Editorial

જા પાસ છે.. કારકિર્દીની મહત્વની પરીક્ષા વખતે તું મજૂરીએ જાય છે ?”

Published

on

” રીસીપ્ટ, બોલપેન,પેડ બધું જ યાદ કરીને લીધું ને, અવની બેટા ?” સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ નિખિલ પોતાની બાઈક પર કપડું મારતાં મારતાં કહ્યું. અવની પણ ઝડપથી તૈયાર થઈ બહાર આવતાં જ બોલી,” હા પપ્પા બધું જ યાદ કરીને લઈ લીધું હવે જલ્દી ચાલો આજે તો પરીક્ષાનો પહેલો દિવસ છે. પહેલા દિવસે થોડા વહેલા પહોંચ્યા હોય તો સારું.”
બાઈકને સાફસૂફ કરી કીક લગાવતો નિખિલ બોલ્યો,” હા…હા કેમ નહીં બેટા ચાલ બેસી જા તને હમણાં જ પહોંચાડી દઉં.”
અવની ત્વરાથી બાઈક પાછળ બેસી ગઈ.નિખિલે બાઈક હંકારી દીધી. અવની નિખિલની મોટી દીકરી હતી. તે ધોરણ દસમાં ભણતી હતી.આજે તેને બૉડૅની પરીક્ષાનું પહેલું પેપર હતું એટલે નિખિલ તેને મુકવા માટે જતો હતો.
બજારના ભરચક હતું. સવાર સવારમાં લોકો બધા પોત પોતાના વાહનો લઇને જાણે રઘવાયા બન્યા હોય એમ હરણફાળ ભરતા જતાં હતાં. એક બાજુ બૉડૅ ની પરીક્ષા આજથી શરૂ થતી હતી એમાંય થોકબંધ વાહનોના ધૂમાડા વાતાવરણને વધુને વધુ ગંભીર બનાવતાં હતાં. ટ્રાફીકમાં ફસાયેલા લોકો પણ વારેવારે પોતાના કાંડે બાંધેલી ઘડિયાળ પર નજર નાખતા હતા એના પરથી જ આજના માહોલની સ્થિતિ અનુભવાતી હતી. ટ્રાફિકની આંટીઘૂંટી માંથી અનુભવના જોરે નિખિલ અવનીને લઈ નવ થતાં તો સરસ્વતી હાઈસ્કૂલના મુખ્ય દરવાજા ઉપર આવી પહોંચ્યો જ્યાં અવનીનો નંબર આવ્યો હતો. અવની થોડી ચિંતાતુર લાગતી હતી એટલે પંદર મિનિટના નાના સફરમાં નિખિલે અવનીને થેલો ભરી શિખામણ આપી હતી. અવની તો તરત જ બાઈક પરથી ઉતરી સીધી જ સામે જ ઉભેલી પોતાની સખીઓ પાસે ચાલી ગઈ. દરવાજો ખૂલવાની થોડીવાર હતી. હાઈસ્કૂલના મુખ્ય દરવાજા આગળ તો જાણે મધપૂડા ઉપર મધમાખીઓ જામી હોય એમ વાલીઓ ઉમટી પડ્યા હતા. કેટલાક દરવાજો ખુલવાની રાહ જોતાં હતાં તો કેટલાક પોતાના બાળકને હજુ સુધી અવનવી સલાહો આપતા હતાં.
નિખિલ ત્રણ કલાક અહીં જ રોકાવાનો હતો એટલે નિરાંતે બાઇક પર જ એક પગ વાળી ટેકાવી ઊભો હતો. એવામાં પાછળથી ગામડાની માટીની સુગંધ પ્રસારાવતા કેટલાક ગામઠી શબ્દો તેના કાને પડ્યા,” આ સરસ્વતી હાઈસ્કૂલ આ જ સે કે…કાકા…?” નિખિલ અવાજની દિશામાં ફર્યો. અનાયાસે જ તેનાથી હકારમા માથું હલી ગયું. તેણે જોયું કે ગામડાનો એક ગરીબ જેવો લાગતો છોકરો પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવા દીદાર માં ઊભો હતો. ” હા..હા….આજ સરસ્વતી હાઈસ્કૂલ છે બેટા.. છોકરો થોડો મુંઝાયેલો લાગતાં નિખિલે શબ્દો ઉચ્ચાર્યા,” ગભરા મત હજુ તો દરવાજો પણ નથી ખૂલ્યો.”નિખિલ ના શબ્દોમાં પોતીકું લાગતાં એ છોકરો પાસે આવી ફરી બોલ્યો,” હાશ ! આખરે હું હાઈસ્કૂલે પ્હોંચી ગયો.” નિખિલે જોયું કે એ છોકરો એકલો જ હતો. તેણે સવાલ કર્યો,” કેમ છોકરા ? તું એકલો જ આવ્યો છે કે શું ? તારી સાથે કોઈ આવ્યું નથી ? ”
“તે… ક્યાંથી આવ્યું હોય ? મારા માં-બાપુ છૂટક મજૂરી કરે છે. હમણાં ઘઉં વાઢવાની મોસમ છે એટલે ક્યાંથી નવરા હોય ? ઉપરથી મારે પરિક્ષા આવતા એક મજૂર આછો થયો અને આમેય એ અભણ બિચારા…. હું પણ પહેલીવાર આ શહેરમાં આવ્યો છું”


છોકરો ચોખવટ કરતા બોલ્યો. નિખિલ ને છોકરાની વાતમાં રસ પડ્યો. તેણે કહ્યું,” એટલે, તારી કારકિર્દીની મહત્વની પરીક્ષા વખતે તું મજૂરીએ જાય છે ?”
છોકરો આગળ વધ્યો” હા… એમાં શું ? મજૂરી નહીં કરીએ તો ખાઈશું શું ? પણ હું પરીક્ષાની તૈયારી કરીને આવ્યો છું ”
નિખિલ ને નવાઇ લાગી,” હે….? કેવી રીતે…? આટલી કપરી મજૂરીમાં તને વાંચવાનો સમય ક્યાંથી મળે ?”
” કેમ રાતે થોડો ઘઉં વાઢવા જઉ છું તે…?” હસમુખો ચહેરો બનાવી તે આગળ બોલ્યો,” સાંજે મજૂરી કરી ઘરે આવું એટલે નાહી-ધોઈ જમી અને વાંચવા બેસી જઉં તે છેક બાર એક વાગ્યા સુધી….”
નિખિલ મનોમન તેને વખાણતો હતો.” કેવો અજીબ છોકરો છે ? આટલી કપરી પરિસ્થિતિમાંથી આવે છે છતાં તેના ચહેરા પર કોઈ ફરિયાદનું નામ સુધ્ધા નથી ! ગજબનો તેનો આત્મવિશ્વાસ છે.” વિચાર કરતા કરતાં નિખિલની નજર છોકરાના ઉઘાડાં પગ પર ગઈ. તેણે ફરી હળવેકથી પૂછ્યું,” તું ઉઘાડાં પગે…? ” પૂછાયેલા પ્રશ્નને અધવચ્ચે જ કાપ મૂકતાં છોકરો બોલ્યો,” ના…ના…કાકા એવું કંઈ નથી… ચપ્પલ તો ઘરેથી પહેરી ને નીકળ્યો હતો પણ બસમાં બહું જ ભીડ હતી એટલે ઉતરતી વેળા કોઈનો પગ મારા માંદલા ચપ્પલ પર પડ્યો અને ચપ્પલના બે ભાગ થઈ ગયા. હવે એક ચપ્પલ કેવી રીતે પહેરવું ? એટલે બીજાને પણ પેલાં તૂટેલા ચપ્પલની સારવાર કાજે ત્યાં જ છોડીને આવ્યો. આ વખતે મજૂરીના રૂપિયા આવશે એટલે નવા લઈ લઈશ.” છેલ્લે છેલ્લે તો તે ફકક…કરતો હસી પડ્યો. તેને મન આ બધું સાવ સામાન્ય હતું પણ નિખિલ ખરેખર છોકરાની હિંમતથી અને ગમે તેવી સ્થિતિમાં પણ બિંદાસ રહેવું તેના એવા મનોબળથી પ્રભાવિત થયો હતો. એટલામાં સમય થતાં હાઈસ્કૂલનો મુખ્ય દરવાજો ખૂલ્યો. બાળકોનો ધસમસતો પ્રવાહ દરવાજામાં પ્રવેશ્યો. પેલો છોકરો પણ નિખિલને “આવજો કાકા…” કરતો દરવાજા તરફ ચાલતો થયો. તેને જતો જોઈ નિખિલ મનોમન બબડ્યો,” ક્યાં અમારા જેવાના સાવ તકલીફ વિશે જાણતા પણ ન હોય એવા સંતાનો અને ક્યાં આ તમામ તકલીફો વેઠી અહીં સુધી આવેલો આ છોકરો ? પરીક્ષાનું પરિણામ તો જે આવે તે પણ જીંદગીની પરીક્ષામાં તો તે અત્યારથી જ પાસ થઈ ગયો છે. છેલ્લે તેના મુખમાંથી શબ્દો સ્વગત સરી પડ્યા, ” જા પાસ છે…..!!!”

– વિજય વડનાથાણી…

Advertisement

Trending

Exit mobile version