International
ભારતનો આ પાડોશી દેશ બન્યો સૌથી મોટો અફીણનો વેપારી, અગાઉ અફઘાનિસ્તાન હતું ટોચ પર
ભારતનો પડોશી દેશ અફઘાનિસ્તાન અફીણનું સૌથી વધુ ઉત્પાદન કરતો હતો. પરંતુ અફઘાનિસ્તાનને હરાવીને ભારતનો અન્ય એક પાડોશી દેશ અફીણના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવી ગયો છે અને તે દેશે અફઘાનિસ્તાનને બીજા સ્થાને ધકેલી દીધું છે. યુએનના અહેવાલમાં જણાવાયું છે કે મ્યાનમારમાં વાર્ષિક 1080 મેટ્રિક ટન અફીણનું વાવેતર થાય છે.
યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઑફ ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNDC) એ રિપોર્ટમાં લખ્યું છે કે તાલિબાન સરકારે વર્ષ 2022થી અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ લાદ્યા પછી જ અફઘાનિસ્તાનમાં અફીણનું ઉત્પાદન 95 ટકા ઘટી ગયું. આ વર્ષે અફઘાનિસ્તાનમાં 330 ટન અફીણ ઉગાડવામાં આવ્યું છે.
મ્યાનમારમાં અફીણના ઉત્પાદનમાં વધારો
UNDCએ કહ્યું છે કે મ્યાનમારમાં અફીણનો વેપાર દેશની અર્થવ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તાજેતરના વર્ષોમાં તેમાં ઘણો વધારો થયો છે. અગાઉ મ્યાનમારમાં $1 બિલિયન મૂલ્યનું અફીણ વેચવામાં આવતું હતું, પરંતુ હવે મ્યાનમારમાં $2.4 બિલિયન મૂલ્યનું અફીણ ઉગાડવામાં આવે છે અને વેચાય છે. આ દેશની જીડીપીના 4.1 ટકા છે.
ડ્રગ્સની હેરાફેરી થાય છે
મ્યાનમાર લાઓસ અને થાઈલેન્ડ સાથે સરહદો વહેંચે છે. આ વિસ્તાર ગેરકાયદે ડ્રગ્સ, દાણચોરી અને અફીણ માટે સૌથી યોગ્ય સ્થળ છે. ગયા વર્ષે મ્યાનમારમાં 790 મેટ્રિક ટન અફીણ ઉગાડવામાં આવ્યું હતું.
સેનાનો અફીણની ખેતી રોકવાનો કોઈ ઈરાદો નથી
મ્યાનમારની સૌથી ફળદ્રુપ જમીન શાન પ્રાંતમાં છે. જોકે, શાનની 88 ટકા જમીન પર અફીણની ખેતી થાય છે. પૂર્વી શાન વિસ્તારમાં પ્રતિ હેક્ટર 19.8 કિલો અફીણ ઉગાડવામાં આવતું હતું, પરંતુ હવે તે વધીને 29.4 કિલો થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે સેનાનો આ વેપાર ખતમ કરવાનો ઈરાદો નથી. આ વર્ષે ડ્રગ્સ એબ્યુઝ કંટ્રોલ પર મ્યાનમાર સેન્ટ્રલ કમિટીએ કહ્યું છે કે અફીણના વેપારને ખતમ કરવાથી કોઈ ફાયદો નથી.