Dahod
ઝાલોદ નગર જય જગન્નાથ….જય રણછોડ…..જય દ્વારકાધીશ……ના ગગનભેદી જય જયકાર સાથે ગુંજી ઉઠયું
(પંકજ પંડિત દ્વારા)
* જગતના નાથ ભગવાન જગન્નાથ…બહેન સુભદ્રા…ભાઈ બલરામ ઝાલોદ નગરની નગરચયાઁ પર નીકળ્યા
* ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની છઠ્ઠી રથયાત્રામાં નગર બંધ રાખી સહુ ભક્તો જોડાયા. નગરમાં ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોના ભગવાન જગન્નાથનું સ્વાગત કરાયું
ઝાલોદ નગરના ભગવાન રણછોડરાય મંદિરે સંપૂર્ણ ધાર્મિક વિધિ પ્રમાણે ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા, ભાઈ બલરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની પૂજા અર્ચનાનો લાભ નગરના સહુ ભાવિક ભક્તોએ લીધો હતો. ભગવાન જગન્નાથના રથ પ્રસ્થાનનો લ્હાવો સંદિપ રમેશચંદ્ર પંચાલ અને તેમના પરિવારજનો એ લીધો હતો.
રણછોડરાય મંદિરે થી ભગવાન જગન્નાથનો રથ બેંડબાજા તેમજ નાશિક ઢોલના તાલે ધામધૂમ પૂર્વક નીકળ્યો હતો. રથયાત્રાની શોભાયાત્રા દરમ્યાન મોટા પ્રમાણમાં માનવ મહેરામણ સ્વયંભૂ ભગવાન જગન્નાથનું સ્વાગત કરવા ઉમટી પડયું હતું. નાશિક ઢોલના તાલે હાથમાં ધ્વજાના ભગવાન જગન્નાથના નાદ સાથે નગરનું આખું વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ઢોલ નગારાના તાલે ભાવિક ભક્તો ઝૂમતા જોવા મળ્યા હતા.
નગરમાં ચારેકોર દરેક વિસ્તારમાં ભાવિક ભક્તો દ્વારા સ્વયંભૂ રથયાત્રા દરમ્યાન રથયાત્રિકોની સેવા અર્થે પાણી અને ઠંડા પીણાંના સ્ટોલ લગાવવામાં આવેલ હતા. ચારેકોર રથયાત્રામાં ભાવિક ભક્તોના મુખે થી જય જગન્નાથ..જય રણછોડના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
રથયાત્રાના રસ્તાઓ પર ઉજ્જૈન થી આવેલ રાધાકૃષ્ણની ઝાંખી એ અનેરું કુતૂહલ જમાવ્યું હતું. રસ્તાના ચારે બાજુના રસ્તાઓમાં ઝાંખી દ્વારા રાધાકૃષ્ણના ગરબા તેમજ રાધાકૃષ્ણના રાશ અને નૃત્ય દ્વારા સહુ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું. નગરમાં સહુ કોઈએ ઝાંખીના નવીન નજારો જોઈ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયા હતા.
ઝાલોદ ગીતા મંદિર ખાતે રામ ભક્ત મિત્ર મંડળ દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવ્યું હતું તેમજ રથયાત્રામાં જોડાયેલ દરેક ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરમાં નીકળેલ રથયાત્રા દરમ્યાન ભાવિક ભક્તો દ્વારા રાશ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી.
ઝાલોદ નગરમાં રથયાત્રા રણછોડરાય મંદિરે થી મુવાડા, બસ સ્ટેશન, આંબેડકર ચોક, ડબગરવાસ, ગીતા મંદિર કોળીવાડા ,મીઠાચોક ,તળાવ ફળિયા, સોમનાથ મંદિર થઇ લુહારવાડા, શહિદ રાજેશ ચોક, ભરત ટાવર થઇ વિશ્વકર્મા મંદિર પર રથયાત્રા પુરી થઇ હતી. છેલ્લે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી મહાપ્રસાદનું ભવ્ય આયોજન સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું.આખા રથયાત્રા દરમ્યાન પોલિસ તંત્ર દ્વારા પણ ખૂબ જ સુંદર અને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.