Vadodara
વડોદરા જિલ્લામાં સ્વચ્છતાના મંત્રને સાકાર કરતું ‘ કચરે સે આઝાદી ‘ બાયો અભિયાન
સાવલી અને વાઘોડીયા તાલુકાની ૧૨ ગ્રામ પંચાયતોમાં ભીનો સુકો કચરો બન્યો છે રોજગારીનું માધ્યમ
વડોદરા જિલ્લામાં સાવલી તેમજ વાઘોડિયા વિસ્તારના મોટાભાગનાં ગામમાં ભીનો અને સૂકો કચરો અલગ જ રાખવામાં આવે છે. જેમાં મંજૂસર, દુમાડ, બાસ્કા,નર્મદાપુરા, ગુલાબપુરા, માધવનગર, સાકરીયા જેવા અનેક ગામના લોકોએ આ અભિગમને આવકાર્યો છે.’ કચરે સે આઝાદી ‘ અભિયાન હેઠળ આ દરેક ગામના લોકો આ અનોખા પ્રયોગમાં પોતાનો મહત્વનો ફાળો આપી રહ્યા છે. “કલ્પનાની સંકલ્પના” કન્સેપ્ટ બાયોટેક એક બહુ-પરિમાણીય બાયોટેકનોલોજી પેઢી છે,જે ૨૦૦૨ થી કચરાના વ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરે છે.
KSA ના પ્રમોટર ડૉ. સુનિત ડબકે એ જણાવે કે, ” અમારી સેવાઓ ઉત્પાદનોના વેચાણ સુધી મર્યાદિત ન રહેતા અલ્ટીમેટ સોલ્યુશન્સ સેવાઓ આપીએ છીએ. આ અભિયાનમાં વડોદરા જિલ્લાના મોટાભાગના લોકો સહકાર આપે છે અને અન્ય લોકો પણ સહકાર આપે એવી અપેક્ષા છે. શહેરી લોકો પણ આ અભિયાનમાં જોડાયા તો વડોદરા કચરામુક્ત બનશે.”
વર્મીફિલ્ટર અને DEWATS સિસ્ટમ્સનો ઉપયોગ કરીને વિકેન્દ્રિત ગટર શુદ્ધિકરણ, ટર્નકી વેસ્ટ મેનેજમેન્ટ સેવાઓ, ખાતર/વર્મીકમ્પોસ્ટિંગ અને બાયોગેસ પ્રોજેક્ટ માટે – SWM ને લગતા સર્જનાત્મક જાગૃતિ કાર્યક્રમોમાં મદદ કરવી, કચરાના વ્યવસ્થાપનને સંડોવતા નવીન CSR પ્રોજેક્ટ માટે વિચારોનું આદાન પ્રદાન જે દૂષિત ભૂમિની સારવાર કરી શકે છે.
વર્મી-રિમિડેશનના ઉપયોગ થકી વર્મી ટેક્નોલોજીને પ્રોત્સાહન મળી શકશે.રોકેટ કમ્પોસ્ટર કે જેની દૈનિક લોડ ક્ષમતા ૫ કિગ્રા છે,જગ્યાની મર્યાદા હોય તેવા વિસ્તાર માટે આ શ્રેષ્ઠ છે. આ માટે કોઈ મિશ્રણ અથવા મંથન જરૂરી નથી. ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રવાહી ખાતર આપે છે. મંજૂસર, દુમાડ જેવી અનેક જગ્યાઓએ સાઈટ બનાવેલી છે જ્યાં ભેગા કરેલ કચરાને ભેગો કરીને તેને અનેક વસ્તુઓ બનાવવા માટે મોકલવામાં આવે છે.
હા, એક વાત છે કે, આ દરેક સાઇટ કે જ્યાં આજે સરસ મજાનો બગીચો કે વાડી જેવું બનાવ્યું છે ત્યાં અગાઉ ડમ્પિંગ સાઈટ જેવું હતું એટલે કે ત્યાં કચરાના ઢગલા હતા.લગભગ નકામી થઇ ગયેલી જગ્યાઓને આજે ગાર્ડન અને કૃત્રિમ જંગલ, ફૂલોનાં બગીચા વડે જાણે ફરીથી જીવંત કરવામાં આવ્યું છે. જ્યાં વિવિધ પ્રકારના પક્ષીઓ અને પતંગિયાઓએ વાસ કર્યો છે.
