Editorial
• કરજનિષ્ઠા • ચિઠ્ઠીમાં લખેલું હતું કે,”કાળું તારા શેઠે તને પૈસા આપ્યા ત્યારે મને કહ્યું હતું કે,” આ કાળુંને ₹જે પૈસા આપ્યા તે એક ભેટ છે.
– વિજય વડનાથાણી.
” હે…? શું વાત કરો છો ભાઈ…? અરે કાલે તો મારી વાડીએ આવ્યા હતા લટાર મારવા…! સાવ સાજા નરવા..” એક જણ ચકળવકળ આંખે જાણે આઘાત લાગ્યો હોય એમ પૂછી રહ્યો હતો. સામેવાળાએ પ્રત્યુતર વાળ્યો,” ખબર નથી પણ મને તો હમણા જ ખબર પડી. એમનો મોટો દીકરો ફોન પર કોઇક ને ખબર આપતો આપતો જતો હતો.”પેલો ભાઈ આટલું સાંભળતા તો ખરેખર ગળગળો થઈ ગયો. એનું નામ કાળું હતું. એ ત્યાં ઉભો ઉભો જ એક ઝબકારાની જેમ બે મહિના અગાઉના ભૂતકાળમાં સરી પડ્યો. કાળુંના ગામના ખમતીધર અને જગડુશા જેવા સેવાભાવી જમીનદાર એવા ધનપાલ શેઠ હતા. ખેતી લાંબા પહોળી હતી એટલે આવક પણ ઘી ને દૂધની નદીઓની જેમ વહેતી હતી. પોતે ખેતીની સાથે નજીવા વ્યાજે ધીરધાર કરતા હતા. છતાં પણ કોઈ આકસ્મિક ભીડાઈ પડ્યું હોય અને એને ખૂબ પૈસાની જરૂર હોય તો વગર વ્યાજે પણ મૂડી આપી દેતા હતા. એ વખતે તેઓ કોઈ ગીરવે લેવાની ભાવના રાખતા નહીં.એ વખતે તેઓ સામેવાળા માટે જાણે ખરેખર પરમાત્મા બની જતા ! આવી જ રીતે બે મહિના પહેલા જ કાળુના ઘરે દીકરીના લગ્ન હતા. પોતે નાનો ખેડૂત હતો, દીકરીના લગ્ન માટે એને જરૂરી મૂડી પણ જમા કરી રાખી હતી. છતાં બન્યું એવું કે એ પોતે ગાય ભેંસની લે વેચ માં જામીન તરીકે થોડું છેતરાયો હતો અને જે વ્યક્તિ ગાય ભેંસ લઈ ગયો હતો એ પૈસા ચૂકવવા ના આવતા પોતે પોતાની જામીનગીરીની બચાવવા દીકરી માટે રાખેલ કેટલીક મુડી ચૂકવણી કરવામા વાપરી દીધી. હવે આવા વખતે પોતે બિલકુલ ફસાઈ ગયો હતો. એક બાજુ દીકરીના લગ્ન હતા અને બીજી બાજુ જામીનગીરીની ઈજ્જત સાચવવાની હતી. એવા સમયે એને ધનપાલ શેઠ જોડેથી ₹35,000 ઉછીના લઈ અને દિકરીના લગ્ન સાચવ્યા હતા. આજે એકાએક જ એને સાંભળ્યું કે ધનપાલ શેઠ અચાનક હૃદય રોગનો હુમલો આવવાથી અવસાન પામ્યા છે એટલે કાળુને ધ્રાસકો લાગ્યો હતો. સાથે સાથે શેઠે કરેલી મદદ પણ એને યાદ આવવા લાગી. પોતાના પાસે તો અત્યારે કોઈ સગવડ થઈ શકે એમ હતી નહીં પરંતુ આવા સમયે શેઠના ઘરનાને પૈસાની જરૂર હોય એટલે ગમે તેમ કરીને મૂડી પાછી આપવી એવો વિચાર એના મનમાં સળવળાટ કરવા લાગ્યો. એમને એમ ત્રણ દિવસ વીતી ગયા. ધનપાલ શેઠનું બેસણું પત્યું. એ જ દિવસે સાંજે ધનપાલ શેઠના બે દીકરા અને એમની પત્ની બાજુના જ ગામમાં એક મોટો દુકાનદાર શેઠ હતો એની પાસેથી શેઠને લગભગ સાડા પાંચ લાખ રૂપિયા લેવાના નીકળતા હતા તેઓ ઉઘરાણી માટે ગયા. તો સામે એ દુકાનદાર શેઠે એવો જવાબ આપ્યો કે સાડા પાંચ લાખમાંથી પોતે સાડા ચાર લાખ તો આપી દીધા છે. ફક્ત એક જ લાખ બાકી છે અને એ પણ અત્યારે નહીં એક વષૅ પછીનો વાયદો છે. શેઠની પત્નીને તો ખબર જ હતી કે એમની હાજરીમાં જ આ શેઠે રૂપિયા આપ્યા છે અને વળતા એને આપ્યા નથી. દુકાનદાર જૂઠું બોલી રહ્યો હતો પરંતુ શેઠ ન હોવાથી હવે આની સાબિતી કેવી રીતે આપવી ? છેવટે શેઠાણી મન મનાવી ત્યાંથી ઘરે પાછા આવ્યા . મનોમન અફસોસ પણ કરતા હતા કે રૂપિયા વાળા લોકોનું પણ કેવું છે ! “જરૂર પૂરી એટલે સ્વાર્થ પણ પૂરો ઓળખવા પણ તૈયાર થતા નથી.”
