Gujarat
લૂંટેરી દુલ્હન:વડાલીના યુવક સાથે લગ્નનું નાટક કરી પરિવારે રૂપિયા 2.27 લાખ પડાવ્યાં
2 વર્ષ પૂર્વે ઠગાઇ કરી હતી, અમદાવાદમાં ત્રિપુટી પકડાતા ફરિયાદ
2 દિવસ બાદ પિયર ગયેલી યુવતી પરત ન ફરી, ઘરે તપાસ કરતા તાળું મારેલું હતું
કપડવંજ વડાલી ગામના યુવક સાથે લગ્નનું નાટક કરી યુવતી અને તેના માતા- પિતાઅે રૂ 2.27 લાખની 2 વર્ષ પૂર્વે ઠગાઇ કરી હતી. તાજેતરમાં છેતરપિંડી આચરનાર પરિવારને અમદાવાદના કણભા પોલીસે ઝડપી પાડયો હતો. કપડવંજ તાલુકાના વડાલી ગામમાં રહેતા 29 વર્ષિય શિક્ષિત યુવક નડિયાદ ખાનગી બેંકમાં લોન વિભાગમાં ફરજ બજાવે છે.
વર્ષ-2020 માં યુવક લગ્ન માટે યુવતીની શોધમાં હતા. ત્યારે ગામના એક યુવકના લગ્ન કરાવનાર ડાકોરની મહિલાના સંપર્કમાં આવતા મહિલા યુવકના ઘરે શિવાની નામની યુવતી અને તેના પિતા અને તેની માતાનુ નામ રેણુકાબેન અને પિતાનું નામ અશોકભાઈ પટેલ રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ કઠવાડા અમદાવાદને લઇને અાવી હતી. દરમિયાન યુવકની શિવાની સાથે લગ્નની વાત કરી હતી. ત્યારબાદ યુવતીના પિતાએ યુવકને ફોન કરી અમદાવાદ મકાન જોવા માટે બોલાવ્યા હતા. યુવકના પરિવાર અમદાવાદ જતા યુવતીના પિતાએ યુવતીનું આધારકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટી અને ચૂંટણી કાર્ડ બતાવી યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
29 ડિસેમ્બર 2020 ના રોજ યુવક પરિવારજનો સાથે શહેરની ખાનગી હોટલમાં હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ બાદ યુવકે લગ્નના ખર્ચ પેટે રૂ 2 લાખ અને હોટલના ખર્ચ પેટે રૂ 27 હજાર યુવતીના માતા-પિતાને આપ્યા હતા. લગ્ન બાદ યુવતી શીવાની સાસરી કપડવંજ વડાલી ગામ આવી હતી. જ્યાં યુવકે યુવતીને મોબાઇલ ગિફ્ટમાં આપ્યો હતો. આ બાદ બે દિવસ રોકાયા બાદ યુવતી તા.2 જાન્યુઆરી 2021 ના રોજ તેના પિયરમાં અમદાવાદ ગઇ હતી અને તા 5 જાન્યુઆરી તેડી જવા જણાવ્યું હતું.
જેથી યુવક પોતાની પત્નીને અમદાવાદ તેડવા જતા મકાનને તાળુ હતું. આસપાસમાં તપાસ કરતા યુવતીના પરિવાર મકાન ખાલી કરીને ક્યાં જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે યુવકે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. તાજેતરમાં યુવકે કપડવંજ પોલીસ મથકે છેતરપિંડી કરનાર શિવાની પટેલ, તેની માતા રેણુકાબેન પટેલ અને પિતા અશોકભાઈ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.