Surat
વિધર્મી યુવકનું કારસ્તાન, પ્રેમિકા સાથે હિન્દુ વિસ્તારમાં રહેવા ઓળખ બદલી

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
બાંગ્લાદેશની બોર્ડરને અડીને આવેલાં ઉત્તર દિનાજપુરના વતની અને સાત વર્ષથી સુરતમાં રહેતાં મુસ્લિમ યુવાન પાસેથી ત્રણ આધાર કાર્ડ મળી આવ્યા હતા. જેમાં બે મુસ્લિમ નામથી અને એક હિન્દુ નામથી હતું.સ્પામાં સાથે નોકરી દરમ્યાન હિન્દુ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેણે મુસ્લિમ વિસ્તારમાં રહેવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ તેને મુસ્લિમ નામે હિન્દુ વિસ્તારમાં મકાન ભાડે નહિ મળતાં રોહિત શર્માના નામે બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું. બીજું કાર્ડ સ્પામાં નોકરી દરમ્યાન સાચું નામ છુપાવવા બનાવ્યાની કબુલાત કરી હતી. એસ.ઓ.જી.ના સબ ઇન્સપેક્ટર એ.પી. જેબલીયા અને કોન્સ્ટેબલ કૌશલે પાલનપોર પાટીયા હિમગીરી એપા.માં રહેતાં 26 વર્ષીય રોહિત શર્માને અટકાયતમાં લીધો હતો. આ યુવાન વાસ્તવમાં મુસ્લિમ હોવાનું અને હિન્દુ નામે આધાર કાર્ડ બનાવ્યાની માહિતીને પગલે તેની ધરપકડ કરી ઝડતી લેવામાં આવતાં તેની પાસેથી ત્રણ આધાર કાર્ડ મળી આવ્યા હતા.
જેમાં બે મુસ્લિમ નામથી અને એક હિન્દુ નામથી મળતાં પોલીસ ચોંકી હતી. પોલીસે તેની સખ્તાઈથી પૂછપરછ કરતાં તે પ.બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો વતની હોવાનું અને તેનું સાચું નામ મો. તોહિદુલ અજીજ હક્ક હતું. સાત વર્ષ પહેલાં તે સુરતમાં રોજગારી માટે આવ્યો હતો અને અલગ અલગ સ્પામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં કેસ થાય તે સંજોગોમાં બદનામીથી બચવા અહેમદ અરાન ખાનના નામે ખોટા નામથી આધારકાર્ડ બનાવ્યું હતું. સ્પામાં નોકરી કરતી હિન્દુ યુવતી સાથે પ્રેમ થતાં તેની સાથે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. આ યુવતીને મુસ્લિમ વિસ્તારમાં રહેવું ન હતું. બીજી તરફ મુસ્લિમ નામને કારણે હિન્દુ વિસ્તારમાં મકાન ભાડે મળતું ન હોઇ આ યુવાને રોહિત શર્માના નામે ત્રીજું આધારકાર્ડ બનાવ્યું હતું. એક પછી એક બે ખોટા આધારકાર્ડ બનાવનાર તોહીદુલ વિરૂદ્ધ એસ.ઓ. જી.એ ગુનો નોંધી ધરપકડ કરી છે.