Gujarat
આપણે જેને ઉકરડો કહી નાક દબાવીએ છે જાણો તેનું મહત્વ ખેતી માટે કેટલો લાભદાઇ છે
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રત્યે ભારતમાં જાગૃતિ વધવાની સાથે આ પ્રકારની ખેતી દિન પ્રતિદિન પ્રખ્યાત પણ થઈ રહી છે. પ્રાકૃતિક ખેતીમાં યુરિયા, ડીએપી, એનપીકે જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ પ્રતિબંધિત છે, એટલે કે ખાતર તરીકે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
જમીનની ફળદ્રુપતા વધારવા માટે કુદરતી ખાતર બનાવવું જરૂરી છે અને તેને બનાવવાનો ખર્ચ નહિવત છે, તો ચાલો જાણીએ કે ઘન જીવામૃત તરીકે ઓળખાતા આ ખાતરને આપણે કેવી રીતે બનાવી શકીએ.
ઘન જીવામૃત એક એવું નક્કર ખાતર છે, જેને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે. આ ઉપરાંત આ શુષ્ક ખાતર જમીન માટે પાયાનું પોષણ પણ છે.
ઘન જીવામૃત બનાવવા માટે ૧૦૦ કિલોગ્રામ દેશી ગાયનું છાણ, જરૂરિયાત પ્રમાણે ગૌમૂત્ર, ગોળ અને ચણાનો લોટ ૨-૨ કિલોગ્રામ અને ૨૦૦ ગ્રામ વૃક્ષ નીચેની માટી લો. સૌપ્રથમ ગૌમૂત્ર સાથે ગોળ સારી રીતે મિશ્રણ કરો. ત્યારબાદ તેને છાણમાં મિક્સ કરો અને પછી ચણાનો લોટ મિશ્ર કરો. આ તમામ પદાર્થોને બરાબર મિશ્રણ કરી ચાર-પાંચ દિવસ છાંયડામાં રાખો અને થોડું પાણી છાંટો. પછી તેને તેટલું ઘાટું બનાવો કે તેમાંથી લાડુ બનાવી શકાય. અથવા જો ઉપર જણાવ્યા પ્રમાણે મિશ્રણ સંપૂર્ણ સૂકાય જો તે તેને બારીક પીસી લો, જે ખેતરમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર છે, જેને ઘન જીવામૃત કહેવામાં આવે છે.
ઘન જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરશો ?
ઘન જીવામૃતનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે. જ્યારે ઘન જીવામૃત ભીનું હોય ત્યારે તેનો ઉપયોગ લાડુ બનાવીને વૃક્ષો અને છોડની વચ્ચે અલગ અલગ જગ્યાએ રાખીને કરી શકાય છે. જ્યારે તે સંપૂર્ણપણે સૂકાઈ જાય છે, ત્યારે તેને પાવડર બનાવીને શણના કોથળામાં સંગ્રહિત કરી શકાય છે. આ પાવડરને ઝાડ અને છોડમાં નાખી શકાય છે. તમે તેને ગાયના છાણમાં ભેળવીને સીધું ખેતરમાં પણ નાખી શકો છો.
બીજ વાવતા પહેલા, જ્યારે વરસાદના આગમનમાં ૧૫ થી ૨૦ દિવસનો વિલંબ હોય, ત્યારે તેનો સીધો ઉપયોગ જમીનમાં કરી શકાય છે. કોઈ પણ પાકમાં ૧૦૦ કિલો ઘન જીવામૃત પ્રતિ એકર નાખવું જોઈએ.
પાકમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરવાના ફાયદા
સામાન્ય રીતે, કોઈપણ પાકને પ્રાથમિક અને ગૌણ એમ કુલ ૧૦૮ પોષક તત્વોની જરૂર હોય છે. જે દરેક પાકને જમીન માંથી મળે છે. પરંતુ, એક જ પાકનું વારંવાર વાવેતર કરવાથી જમીનમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. આવી સ્થિતિમાં પાક માટે ઉપયોગી મુખ્ય પોષક તત્વો જેમ કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે ખાતરો દ્વારા ઉપલબ્ધ કરાવવા જરૂરી છે.
પાક માટેના મહત્વના પોષક તત્વો મેળવવા માટે જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય. ઘન જીવામૃત પાકને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે. તેના ઉપયોગથી અળસિયા જમીનની ઉપરની સપાટી પર પહોંચે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
ઘન જીવામૃત જમીનને ઢીલી અને નરમ બનાવે છે, જેના કારણે પાકના મૂળનો સારી રીતે વિકાસ થાય છે અને છોડનો વિકાસ થાય છે.
ઘન જીવામૃતનું મહત્વ
ઘન જીવામૃત પ્રાકૃતિક ખેતીમાં મહત્વનો ભાગ ભજવે છે. ઘન જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણું સમાધિ લઈને સુષુપ્ત થઈ જાય છે. જ્યારે તમે ઘન જીવામૃતને જમીનમાં નાખો છો, ત્યારે જમીનમાં ભેજ મળતાની સાથે સૂક્ષ્મ જીવો સમાધિ તોડીને ફરી કાર્યરત થઈ જાય છે. જેની પાસે ગોબર વધારે હોય, તેના માટે વધારે પ્રમાણમાં ઘન જીવામૃત બનાવીને મર્યાદિત ખેતી પાકમાં છાણીયા ખાતર સાથે ભેળવીને તેનો ઉપયોગ થઈ શકે છે. કોઈ પણ પાકની વાવણી સમયે પ્રતિ એકર ૧૦૦ કિલોગ્રામ પાવડર કરેલું છાણિયું ખાતર અને ૧૦૦ કિલોગ્રામ ઘન જીવામૃત ભેળવીને વાવણી કરવાથી ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે.
ખાસ વાત એ છે કે, ઘન જીવામૃતના ઉપયોગ થકી ખેડૂત રાસાયણિક ખેતી અથવા જૈવિક ખેતી કરતા વધારે ઉત્પાદન લઈ શકે છે અને પોતાની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે.
બેક ટુ નેચર : પ્રાકૃતિક કૃષિ અભિયાન
**********************************
પ્રાકૃતિક કૃષિના મુખ્ય આધારસ્તંભ સમાન ઘન જીવામૃતને કેવી રીતે બનાવશો ?
ઉપયોગ કેવી રીતે કરવો ? મહત્વ શું છે ?
*****************************
ઘન જીવામૃત @ ૩૬૦° : એ બધું જ જાણો, જે ઘન જીવામૃત માટે જરૂરી છે