Offbeat
સ્વજનનાં મોત પર મહિલાઓ કાપી નાંખે છે પોતાની આંગળીઓ, જાણો કારણ
વિશ્વના ઘણા લોકો હજી પણ શહેરોથી દૂર જંગલોમાં રહે છે. આ લોકો આજે પણ આધુનિક જીવનથી દૂર પરંપરાગત જીવન જીવી રહ્યા છે. આ લોકો વર્ષો જૂના રિવાજોમાં માને છે. દુનિયામાં હજી પણ ઘણી જાતિઓ અલગ અલગ વિચિત્ર પરંપરાઓ ધરાવે છે. તેમાંથી એક ઇન્ડોનેશિયામાં રહેતા ડાની ટ્રાઇબના લોકો છે. આ ટ્રાઈબ વિશ્વમાં થયેલી પ્રગતિથી હજી પણ ઘણી પાછળ છે. આ લોકો આજે પણ સદીઓ જૂના નિયમો અને કાયદાઓનું પાલન કરે છે. જેથી આ ટ્રાઈબમાં સ્ત્રીઓના જીવનમાં ખૂબ જ મુશ્કેલી આવે છે. ઈન્ડોનેશિયાની આ ટ્રાઈબમાં પ્રિયજનોના મોત બાદ મહિલાઓ પોતાની આંગળીઓ કાપી નાંખે છે. આ માન્યતાને ઇકિપાલીન (Ikipalin) કહેવામાં આવે છે.
ધ મીરરના એક અહેવાલ અનુસાર, ઇન્ડોનેશિયાના જયાવિજયા પ્રાંતના વામિન શહેરમાં ડાની જનજાતિ વસવાટ કરે છે. આ આદિવાસી જનજાતિમાં રહેલી ઇકિપાલીનની પ્રથા પર ઇન્ડોનેશિયાની સરકારે ઘણાં વર્ષો પહેલા પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ વૃદ્ધ મહિલાઓની આંગળીઓ જોઈને આજે પણ તેઓ આંગળી કાપવાની પ્રથાનું પાલન કરતી હોવાનું કહી શકાય છે.
શા માટે કપાવે છે આંગળી?
2 આંગળીઓને પથ્થરની બ્લેડથી અથવા દોરડું બાંધીને કાપવામાં આવે છે. કોઇનું મોત થાય છે, ત્યારે પરિવારની મહિલા તેની આત્માને શાંતિ આપવા માટે પોતાની આંગળીઓ કાપી દે છે. આ સાથે આંગળી કાપવાથી એ પણ દર્શાવે છે કે, મૃતકની મોતની પીડા આંગળીના દુ:ખાવાની સામે કંઈ જ નથી અને તે જીવનભર તેમની સાથે જ રહેશે. આંગળી કાપીને ઘા પર કપડું બાંધવામાં આવે છે. આ પછી આગમાં ઘાને બાળવામાં આવે છે. કહેવાય છે કે આનાથી વ્યક્તિ ભૂત નથી બનતો અને તેની આત્મા શાંત થઈ જાય છે.
કઈ રીતે કપાય છે આંગળી?
સામાન્ય રીતે પથ્થરથી બનેલી બ્લેડનો ઉપયોગ આંગળીના ઉપરના ભાગને કાપવા માટે થાય છે. કેટલાક કિસ્સામાં બ્લેડ વગર જ આંગળી કપાઈ જાય છે. લોકો આંગળી ચાવીને પછી તેને વચ્ચેથી દોરડા વડે જોરથી બાંધે છે, જેનાથી લોહીનું પરિભ્રમણ અટકી જાય છે. દોરડું બાંધ્યા બાદ જ્યારે લોહી અને ઓક્સિજનની કમી આવે છે, ત્યારે આંગળી આપોઆપ કપાઈને પડી જાય છે. કપાયેલી આંગળીને દફનાવવામાં આવે છે અથવા સળગાવી દેવામાં આવે છે.