બીજો દિવસ થયો ત્યારે એમના આંગણે કાળુ જાણે પ્રગટ થયો હોય એમ વહેલી સવારે જ શેઠાણીના ઘરે આવી પહોંચ્યો.તેના જોડે એક થેલી હતી એમાં પૂરા 35 હજાર રૂપિયા રોકડા હતા. શેઠાણીએ કાળુ ને બોલાવી આવકાર આપી ચા પાણી કરાવ્યા.
થોડીવાર થઈ કાળું રજા લેવા ઉભો થયો. શેઠાણીને પગે લાગી અને એમના હાથમાં એક થેલી આપવા લાગ્યો. શેઠાણીને નવાઈ લાગતા કહ્યું કે,” આ શું છે કાળું ?” કાળું ઊભરાતી આંખે અને એક ઈમાનદારીની નજરથી શેઠાણી સામે નજર કરી અને એટલું જ કહ્યું કે,” કંઈ નથી શેઠાણી આ તો શેઠે મને ખરા ટાણે જે મદદ કરી હતી એનું વળતર આપું છું.”
શેઠાણીએ સહર્ષ સ્વીકારી લીધું અને બોલ્યા કે,” કાળુ બરાબર છે પણ ઉભો રહે, હું હમણાં આવી.” એમ કરતાં શેઠાણી ઘરમાં ગયા અને તિજોરીમાંથી એક કવર લઈ અને બહાર આવ્યા.” હર્ષ અને આનંદના આસુડા વહાવતા તેમને કાળુના હાથમાં કવર મુકતા કહ્યું,” કાળું તે જે વળતર શેઠનું હતું એ આપી દીધું ,પણ મારે કંઈક દાન પેટે તને કંઈક આપવાનું છે જે તું લઈ લેજે શેઠના આત્માને શાંતિ મળશે.” કાળુંને હતું કે શેઠાણી દયાભાવે બસો પાંચસો નું કવર આપ્યું હશે.શેઠાણીના શબ્દો એવા લાગણીથી ભીંજાયેલા હતા કે કાળુ સહેજ પણ મનાઈ કરી શક્યો નહીં. એ કવર સહર્ષ સ્વીકારી લીધું અને ચાલતો થયો. આ બધું દ્રશ્ય શેઠાણીના બંને દીકરા જોઈ રહ્યા હતા એમને કશી ખબર ના પડી. તેઓ બંન્ને તરત જ પોતાની માને પૂછ્યું કે,” માં આ કોણ હતું ?” શેઠાણી કહ્યું કે,” દીકરા કાલે આપણે ગયા હતા ત્યાં જોયું હતું ને ! કે પેલો દુકાનદાર આપણી આટલી મોટી રકમ દબાવી બેઠો છે છતાં પણ એને ખબર છે કે હવે શેઠ રહ્યા નથી એટલે કપટ કરી અને જૂઠું બોલતો હતો અને બધા રૂપિયા પચાઈ પાડવા માંગે છે. જ્યારે આ એક ગરીબ ખેડૂત કાળું, જે શેઠ જોડેથી ₹35,000 વ્યાજે લઈ ગયો હતો. એને બાર મહિનાનો વાયદો હતો છતાં પણ એને એવું લાગ્યું કે અત્યારે શેઠાણીને જરૂર હશે એટલે ગમે તેમ કરીને આ મૂડી એકઠી કરી આપી ગયો.”
છોકરાઓ તો માં ની વાત સાંભળી ગદગદિત થઈ ગયા. મનોમાન વિચારવા પણ લાગ્યા કે,” ખોરડા ગમે તેટલા મોટા હોય તો પણ મોટા નથી થવાતું, પણ મન ઉદાર અને વિશાળ હોય એ જ વ્યક્તિ મોભીદાર અને મોટા બની શકે છે.
બીજી બાજુ જ્યારે કાળું ઘરે ગયો ત્યારે એણે કુતૂહલવશ કવર ખોલી અને જોયું તો એની આખો પહોળી થઈ ગઈ. તેને જોયું કે કવરમાંથી એક ₹35,000નો ચેક અને એક નાની ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં લખેલું હતું કે,”કાળું તારા શેઠ જ્યારે તને પૈસા આપ્યા ત્યારે મને એમ કહ્યું હતું કે,” આ કાળુંને ₹35,000 જે આપ્યા છે તે એક ભેટ સ્વરૂપે છે. એના જોડેથી આ રૂપિયા પાછા લેવાના નથી.” એટલે મેં તારી ભેટ સ્વીકારી લીધી. હવે તારે પણ મારી ભેટ સ્વીકારવી જ પડશે.
લિ. શેઠાણી.
કાળુંની આંખોમાંથી દડદડ આંસુ વહી રહ્યા હતા અને ચિઠ્ઠી ભીંજાઈ રહી હતી. કદાચ કાળુંએ કરજમાં પણ નિષ્ઠા વાપરી છે એ બદલનું જ આ ઇનામ હશે !