરોળ, કારિયાણી, પંચાળા વગેરે અનેક ધામોમાં ફુલદોલોત્સવ, વસંતોત્સવ, એકાદશી, પ્રતિષ્ઠા વગેરે વિવિધ ઉત્સવોના માધ્યમથી મોટા મોટા ઉત્સવ સામૈયા અવાર નવાર કરતા. આ ઉત્સવ સામૈયાઓમાં દેશ દેશાંતરથી સંતો હરિભકતો આવીને એક સ્થળે ભેગા થતાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું દર્શન પૂજન કરતાં. શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના ત્યાગી ગૃહી તમામ આશ્રિતો અલોકિક દિવ્ય સુખ આપતાં. પૃથ્વી ઉપર જ અક્ષરધામ ખડું થતું. ભક્તજનો અરસ પરસ મળીને ખુબ આનંદ અનુભવતા. શ્રી હરિના મહિમાની વાતો કરતા. શ્રી હરીને ઉત્સવ સમૈયા બહુ પ્રિય છે. ઉત્સવોના માધ્યમથી એકી સાથે હજારો જીવાત્માઓનું સહેજે સહેજે કલ્યાણ થાય છે.
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર ભારતમાં ૭ વર્ષ પરિભ્રમણ કરી તીર્થોને તીર્થત્વ આપ્યું. એવા જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ પૂર્વ આફ્રિકાની અનાર્ય ભૂમિને પોતાના પુનિત પાદારવિંદથી તારીખ: ૧૬/૦૪/૧૯૪૮ પાવન કરી. તેને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થાય તે પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પદાર્પણ અમૃત મહોત્સવ તથા શ્રી ઘનશ્યામ મહારાજ ૭૦ મો પ્રતિષ્ઠોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવનો મંગલ પ્રારંભ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તથા હોનરેબલ ડેપ્યુટી ગવર્નર જેમ્સ મુચીરી નૈરોબી, ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.
આ મહોત્સવ કુલ પાંચ દિવસનો ઊજવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, પૂજન, અર્ચન, સમૂહ રાસ, નગરયાત્રા, મહિલા ઉત્કર્ષ શિબિર, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, ભકિત નૃત્ય વગેરે વિવિધ ભક્તિ સભર કાર્યક્રમોનાં આયોજન પણ કરવામાં આવ્યાં હતાં. મહોત્સવનાં પંચમ દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી તથા પૂજનીય સંતો હરિભક્તોના સાન્નિધ્યમાં નવા રૂપ રંગથી સુસજ્જ મંદિર મહેલ શોભી રહ્યો ત્યારે તેનો ૭૦ મો વાર્ષિકોત્સવ ઉલ્લાસભેર ઊજવવામાં આવ્યો હતો. મોમ્બાસા સિમેન્ટ મિરેકલ પાર્ક – જયરામ ફિડિંગ સેન્ટર – ઉદ્યોગપતિ હસુભાઈ કાનજીભાઈ ભુડિયા – ફોટડીને ૫,૦૦,૦૦૦ શિલિન્ગનો ચેક માનવ ઉત્થાન માટે અર્પણ કરવામાં આવ્યો હતો. ષોડશોપચારથી પૂજાવિધિ, અન્નકૂટોત્સવ, શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ, આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગરે અનેકાનેક આધ્યાત્મિક કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.
સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય દર્શન તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના પરમ સાનિધ્યે સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ પામ્યા હતા. ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, રવાન્ડા, કોંગો, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, યુરોપ વગેરે દેશ-વિદેશના હજારો હરિભક્તોએ પૂજન, અર્ચન, આરતી, અન્નકૂટ દર્શન, દિવ્ય આશીર્વાદનો લ્હાવો લીધો હતો અને પંચદિનોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ.