Sports
જાડેજા ચેન્નાઈ માટે નહીં ‘માહી’ માટે પરત ફર્યા, જાણો કેવી રીતે CSKએ દૂર કરી તેમની નારાજગી
છેલ્લી IPL બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. સોશિયલ મીડિયા પર બંને વચ્ચે અણબનાવની વાતો વહેતી થઈ હતી. આ દરમિયાન જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલી તસવીરો પણ હટાવી દીધી હતી. હવે આઈપીએલ શરૂ થવામાં ચાર દિવસ બાકી છે અને જાડેજા ફરી એકવાર ચેન્નાઈ કેમ્પમાં જોવા મળી રહ્યો છે. ધોની સાથે પ્રેક્ટિસ કરી અને ફરી એકવાર ચેન્નાઈને ખિતાબ જીતવા માટે તૈયાર. છેલ્લા કેટલાક મહિનામાં એવું શું બન્યું જેણે જાડેજાની નારાજગી દૂર કરી.
રવીન્દ્ર જાડેજાને ગયા વર્ષે સિઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમનું પ્રદર્શન સારું નહોતું અને સિઝનના મધ્યમાં જાડેજાને સુકાનીપદેથી હટાવીને ધોનીને કપ્તાની સોંપવામાં આવી હતી. અહીંથી વસ્તુઓ ખરાબ થવા લાગી અને સ્થિતિ એવી બની કે સિઝનના અંતે તેણે ટીમ હોટલ છોડી દીધી.
મહેન્દ્રસિંહ ધોનીએ જાડેજાને સમજાવ્યો હતો
ક્રિકબઝના સમાચાર મુજબ જાડેજાની વાપસી પાછળનું મોટું કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. જાડેજા સાથે વસ્તુઓને ઠીક કરવા માટે, ધોનીએ તેની સાથે લાંબી વાતચીત કરી હતી. આ વાતચીતમાં જ જાડેજાએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ધોનીએ તેને સમજાવ્યો અને સમાધાનની તૈયારી કરી. આ પછી જાડેજાએ સીઈઓ કાશી વિશ્વનાથ સાથે રૂબરૂ વાતચીત કરી હતી અને તમામ ગેરસમજ દૂર થઈ હતી. વિશ્વનાથે કહ્યું કે ટીમ અને જડેડા બંને આ વાતચીતથી સંતુષ્ટ છે.
જાડેજાની નારાજગી દૂર થઈ ગઈ
જાડેજાની નારાજગી કેપ્ટનશીપ અને પોતાના ફોર્મને લઈને હતી. સાથે જ તેને તેની કેપ્ટનશિપ પર ધોનીનું નિવેદન ખાસ પસંદ ન આવ્યું. ધોનીએ સીઝનની મધ્યમાં કહ્યું હતું કે જાડેજા કેપ્ટનશિપના દબાણમાં આવી ગયો, જેની અસર તેની રમત પર દેખાવા લાગી, પરંતુ જ્યારે ધોનીએ પોતે જાડેજાને આ વાત સમજાવી તો તે સમજી ગયો. ધોનીની વિદાય બાદ પણ જાડેજા જ કેપ્ટનશિપનો મુખ્ય દાવેદાર રહેશે.