Gujarat
ગોરજના કપિલાબેન અન્ય મહિલાઓને કુદરતી ખેતી તરફ વળવા પ્રેરણા આપી રહ્યા છે
વાઘોડિયા તાલુકાના ગોરજના કપિલાબેન પ્રવિણભાઈ વણકર અન્ય મહિલાઓને કુદરતી ખેતી તરફ વળવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી ગાય આધારિત કુદરતી ખેતી કરે છે અને તેના ખેતરમાં વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે. તંદુરસ્ત ભવિષ્ય માટે ગાય આધારિત કુદરતી ખેતી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે અન્ય ખેડૂતોને વર્મી કમ્પોસ્ટનું વેચાણ કરે છે. તેણીએ તેમના વિસ્તાર અને નજીકના ગામડાઓમાં સખી મંડળોની મહિલાઓને આરોગ્યનું મહત્વ સમજાવવા અને કુદરતી ખેતી તરફ વાળવા તાલીમ આપે છે.
સ્વાસ્થ્યપ્રદ જીવન શૈલી માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે,ત્યારે મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે જરૂરી છે. ગાય આધારિત કુદરતી ખેતી એ સમયની જરૂરિયાત છે, કારણ કે આ પદ્ધતિથી થતી કૃષિ પેદાશો નાગરિકોના આરોગ્યને લાભકારક છે. જમીનને ફળદ્રુપ પણ રાખે છે. કપિલાબેન જેવી ઘણી મહિલા ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યા છે.
કપિલાબેન પરિશ્રમ સખી મંડળ સભ્ય છે. તેઓ કહે છે કે અગાઉ મને ગાય આધારિત કુદરતી ખેતી વિશે કોઈ જાણકારી ન હતી. પરંતુ આત્મા દ્વારા અમોને આ અંગે તાલીમ આપવામાં આવી હતી. હું મારી એક એકર જમીનમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની કુદરતી રીતે ઉગાડું છું.
વર્મીકમ્પોસ્ટ ૫૦૦ કિલોથી વધુ ખાતર તૈયાર કર્યું છે અને પ્રતિ કિલો રૂપિયા એક સો ના ભાવે ખેડૂતોને વેચે છે.
કપિલાબેન તેમના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને અન્ય પેદાશો પણ ઉગાડે છે.વિવિધ જાતના ફળોના રોપા ઉગાડે છે અને તેને બજારમાં વેચીને આર્થિક રીતે સમૃદ્ધિ તરફ વળ્યા છે. કપિલાબેન મહિલાઓને કુદરતી ખેતી તરફ વાળવા માટે પ્રતિબદ્ધ બન્યા છે.જે સરાહનીય છે.