Gujarat

ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023‘’ અન્ન-સર્વશ્રેષ્ઠ અનાજ’’ જુવાર

Published

on

જુવાર એટલે કે
ભારતનું એક પ્રાચીન અનાજ. પહેલાના સમયમાં ઘઉં કરતા વધારે લોકો જુવાર ખાવાનું પસંદ કરતા હતા. આજે લોકોના ખોરાકમાં ઘઉનું પ્રમાણ વધી ગયું છે પરંતુ અનેક લોકો જુવાર ખાવાનું પણ પસંદ કરે છે. નાનું ગોળ અને સફેદ કે પીળા રંગનું આ અનાજ અનેક પોષક તત્વોથી ભરપૂર છે. મિલેટ્સને લોકોના ભોજન સુધી પહોંચાડવા માટે હાલમાં સરકાર દ્વારા મિલેટ્સનો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જી-20 મીટ માટે આવતા મહેમાનો પણ મિલેટ્સ માંથી બનતી ભારતીય પરંપરાગત વાનગીઓ ગ્રહણ કરીને આનંદિત થઈ રહ્યા છે. મિલેટ્સના વિવિધ પ્રકારોમાંથી એક છે જુવાર એટલે કે સોર્ગમ મિલેટ. તો આવો જાણીએ જુવાર વિશે.

ભારતમાં જુવાર તરીકે પ્રચલિત આ એકદળ અનાજને અંગ્રેજીમાં Sorghum કહેવાય છે. એકદળી વર્ગના પોએસી (ગ્રેમિની) કુળની ચારા અને ધાન્ય તરીકે ઉગાડવામાં આવતી આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Sorghum bicolor છે. જેને ગ્રેટ મિલેટ, ઈન્ડિયન મિલેટ, મિલો, દુરા, ઓરશાલ્લુ, ગ્રાસ ફેમિલીના અનાજનો છોડ અને તેના ખાદ્ય સ્ટાર્ચવાળા બીજ પણ કહેવાય છે. ભારતમાં ખવાતા આ પાકનું ઊગમસ્થાન આફ્રિકા છે. ત્યાંથી તે વિવિધ દેશોમાં ફેલાયો. ભારતમાં મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં વધુ પ્રમાણમાં જુવારનું વાવેતર થાય છે. જુવાર ઉનાળો (માર્ચથી જૂન), ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) તથા શિયાળો (ઑક્ટોબરથી ફેબ્રુઆરી) એમ 3 ઋતુમાં વિવિધ ધ્યેય માટે વાવવામાં આવે છે.
જુવાર ઘઉંનો સારો વિકલ્પ માનવામાં આવે છે. જુવારમાં ફાઇબર્સની માત્રા વધુ હોય છે જે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. આપણે સૌ સામાન્ય રીતે ઘઉંની રોટલી ખાવા માટે ટેવાયેલા છીએ. પરંતું જુવારના લોટના રોટલા કે રોટલી ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે પેટ ભરેલું રહે છે અને બીજું કંઈ ખવાતું નથી. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળી રહે છે. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે. પ્રોટીનથી ભરપૂર જુવાર સંપૂર્ણ શાકાહારી લોકો માટે ખૂબ ફાયદાકારક છે. જુવાર શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારે છે. જુવારની રોટલી, રોટલા, થેપલા, ઉપમા, ઢોકળા, સુખડી, ખીચડી, મુઠિયા, પરાઠા અને બીજી અનેક વાનગીઓ આપ બનાવી શકો છો જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક છે.

આ વર્ષ આપણે સૌ ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 તરીકે ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સને અન્ન નામ આપ્યું છે. જેનો અર્થ થાય છે, સર્વશ્રેષ્ઠ અનાજ. શ્રી અન્ન સાંભળતા જ ભારતીય સંસ્કૃતિનો અહેસાસ થાય છે. તો આવો આપણે સૌ શ્રી અન્નને આપણા રોજીંદા આહારમાં સ્થાન આપીએ અને સ્વસ્થ રહીએ.
* સફેદ કે પીળા રંગનું આ અનાજ છે પોષક તત્વોથી ભરપૂર
* આવો જાણીએ જુવાર(સોર્ગમ મિલેટ) વિશે

Advertisement

Trending

Exit mobile version