Chhota Udepur
જીવનશૈલીમાં પરિવર્તન કરી પર્યાવરણનું જતન કરીએ નાયબ મુખ્ય દંડક: રમણસિંહ સોલંકી
પ્રતિનિધિ, કાજર બારીયા
*છોટાઉદેપુરના કેવડી ખાતે જિલ્લા
કક્ષાના પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ*
પર્યાવરણના જતન અને સંવર્ધન માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મિશન લાઇફ નામનું અભિયાન ચલાવ્યું છે જે અંતર્ગત આપણી રોજીંદી જીવનશૈલીમાં પરિવર્તન આણી પર્યાવરણના જતનમાં સહભાગી બની શકીએ છીએ એમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
છોટાઉદેપુર તાલુકાના કેવડી ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે યોજાયેલી વિશ્વ પર્યાવરણ દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે, આપણે આપણા રોજીંદા જીવનમાં વિજળીનો બચાવ, આજુબાજુ વિસ્તારની સાફ સફાઇ, સાઇકલ ચલાવવી જેવી પ્રવૃતિ કરીને પણ પર્યાવરણનું સંરક્ષણ કરી શકાય છે એમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, જન્મદિવસ કે લગ્નતિથિની ઉજવણી જો વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવે તો પર્યાવરણની ખૂબ મોટી સેવા કરેલી ગણાશે એમ જણાવી પર્યાવરણનું સંતુલન જાળવવામાં વૃક્ષોનું ખૂબ મહત્વ છે માટે આપણે શાળા, કોલેજ, પંચાયત કે ઘરનું આજુબાજુમાં જયાં ખુલ્લી જગ્યા હોય તો વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરવો જોઇએ એમ જણાવ્યું હતું.
છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, આપણે પર્યાવરણનું સંતુલન ખોરવાતા ગ્લોબલ વોર્મિંગ જેવો મોટો પડકાર આપણી સમક્ષ ઉભો થયો છે. આપણે પર્યાવરણની ચિંતાની સાથે વનમાં રહેતા આદિવાસી સમુદાયની મુશ્કેલીઓની પણ ચર્ચા કરવી પડશે કારણ કે જંગલો આદિવાસી સમુદાયની જીવનશૈલી સાથે વણાઇ ગયેલા છે, વન દેવી તરીકે પૂજે છે. આપણે જંગલમાં વસતા આદિવાસી સમુદાયના લોકોના પ્રશ્નોનો નિકાલ કરવો પડશે.
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં ૫૫ હજાર એકરમાં સિંચાઇની સુવિધા મળી રહે એ માટે ૨૪૪ કરોડના પ્રોજેકટનું એસ્ટીમેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે તેમજ જિલ્લાના ૧૩ સિંચાઇ તળાવોના સર્વે માટે એસ્ટીમેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન અંબાજી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજયકક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી ઉપસ્થિત જનમેદનીને રોપાઓનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ જીવનશૈલી બદલી પર્યાવરણની જાળવણી કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક વિષ્ણુભાઇ દેસાઇએ કર્યું હતું. આભારવિધિ પરિક્ષેત્ર વન અધિકારી નિરંજન સી રાઠવાએ આટોપી હતી.
કાર્યક્રમમાં પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, વન વિભાગના અધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.