Ahmedabad
શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાથમિક શાળા, મોખાસણનું લોકાર્પણ કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ…

પ્રેસનોંધ
એક કરોડ ત્રીસ લાખ ઉપરાંતની લાગતથી બનાવેલ આધુનિક સિસ્ટમથી સુસજ્જ પ્રાથમિક શાળા..
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી મોખાસણ નિવાસી બાબુભાઈ મણીલાલ ગીરધરદાસ પટેલ પરિવારે ૧૨૫ વર્ષની જીર્ણ થયેલ શાળાને તદ્દન સમૂળ નવું રૂપ આપી ” શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાથમિક શાળા, મોખાસણ” ને રૂ. એક કરોડ ત્રીસ લાખ ઉપરાંતની લાગતથી બનાવેલ. તેને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંતમંડળ સહિત પધારી ગામને સમર્પિત કરી છે. સદરહુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાથમિક શાળા, મોખાસણને શ્રી બાબુભાઈ મણીલાલ પટેલ, ધર્મપત્ની કાંતાબેન પટેલ, શ્રી અશોકભાઈ પટેલ પરિવારનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે.
આ પ્રસંગે આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આ નૂતન પ્રાથમિક શાળાનું સંકુલ વિદ્યાદાન માટે તૈયાર કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરી ભારત રાષ્ટ્રના સાચા અને સારા નાગરિક બને તેવા ઉમદા હેતુસર નિર્માણ કરી આપ્યું છે. વિદ્યાર્થીઓ શિક્ષણ સંસ્કારથી પોતાનું જીવન પણ ઉન્નત કરી શકે છે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પણ શિક્ષણના પ્રખર હિમાયતી હતા અને તેમણે શિક્ષણ માટેની આહલેક જગાવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શિક્ષણ કાર્યો થકી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉત્તર ભારતમાં આગ્રા, દક્ષિણ ભારતમાં ચેન્નાઈ વગેરે અનેક સ્થળોએ શિક્ષણ સંસ્થાનો વેગ આપ્યો છે.
આ પાવનકારી પ્રસંગે ગામના, આજુબાજુ વિસ્તારના ગામોના નાગરિકો, શિક્ષકો, પ્રિન્સિપાલશ્રીઓ વગેરે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી