Panchmahal
નિરાકાર પ્રભુ પરમાત્માને હ્રદયમાં સ્થાન આપી તેનો આધાર લઇએ.. -સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ
ગુજરાતના ગોધરા શહેરમાં વિશાળ નિરંકારી સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો અને ગામડામાં વસતા સાઇઠ હજાર કરતાં વધુ પ્રભુ ભક્તોએ હાજર રહી સંતોની અનુભવજન્ય વાણી,ભક્તિ રચનાઓ તથા ગુરૂવચનામૃતનો લાભ લીધો હતો.આ અવસરે સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે એકત્રિત વિશાળ જનસમુહને સંબોધિત કરતાં કહ્યું હતું કે આપણા તમામનો સત્સંગ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે દરેક સમયે અમે પોતાને નિરાકાર પ્રભુ પરમાત્મા સાથે કેવી રીતે અને સૌથી વધુ પરમાત્માને નજીક અનુભૂતિ કરી શકીએ.
આ જીવનકાળમાં પરમાત્માની જાણકારી કરી લેવી ઘણી જ જરૂરી છે.પરમાત્માને ભલે અમે ગમે તે નામથી બોલાવીએ તેનું અસ્તિત્વ તો એક જ છે.તે સર્વત્ર અને બ્રહ્માંડના કણકણમાં સમાયેલા છે.અમારા શરીરમાં જે આત્મા છે તે પણ તેનો જ સનાતન અંશ છે-આ જાણકારી યુગો યુગોથી સંતો દ્વારા આપવામાં આવી રહી છે.સંતોનો નિરાકાર પરમાત્મા સાથે હંમેશાં સાચો પ્રેમ હોય છે.ભલે તેમને સંસારની મૂલ્યવાન વસ્તુઓ આપવામાં આવે તે તેમના માટે વ્યર્થ હોય છે કેમકે તેમનું હ્રદય તો નિરંતર પ્રભુ ભક્તિમાં તલ્લિન રહે છે. તેમને દુનિયાની કોઇપણ ઉપલબ્ધિ મળી જાય તેમ છતાં પ્રાથમિકતા તો પરમાત્માને જ આપે છે.
ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમછતાં ભક્ત નિરાકાર પરમાત્માનું સુમિરણ કરતાં કરતાં સહજ જીવન જીવે છે.ભક્ત જેવી અવસ્થા બન્યા પછી તેમને એવો સંશય નથી રહેતો કે મારી પાસે કશું નથી અને બીજા પાસે સર્વ કંઇ છે.તે વિચારે છે કે દાતારે મને જે કંઇ આપ્યું છે તે મારી લાયકાત કરતાં વધુ આપ્યું છે.ઘર-પરીવારની જવાબદારીઓ સંભાળતાં સંભાળતાં તે અર્હનિશ પ્રભુ સુમિરણ કરે છે. ફક્ત પરમાત્માની ચર્ચા જ ના કરીએ.જેને પ્રભુ પરમાત્માની પ્રાપ્તિ(અનુભૂતિ) કરી છે તે તમામની સાથે આ પ્રભુ પરમાત્માની જ વાતો કરે છે.તેમના ઘેર જ્યારે કોઇ મહેમાન આવે છે ત્યારે તે અન્ય કોઇ વિષયની ચર્ચા ન કરતાં ફક્ત પરમાત્માના વિશે જ વાતો કરતા હોય છે.
માતાજીએ આગળ સમજાવતાં કહ્યું કે ભક્તિમાં મોક્ષ અને મુક્તિની વાતો કહેવામાં આવે છે.જીવના મોક્ષ અને મુક્તિનો રસ્તો બ્રહ્મજ્ઞાન દ્વારા જ સંભવ છે પરંતુ બ્રહ્મજ્ઞાન લેવાનો અર્થ એ નથી કે હવે અમારા જીવનની હરહંમેશાં સ્થિતિ સારી જ રહેશે.આ તો જીવન છે અહીયાં મીઠું પણ છે અને ખાટું પણ છે. પરમાત્માની પ્રાપ્તિ થયા પછી ભક્ત પોતાના વિશ્વાસને પાકો બનાવી લે છે.જીવનમાં આવતા ઉતાર-ચઢાવને ભક્તજન પરમાત્માની ઇચ્છા સમજે છે કેમ કે તેમને પરમાત્માની અનુભૂતિ થઇ હોવાથી તેમનો વિશ્વાસ પાકો થઇ ગયો હોય છે કે પ્રભુ જે કંઇ કરશે તે મારા સારા માટે જ કરશે.
સત્સંગમાં આવવાથી અમારા જીવનમાં દિવ્ય ગુણો આવે છે.ફક્ત શ્વાસ લેવો એ જીવન નથી.જે ક્ષણ પસાર થઇ ગઇ તે પાછી આવવાની નથી.આજનો માનવ ભૌતિક વસ્તુઓમાંથી સુખી થવાનો રસ્તો શોધે છે પરંતુ ભૌતિક વસ્તુઓમાંથી કાયમ રહેનારૂં સુખ મળતું નથી, તે વસ્તુઓ થોડો સમય સુધી જ સુખ આપે છે. મોબાઇલ ફોનનું ઉદાહરણ આપતાં સદગુરૂ માતાજીએ કહ્યું કે શાંતિ મેળવવા માટે એક વ્યક્તિ મોબાઇલ ફોન લઇ આવે છે અને પછી તે મોબાઇલમાં એટલો વ્યસ્ત બની બની જાય છે કે પરીવારમાં રહેવા છતાં પરીવારથી દૂર થઇ જાય છે.જે શાંતિ મેળવવા વસ્તુ ખરીદી લાવે છે તેનાથી તેને શાંતિ મળતી નથી.
અંતમાં સદગુરૂ માતાજીએ આવેલ તમામ શ્રદ્ધાળુ ભક્તોને પ્રેરણા આપતાં કહ્યું કે ભક્તનું જીવન હંમેશાં બીજાઓને પ્રેરણા આપવાવાળું હોય છે.સંતજનો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેને જીવનમાં ઉચ્ચ સ્થાન આપે છે. ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઇ ગડરીઆ તથા ગોધરાના સંયોજક પ.પૂ.વિદ્યાબહેનજીએ ગોધરા પધારી ભક્તોને વિશેષ આર્શિવાદ આપવા બદલ સદગુરૂ માતાજી તથા નિરંકારી રાજપિતાજીનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો તથા પ્રસાશન અને સ્થાનિક સજ્જનોના સહકાર બદલ ધન્યવાદ આપ્યો હતો