Gandhinagar
આવો જાણીએ કેવી રીતે ફરકાવાય છે રાષ્ટ્રધ્વજ….
આવો જાણીએ કેવી રીતે ફરકાવાય છે રાષ્ટ્રધ્વજ….
આપણો ભારત દેશ આઝાદ થયા પછી રાષ્ટ્રીય પર્વો નિમિતે ધ્વજને ફરકાવીને વંદન કરાય છે. રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે, તે માટે તમામ નાગરિકો એક સરખી રીતે ધ્વજવંદન કરે તે આવશ્યક છે. જ્યાં ધ્વજવંદન થતું હોય તેમાં સહભાગી થઈએ અને રાષ્ટ્રધ્વજને સલામી આપીએ તે આપણી દરેક નાગરિકોની ફરજ છે.
અખિલ ભારતીય સેવાદળ વડોદરા દ્વારા દર વર્ષે રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે કરવું, રાષ્ટ્રધ્વજને ફરકાવતા સમયે કયા કયા નિયમોનું પાલન કરવું, જેવી તમામ બાબતો પ્રત્યે જાણકારી આપે છે. અત્યાર સુધી અહીંયા ચાર લાખથી વધુ લોકોએ ધ્વજ વંદન કેવી રીતે કરવું તેની તાલીમ લીધી છે.
રાષ્ટ્રધ્વજ બાંધવાથી લઈ ફરકાવવા સુધીની પ્રક્રિયા અંગે એક ઝલક:
સૌપ્રથમ ધ્વજની દોરી સ્તંભ પર પરોવવી. ધ્વજની બંને તરફ દોરી બાંધી ધ્વજની ગડી કરવી. ત્રણ અલગ અલગ કલરમાં ધ્વજની ગડી થાય, પછી ખાસ લીલા કલર બાજુની દોરીથી ધ્વજને બાંધવો. સ્તંભના ટોચ સુધી ધ્વજને લઈ જવો. ત્યારબાદ ધ્વજ રક્ષકના છાતીના સમાન અંતરે ધ્વજના દોરી બાંધવી. સંપૂર્ણ ચકાસણી બાદ દોરીને પ્રમુખના હાથમાં આપી જેથી સફળતાપૂર્વક ધ્વજ ફરકાવી શકાય.
સરદાર ભવનના પ્રજ્ઞાબેન વણકરએ જણાવ્યું કે, રાષ્ટ્રધ્વજના નવા નિયમ અનુસાર ખાદી, પોલીએસ્ટર કાપડ, ઉન તથા સિલ્ક કાપડનો ધ્વજ ફરકાવી શકો છો, જે અગાઉ ફરકાવી નહોતા શકતા તથા હવે 24 કલાક ધ્વજને ફરકાવી શકો છો. રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે દેશના નાગરિકોની નૈતિક ફરજ છે.
સુધારેલી ધ્વજસંહિતા અનુસાર કોઈપણ અન્ય ધ્વજ કે ઝંડો રાષ્ટ્રધ્વજથી ઊંચો અથવા તેનાથી ઉપર કે તેની બાજુમાં સમકક્ષ રાખી શકાય નહીં. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ પ્રકારનું લખાણ હોવું જોઈએ નહીં. રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર બંને તરફ છપાયેલું હોવું જોઈએ. ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા પ્રસંગો સિવાય રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવો નહીં. દરેક વ્યક્તિ પોતાની કાર ઉપર રાષ્ટ્રધ્વજ લગાવી શકશે નહીં.
26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના ધ્વજવંદન વચ્ચેના મુખ્ય તફાવતો…
26મી જાન્યુઆરીને “ગણતંત્ર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે જ્યારે 15મી ઓગસ્ટને “આઝાદી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરીના દિવસે દેશભરના વિવિધ સ્થળોએ સરકારી સમારંભો, પરેડો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જ્યારે 15મી ઓગસ્ટ ના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી થાય છે જેમાં મુખ્યત્વે પાટનગર ન્યૂ દિલ્હી ખાતે રાજપથ પર એક વિશાળ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ રીતે, બંને દિવસોના ધ્વજવંદનનાં કારણ અને ઉજવણીનો પ્રકાર વિવિધ છે, પરંતુ બંને જ દેશભરમાં ખાસ મહત્વ ધરાવે છે.
ધ્વજવંદનની વિધિ:
- સાવધાન કરાવીને લાઈનમાં ઉભા રહેવું
- વિશ્રામ કરાવીને અધ્યક્ષ (જેમના હસ્તે ધ્વજ ફરકાવવાનો હોય તેમને) લેવા જવું.
- અધ્યક્ષને સલામી અને અહેવાલ આપવો.
- ધ્વજરક્ષક અને અધ્યક્ષ પોતાના સ્થાને (ધ્વજ સ્થંભ પાસે નં.2 અને 3) ધ્વજ રક્ષક ધ્વજ સ્થંભની જમણી બાજુ અને ડાબી બાજુ હશે.
- સાવધાન
- વંદે માતરમ શુરૂ કરેંગે.
- ધ્વજ ફરકાવવો
- સલામી આમ દો: ધ્વજની દોરી બાંધ્યા પછી ધ્વજરક્ષક પોતે સલામી આપે ત્યારબાદ.
- જેસે થે.
- વિશ્રામ
- પ્રમુખનું પ્રવચન
- સાવધાન
- રાષ્ટ્રગીત
- નારા – આઝાદ હિન્દ …. ઝીંદબાદ….ભારતમાતા કી જય….
- વિશ્રામ.