Chhota Udepur
કદવાલ પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
હાલની પરિસ્થિતિમાં બુટલેગરો રૂપિયા કમાવા માટે અલગ અલગ પ્રકારે તરકીબ કરીને માલ મંગાવી રહ્યા છે. તેની સામે કદવાલ પોલીસ પણ બુટલેગરો ને ઝડપી પાડવા માટે સતર્ક થઈને સતત દારૂ પકડી રહી છે તેવામાં કદવાલ પોલીસે જેતપુરપાવી તાલુકાના ભીખાપૂરા (જાંમ્બા) તેમજ નાંનીખાંડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને કુલ ૧ લાખ ૭૨ હજારનાં પ્રોહી મુદ્દામાલ સહીત ઝડપી પાડ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ કરવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલ સૂચનાને આધારે કદવાલ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ કે. કે. સોલંકી સહિત સ્ટાફ કદવાલ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, જામ્બા ગામ તરફથી શંકાસ્પદ એક બજાજ કંપનીનુ પલ્સર મોટર સાયકલ ભીખાપુરા ગામ તરફ આવે છે જે વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે જામ્બા ચોકડી પાસે વોચમાં હતાં તે દરમ્યાન બાતમી વાળી ગાડી આવતાં પોલીસે તેને અટકાવી ગાડી પરથી વિદેશી દારૂની ૮૪ બોટલ કબ્જે કરી હતી અને કિ. રૂ. ૩૭,૩૮૦નો દારૂ તેમજ એક મોટર સાયકલ મળી કુલ કિ.રૂ. ૭૭,૩૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને છોટાઉદેપુર તાલુકાનો ડોલરિયા ગામનો બુટલેગર મીનેશભાઈ ભોટાભાઈ રાઠવા સહીત લબરમુચ્છીયાને ઝડપી પાડ્યો હતો. આવીજ રીતે નાનીખાંડી ચોકડી પાસે કદવાલ બાકરોલ રોડ પરથી બે મો.સા ઉપર એક-એક વિમલના થેલામાથી કંઇક વજનદાર વસ્તુ ભરી પાછળના ભાગે બાંધી લઇ આવતા હોય તેવી ચોકકસ બાતમી હકીકત ના આધારે નાનીખાંડી ચોકડી પાસે ઉપરોકત વર્ણનવાળી મોટર સાયકલો આવતા તેને કોર્ડન કરી ઉભી રાખતા તે પોતાની મોટર સાયકલ લઈ થોડે દુર જઇ મોટર સાયકલ ફેકી ભાગી છૂટ્યો હતો તથા એક મોટર સાયકલ ચાલક મોટર સાયકલ સાથે પકડાઇ જતા જે બંને મો.સા. ઉપર ગેર કાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બિયરની નાની-મોટી કુલ ૧૩૨ નંગ બોટલ કબ્જે કરી હતી. અને કિ.રૂ. ૩૪૮૬૦નો દારૂ તેમજ બન્ને મોટરસાયકલ મળી કુલ કિ.રૂ. ૯૪,૮૬૦/- નો મુ્દામાલ માલ જપ્ત કરી બુટલેગર અરવિંદભાઇ ઉર્ફે રાજુભાઇ ગેમલાભાઇ રાઠવા રહે, મોટીસઢલી મસાણી ફળીયા તા.જી.છોટાઉદેપુર તેમજ ભોદીયાભાઈ લીમજીભાઈ રાઠવા રહે.ગોદલી તા. ઘોઘંબા જી.પંચમહાલને વોન્ડેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.