International
કેનેડા ના એલ્ડોરાડો પાર્ક ખાતે શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી ના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગા ડે ની ઉજવણી કરી ….
યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે. યોગ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ શરીરમાં નૂતન ઊર્જા લાવે છે. તે શરીરનો સ્રોત છે. યોગ શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે કરાય છે અને તેની દિન પ્રતિદિન વધી રહી છે. યોગ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે. યોગ આપણી પ્રાચીન પરંપરા છે. યોગનું મહત્ત્વ ભારત રાષ્ટ્રમાં હજારો વર્ષોથી રહ્યું છે. અને તેનો નિયમિત અભ્યાસ કરનારા નિરોગ અને બળવાન હોય છે. યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે.
૨૧ મી જુનનો દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સુચન કર્યું. જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫થી ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું. નવમા (૯) આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ વસુધૈવ કુટુમકમના સિદ્ધાંત પર ‘એક વિશ્વ, એક સ્વાસ્થ્ય’ (‘One World, One Health’) રાખવામાં આવી છે. નવમા (૯) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિધ વિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમયે નોર્થ અમેરિકા -કેનેડામાં વિચરણ કરી રહ્યા છે;
ત્યારે કેનેડા ક્રેડિટ રીવરના એલ્ડોરાડો પાર્ક મુકામે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો હરિભક્તોએ યોગાસન, પદ્માસન, હલાસન તેમજ તાળી યોગ પણ કર્યા હતા. તાળી પાડવી તે એક પ્રકારનો યોગ છે. તાળી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશન(રક્ત પરિભ્રમણ)માં વધારો થાય છે, શરીરનાં તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે. એટલું જ નહીં, તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. આમ, અનેક પ્રકારના યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી. તેમજ લંડન, મણિનગર શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ, શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ, ગોધરા વગેરે સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.