Panchmahal
પંચમહાલ જિલ્લામાં ૭૭માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી
પંચમહાલ જિલ્લામાં આઝાદીના ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષભેર કરાઈ હતી. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રી ભિખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના હાલોલ સ્થિત એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. મંત્રીએ ધ્વજવંદન કરી,સલામી ઝીલી,પરેડનું નિરીક્ષણ કર્યું હતું.તેમની સાથે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ જોડાયા હતા.જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્વીકાર્યો હતો.
આ તકે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધીઓ હાંસલ કરનાર જિલ્લાના દસ નાગરીકોને સન્માનપત્ર આપીને પ્રોત્સાહીત કર્યા હતા.આ સાથે સ્વામિત્વ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું.જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયા હતા જેમાં આદિવાસી ગીત પણ રજૂ કરાયું હતું. મારી માટી, મારો દેશ અંતર્ગત પંચ પ્રણ પ્રતિજ્ઞા સૌકોઈએ લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ મારી માટી,મારો દેશ અને આઝાદીના અમૃત પર્વની શુભકામનાઓ સાથે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે,દેશભરના તમામ એટલે કે ૨.૫ લાખથી વધુ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્યપથ સુધી લાવીને “અમૃત મહોત્સવ સ્મારક” તેમ જ “અમૃતવાટિકા”નું નિર્માણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં દેશમાં રેલ સેવાઓ સાંસ્કૃતિક પર્યટન અને તીર્થસ્થાનને જોડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે,ગુજરાતના ૨૧ સહીત દેશના ૫૦૮ રેલવે સ્ટેશનનું પુન:નિર્માણ થવા જઇ રહ્યું છે.જી-૨૦ના અધ્યક્ષપદ હેઠળ અત્યારે ગુજરાતમાં અને ભારતમાં યુવા સમિટ,મહિલા સમિટ અને શહેરી સમિટો યોજાઇ રહી છે. આ સમિટોના કારણે વિશ્વના અનેક તજજ્ઞો અને વિવિધ વિષયના નિષ્ણાંતો ભારત અને એમાય ખાસ કરીને ગુજરાતના મહેમાન બની રહ્યા છે. જેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં ઉદ્યોગો, પ્રવાસન, શહેરી વિકાસ, નારી સશક્તિકરણ, શિક્ષણ વગેરે મહત્વના ક્ષેત્રોમાં નિ:સંદેહપણે ફાયદો થવાનો છે.
મંત્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય નિભાવખર્ચ યોજના હેઠળ ૧.૬૮ લાખથી વધુ ખેડૂતોને આશરે રૂ.૯૦ કરોડની સહાય સાથે ૧૩ જિલ્લામાં ૩૨ પ્રાકૃતિક ખેતી મંડળની રચના પણ કરી છે.ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે અનેક ખેડૂતલક્ષી નિર્ણયોના કારણે કૃષિ વિકાસની સૌ કોઈને પ્રતીતિ થઈ છે.ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજ દરે ધિરાણ આપી તેમનું આર્થિક સશકતીકરણ કરવામાં આવ્યું છે. મહિલાઓના આરોગ્યની રાજ્ય સરકારે ખાસ દરકાર કરી છે. મહિલાઓને સુરક્ષિત માતૃત્વ મળે, પૂરક પોષણ આહાર મળે તે માટે ચિરંજીવી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, ખિલખિલાટ વાન, મમતા સખી, મમતા ઘર, સબલા યોજના, પૂર્ણા યોજનાનો, મહત્તમ લાભ મહિલાઓને અપાયો છે.
મંત્રીએ કહ્યું કે, અનુસૂચિત જાતિના નાગરિકોને પોતાનું સપનાનું ઘર મળે તેવા આશય સાથે ૧૦,૯૬૧થી વધુ આંબેડકર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.આદિવાસી વિસ્તારમાં પંચાયતી સેવાઓનો લાભ સારી રીતે મળી શકે તે માટે ૩૭ ગામોમાં પંચાયતઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે.રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં ૪૬૨ જેટલા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં એક જ દિવસમાં ૨૫૦૦થી વધુ કર્મયોગીઓને નિમણૂકપત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે સામાન્ય માનવી-ગરીબ ગ્રામીણ વ્યક્તિને ગુણવત્તાયુકત સેવા-સુવિધા આપવા-ગ્રાન્ટના નાણાંનો પૂરેપૂરો સદઉપયોગ થાય તે માટે પંચાયતોમાં નાગરિકોને અપાતી ૫૫ જેટલી સેવાઓમાં વધુ ૩૨૧ જેટલી સેવાઓ જોડીને લોકોને ઘર આંગણે સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.ગ્રામ્ય વિસ્તારમાં જળસંચયને પ્રોત્સાહન મળે અને પાણીની સમસ્યાનું સમાધાન થાય તે માટે ૩૭૫ જેટલા અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રૂ.૫ લાખથી વધારીને રૂ.૧૦ લાખ કરી છે. રાજ્યના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં આ વર્ષે અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ચાર નવી મેડિકલ કોલેજો બનશે.રાજ્યના નાગરિકોના હેલ્થ સાથે તેમની વેલનેસની પણ ચિંતા કરીને સરકારે ૯૫૪૫ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત કર્યા છે.
પહેલા આપણે વિદેશી સંશોધનો અને તેની બનાવટો પર આધારીત રહેવું પડતું હતું. પરંતુ પ્રધાનમંત્રીની દિર્ઘદ્રષ્ટી અને મુખ્યમંત્રીના પરિણામલક્ષી માર્ગદર્શનના પરિણામે સ્ટાર્ટઅપ અને લોજિસ્ટિક્સમાં આપણુ ગુજરાત પ્રથમ સ્થાને છે, એટલું જ નહીં, ઔદ્યોગિક આઉટપુટમાં પણ ગુજરાત રાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે.ગુજરાતના ખૂણે ખૂણાને સુરક્ષિત રાખવા માટે ટેકનોલોજી આધારિત ‘વિશ્વાસ’, ‘સાયબર આશ્વસ્ત પ્રોજેકટનો નવતર અભિગમ ગુજરાતે અપનાવ્યો છે.કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હાલોલ ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર, જિલ્લા કલેકટર આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,નાયબ વન સંરક્ષક એમ.એલ.મીના,અધિક નિવાસી કલેક્ટર એમ.ડી.ચુડાસમા, પ્રાંત અધિકારી,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓ,પદાધિકારીઓ,મહાનુભાવો,પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નગરજનો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- રાજ્યના મંત્રી ભિખુસિંહજી પરમારે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી
- ટીમ ગુજરાતે ગ્રામીણ વ્યક્તિઓને ગુણવત્તાયુકત સુવિધાઓ આપવા પંચાયતોમાં વધુ ૩૨૧ જેટલી સેવાઓ જોડીને લોકોને ઘર આંગણે સેવાઓ ઉપલબ્ધ કરાવી – મંત્રી”
- મંત્રીએ પંચમહાલ જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા વહીવટી તંત્રને એનાયત કર્યો
- જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધીઓ હાંસલ કરનાર નાગરીકોને સન્માનપત્ર આપીને પ્રોત્સાહીત કરાયા