” અમારી ટીમ ગામડાઓમાં જઈને લોકોને બેગ આપીએ છીએ, જેમાં લોકો સૂકો કચરો ભેગો કરી રાખે છે. ત્યાર બાદ ૧૫ દિવસે લેવા માટે જઈએ છીએ એમાં પણ અમે કચરાના વજન મુજબ લોકોને વળતર પેટે પૈસા આપીએ છીએ જેથી કરીને લોકોને રોજગારી પણ મળી રહી છે.ઘણીવાર અમે ગ્રોસરી પણ વળતર પેટે આપીએ છીએ જેમાં અમારું ઇલેક્ટ્રિક વાહન જેને ‘KSA રથ’ નામ આપ્યું છે,
તે ગામમાં જઈને ઉભું રહે અને લોકો ભેગો કરેલો કચરો આપીને પોતાને જરૂરી એવી કોઈપણ વસ્તુ જાતે પસંદ કરીને લઇ શકે છે. આ આઈડિયાનો મૂળ હેતુ લોકો કચરામુક્તિના મહત્વને સમજે અને ગંભીરતાથી લે એ જ છે.એમ છેલ્લા ૨ વર્ષથી આ ઉમદા કાર્યમાં પોતાનો મહત્વનો ફાળો આપતા પ્રાચી પટ્ટણીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ” ભીનો કચરો લેવા અમારા તરફથી લેબર મોકલીએ છીએ, જેઓ જે તે ગામમાં જઈને ભીનો કચરો કલેકટ કરે છે. જેને અમે રોકેટ કમપોસ્ટરમાં પ્રોસેસ થકી લીકવીડ ખાતર બનાવીએ છીએ, જેમાં કોઈપણ પ્રકારના રસાયણની જરૂર પડતી નથી. ૧૦૦ ટકા શુદ્ધ ખાતર કે જેના થકી કોઈપણ પ્લાન્ટ્સ માટે સકારાત્મક રિઝલ્ટ મળી શકે છે.”
‘ કચરે સે આઝાદી ‘ પ્રોજેક્ટ હેઠળ મંજૂસર તેમજ વાઘોડિયાના ઘણાય નાનાં મોટાં ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં શરૂઆતમાં થોડા નેગેટિવ રીવ્યુ મળ્યા પછી આજે એ લગભગ ૫ વર્ષના પ્રયત્ન પછી ઘણો વિસ્તરી ગયો છે.લગભગ ૧૨ ગ્રામ પંચાયતોમાં આ ઉમદા કાર્ય કાર્યરત છે.
આ ઉપરાંત મિયાંવાંકી ફોરેસ્ટ જેમાં ૧૦૦૦ જેટલા ઔષધિય પ્લાન્ટ્સ લગાવ્યા છે. બટરફ્લાય ગાર્ડન પ્રોજેક્ટ હેઠળ બટરફ્લાયના ગ્રોથ માટે નવી શરૂઆત કરી છે. ગ્રાબેજ ટુ ગાર્ડન, ગાર્ડન વેસ્ટ મેનેજમેન્ટ થકી સુ્કાં પાંદડામાંથી ખાતર તેમજ કોઈપણ પ્લાસ્ટિક અને ભીના કચરા થકી અન્ય વસ્તુઓ જેવી કે, પેવર બ્લોક, બેઠક, બેન્ચ, પીપ, ડસ્ટબીન, ફ્લાવર પોટ્સ, પેન સ્ટેન્ડ, કાર્ડ સ્ટેન્ડ, ડીશ,નોટબુક જેવી વસ્તુઓ કચરામાંથી જ બનાવવામાં આવે છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે જો આ રિસાઇકલ વડે બનેલી નોટબુક અને પેન સ્ટેન્ડ જેવી બીજી અનેક વસ્તુઓ એવી છે કે જેનો ઉપયોગ ન થતા એને જે જગ્યાએ ફેંકવામાં આવે ત્યાં જે તે પ્રકારના પ્લાન્ટ ઊગી નીકળે છે. કારણ કે, એ વસ્તુની બનાવટ સાથે એમાં અમુક પ્રકારના પ્લાન્ટના બીજ એડ કરવામાં આવે છે.
વેસ્ટમાંથી બેસ્ટ અભિગમ હેઠળ બનાવવામાં આવેલ દરેક વસ્તુઓમાં બાંકડાની માંગ અત્યાર સુધીમાં સૌથી વધારે રહી છે.જેમાં GST ભવન, રેલવે વિભાગ, એરફોર્સ સ્ટેશન, CSR માં આ બાંકડા વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાયા છે. હવે આ અભિગમ વડોદરા જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે બેન્ચ બનાવવા સુધી વિસ્તરી ગયો છે, જેથી કરીને ફકત કચરાનો નિકાલ જ નહીં પરંતુ એનું રિસાયકલ કરીને એનો સદુપયોગ થઇ શકે છે.