International
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા, NIAએ તેને ભગોડો જાહેર કર્યો હતો
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગુરુદ્વારામાં હત્યા કરવામાં આવી છે. બ્રિટિશ કોલંબિયા પ્રાંતના પંજાબી પ્રભુત્વવાળા શહેર સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારામાં તેને ગોળી મારી દેવામાં આવી હતી. તેઓ આ ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતા.
શીખ ફોર જસ્ટિસના સભ્ય હતા
નિજ્જર અલગતાવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)નો સક્રિય સભ્ય હતો, જેના વિશે ભારત પણ એલર્ટ મોડ પર હતું. બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાન જનમતનું આયોજન કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અગાઉ નિજ્જર સામે કથિત રીતે આતંકી હુમલાનું કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી. ભારતે કેનેડિયન સત્તાવાળાઓને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ નિજ્જર વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
NIAએ 10 લાખનું ઈનામ રાખ્યું હતું
ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગયા વર્ષે જુલાઈમાં નિજ્જર પર 10 લાખનું ઈનામ રાખ્યું હતું. નિજ્જર પર પંજાબના જાલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યા કરવાનો આરોપ હતો. નિજ્જરની આગેવાની હેઠળની ખાલિસ્તાન ટાઈગર ફોર્સ દ્વારા પૂજારીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.