Gujarat
માતૃભાષા અભિયાન અંતર્ગત મારી માટી,મારી ભાષા એક નવતર અભિયાન.
ગુર્જર ધરા ગુજરાત આપણું માતૃભાષા આપણી ગુજરાતી. ગુજરાત ધરા ની અંદર રહેતા તમામ બાળકો ની માતૃભાષા ગુજરાતી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે હાલ સૌથી ઓછું પરિણામ આપણી જ માતૃભાષા ગુજરાતીમાં આવતું જોવા મળ્યું છે. ત્યારે જો આવા બાળકોને પાયામાંથી જ ગુજરાતી ભાષા સજ્જતાનું શિક્ષણ યોગ્ય રીતે આપવામાં આવે તો ચોક્કસ ભવિષ્યમાં સારુ પરિણામ મળી શકે છે. અત્યારે માતૃભાષા અભિયાન અંતર્ગત ગુજરાતમાં વિવિધ પ્રોગ્રામો પણ ચાલી રહ્યા છે તેવા સમયમાં પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ દ્વારા ધોરણ છ થી આઠ માં બાળકોને ભાષા સજ્જતા સરળ રીતે શીખવા માટે શાળામાં મારી માટી, મારી ભાષા એક નવતર અભિયાન અંતર્ગત નવતર પ્રયોગ જાન્યુઆરી 2023 થી શરૂ કરવામાં આવેલ છે.
આ નવતર પ્રયોગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભાષા સજ્જતા પ્રત્યે લગાવ વધે, ભાષા સજ્જતા વિષય એક ભારરૂપ શિક્ષણ નહીં પરંતુ સહજતાથી શીખવું, વિષયને લગતી વિવિધ ગમતી પ્રવૃત્તિઓ દ્વારા આનંદદાયી શિક્ષણ, ચિત્રોના માધ્યમથી બાળકોને મજા પડે તેવું શિક્ષણ, વિવિધ શબ્દ રમતો થી બાળકોમાં શબ્દભંડોળનો વધારો થાય, આ હેતુઓને સિદ્ધ કરવા માટે માતૃભાષા અભિયાન અંતર્ગત સાપસીડી, શબ્દ કેરમ બોર્ડ, પઝલ ગેમ બોર્ડ, શબ્દ ચિત્ર તોરણ, શબ્દરૂપી ઝાડ તેમજ ચિત્રાત્મક વાક્યરૂપી વાઘ, સમાસરૂપી સસલો, કહેવત રૂપી કાગડો, છન્દરૂપી છત્રી, આ ઉપરાંત પણ બાળકો ગીતોના માધ્યમથી શીખી શકે એ હેતુથી સંજ્ઞા ગીત, નામ પદ ગીત, વિશેષણ ગીત તેમજ રમત ની અંદર શબ્દરૂપી સાહિત્યિક રમત આ તમામની મદદથી બાળકોની અંદર ભાષા સજ્જતાનો જે ભાર રહેલો છે તે દૂર કરવા માટે આ નવતર પ્રયોગનો અમલ કરવામાં આવેલો છે. બાળકોને પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપવાથી બાળકોને ખૂબ જ મજા આવે છે સાથે સાથે તેઓ શીખેલું ગ્રહણ પણ સારી રીતે કરી શકે છે. મારો આ નવતર પ્રયોગ ગુજરાતની કેટલીય શાળાઓમાં અત્યારે ચાલી રહ્યો છે. આ નવતર પ્રયોગથી ઘણા બધા બાળકોની અંદર શબ્દ ભંડોળનો ભરપૂર વિકાસ થયેલો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2023 થી શરૂ કરેલ આ નવતર પ્રયોગમાં આજે 50% જેટલું પરિણામ મળ્યું છે જેનો ખૂબ જ આનંદ છે. આ નવતર પ્રયોગના તમામ વિડિયો જ્ઞાનકી પાઠશાલા youtube પર મૂકવામાં આવેલા છે જે સૌ મિત્રો નિહાળી પણ શકે છે અને પોતાની શાળામાં આ નવતર પ્રયોગનો અમલ કરી શકે છે.